ગદર કી બેટી તરીકે જાણીતી પંજાબની પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની: ગુલાબ કૌર

લાડકી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

દેશની આઝાદીના જંગમાં ઝુકાવવા જેણે પોતાના પતિને પણ છોડી દીધો એવી પંજાબની પ્રથમ સ્ત્રી સ્વતંત્રતા સેનાની…!
એનું નામ ગુલાબ કૌર. ગદર કી બેટી તરીકે પ્રખ્યાત આ વીરાંગનાએ ભારતની આઝાદીને કાજે ફિલિપાઈન્સનું ગુલાબ જેવું ગુલાબી ખૂબસૂરત જીવન છોડીને હસતે મોંએ કંટકો પર ચાલવાનું પસંદ કરેલું. એના માટે દેશ જ સાચો પરિવાર હતો. એણે માભોમને પોતાના કુટુંબ કરતાં ઊંચું સ્થાન આપ્યું. ઘઉંમાંથી કાંકરો કાઢતી હોય એવી સહજતાથી એણે પતિને છોડ્યો, પણ દેશભક્તિ નહીં. દેશપ્રેમનું જ્વલંત ઉદાહરણ એટલે ગુલાબ કૌર.
ગુલાબ કૌરનો જન્મ ૧૯મી સદીના અંતિમ દાયકામાં થયો. પંજાબના સંગરુરના બક્શીવાલા ગામના એક ગરીબ પરિવારમાં ૧૮૯૦માં. દરિદ્રતાથી ઘેરાયેલા કુટુંબને બે ટંક ખાવાના પણ સાંસા હતા, એવામાં સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાનો તો સવાલ જ ઉપસ્થિત થતો નહોતો. ગુલાબે સ્વાધીનતાનું કોઈ સ્વપ્ન સેવ્યું નહોતું. ગુલાબનું નાનપણ અત્યંત કષ્ટમય રહ્યું. કોઈ પણ નિર્ધન ક્ધયાની જેમ એનો અતિશય સાધારણ પરિવેશમાં ઉછેર થયો. એ વિવાહયોગ્ય થઇ ત્યારે માતાપિતાએ માનસિંહ સાથે એને પરણાવીને પોતાનું ધન પારકું કર્યું.
નાણાં વિનાનો નાથિયો, નાણે નાથાલાલ… નાણાં વિનાના માનસિંહે કીર્તિ નહીં, કલદાર રળવા અમેરિકા જવાનું વિચાર્યું. સાથે ગુલાબ કૌર. પતિ-પત્ની જળમાર્ગે અમેરિકા જવા ઊપડ્યાં, પણ ગાંઠે બાંધેલી મૂડી ખૂટી પડી, એથી વચ્ચે ફિલિપાઈન્સમાં વિસામો લીધો. થોડો વખત કામ કરીને, કાવડિયાની કોથળી ગુંજે ભરીને અમેરિકા જવાનું નક્કી કર્યું. ધણી-ધણિયાણી અમેરિકાનાં સપનાં જોતાં ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં કામે વળગ્યાં.
એ સમયે ફિલિપાઈન્સમાં ભારતીય શીખોની ગદર પાર્ટી કાર્યરત થયેલી. ગદર એટલે વિદ્રોહ. ભારતમાં ક્રાંતિ આણવી આ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ હતો. ગુલામ ભારતને અંગ્રેજોથી સ્વતંત્ર કરાવવાના ધ્યેયથી આ પક્ષ રચાયેલો. અમેરિકા અને કેનેડાના ભારતીયોએ ૨૫ જૂન, ૧૯૧૩ના સાનફ્રાન્સિસ્કોના એસ્ટોરિયામાં અંગ્રેજ સામ્રાજ્યને ઉખાડી ફેંકવાના સંકલ્પ સાથે પક્ષની સ્થાપના કરેલી. ગદર પાર્ટીના સંસ્થાપક અધ્યક્ષ સોહનસિંહ ભકના હતા. યુવા ભારતીયોમાં દેશભક્તિની જ્યોત પ્રગટાવવા અને વિદ્રોહ માટે એમને પ્રશિક્ષિત કરવાના હેતુથી યુગાંતર આશ્રમ નામની સંસ્થા ગદર પક્ષ દ્વારા શરૂ કરાયેલી.
ગુલાબ કૌર અને માનસિંહ ગદર પાર્ટીના સંપર્કમાં આવ્યાં. ગુલાબ કૌરના માનસમાં ગરીબી તળે ધરબાયેલી દેશપ્રેમની ભાવનાના અંગારા પરથી રાખ ઊડી ગઈ. રૂંવે રૂંવે દેશભક્તિની જ્વાળા જાગી. બત્રીસેબત્રીસ કોઠે દેશદાઝના દીવડા પ્રગટ્યા. પહેલી જ વાર ગુલાબ કૌરના મનમાં ભારતની આઝાદી માટે લડી લેવાની ખેવના જાગી.
દરમિયાન ગદર પાર્ટી ફિલિપાઈન્સની રાજધાની મનિલામાં સક્રિય થઈ ગયેલી. ગુલાબ કૌર એમાં જોડાઈ ગઈ. ગુલાબ કૌરને ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી. ગદર પક્ષે ૧ નવેમ્બર, ૧૯૧૩થી ‘ગદર’ નામની સાપ્તાહિક પત્રિકાનું પ્રકાશન શરૂ કરેલું. શરૂઆતમાં પત્રિકા ઉર્દૂ અને ગુરુમુખીમાં પ્રકાશિત થતી, પણ પછીથી અનેક ભાષાઓમાં પ્રકાશન થવા માંડ્યું. ભારતમાં અને પ્રવાસી ભારતીયો જ્યાં વસતા હોય ત્યાં આ પત્રિકા પહોંચાડવાના પ્રયાસો થવા લાગ્યા. પત્રિકાની સેંકડો પ્રતો શાંઘાઈ, હોંગકોંગ અને અન્ય રસ્તે થઈને ભારત સુધી પહોંચાડાતી. આ પત્રિકાઓ જ્યાં છપાતી તે પ્રિન્ટિંગ પ્રેસ સંભાળવાનું કામ ગુલાબ કૌરને સોંપાયેલું. પ્રિન્ટિંગ પ્રેસની આડમાં ગુલાબ કૌર આંદોલનકારીઓને હથિયાર અને દારૂગોળો પૂરાં પાડવાનું કામ કરતી.
આરંભે ગદર પક્ષની પ્રવૃત્તિઓ વિદેશમાં જ સીમિત રહેલી, પણ પ્રથમ વિશ્ર્વયુદ્ધ દરમિયાન એવી ઘટના બની કે વિદ્રોહની જ્વાળાઓ ભારત સુધી પહોંચી. વર્ષ ૧૯૧૪… બ્રિટિશ હુકૂમતથી અને દુકાળથી ત્રાસીને પંજાબી શીખો અને મુસલમાનોને મળીને ૩૭૬ ભારતીયો રોજગારની શોધમાં કોમાગાટા નામના જહાજ પર સવાર થઈને કેનેડા જવા નીકળ્યા. બાબા ગુરુદત્ત સિંહે આ જહાજ ભાડે લીધેલું. જહાજ કેનેડાના વાનકુંવર બંદરે લાંગર્યું. પ્રવાસીઓને કેનેડાની સરકારે જહાજમાંથી નીચે પગ મૂકવાની મનાઈ ફરમાવી દીધી, એથી પ્રવાસીઓએ કોલકાતા પાછા ફરવું પડ્યું. ૨૯ સપ્ટેમ્બર, ૧૯૧૪ના કોલકાતામાં બાબા ગુરુદત્ત સિંહની ધરપકડ કરવાનો પ્રયાસ કરાયો, પણ એ અંગ્રેજ પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યા. અન્યોને પંજાબ પરત જવાનો હુકમ કરાયો, પણ એ લોકો ન માન્યા એથી પ્રવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પોલીસે ગોળીબાર કર્યો. એમાં અઢાર પ્રવાસીઓ માર્યા ગયા. અન્યોને પરાણે પંજાબ મોકલી દેવાયા. આ ઘટનાને પગલે પંજાબની પ્રજામાં રોષ ફાટી નીકળ્યો. એમણે વિદેશી સલ્તનત વિરુદ્ધ વિદ્રોહનો વાવટો ફરકાવી દીધો.
ગદર પાર્ટીના વિદ્રોહીઓ પણ ભારત જવા નીકળ્યા. મનિલાની ગદર પાર્ટીના પ્રધાન આફિજ અબ્દુલાના નેતૃત્વમાં વિદ્રોહીઓએ ભારત જવાની તૈયારી કરી. ગુલાબ કૌરે પણ ભારત જવાનો નિર્ણય કર્યો, પરંતુ જીવનના આ વળાંકે એની અગ્નિપરીક્ષા કરી. પતિ માનસિંહે ગુલાબનો સાથ આપવાનું નકારી કાઢ્યું એટલું જ નહીં, એણે ગુલાબ સામે બે વિકલ્પ મૂક્યા – કાં તો મને પસંદ કર અથવા તો દેશની આઝાદીને… ગુલાબ કાંઈ ગુલાબનું ફૂલ નહોતી કે કસોટીના આકરા અગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય. એને દેશભક્તિની લગની લાગેલી. પુષ્પની સુંવાળી શૈયાને સ્થાને શૂળીની સેજ પર પોઢવાનું પસંદ કર્યું. ફૂલ નહીં ને શૂળ સ્વીકાર્યા. એણે તરત જ માતૃભૂમિની આઝાદીના વિકલ્પ પર મહોર લગાવી દીધી. એટલેથી ન અટકતાં માનસિંહ સામે પોતાની ચૂડીઓ ઉતારીને ફેંકી. સ્વતંત્રતાનું સમણું આંખોમાં આંજીને ઘર બહાર નીકળી ગઈ.
ગુલાબ કૌર ભારત ભણી પ્રયાણ કરી રહેલા ગદર જૂથ સાથે જોડાઈ ગઈ. બાબા જ્વાલાસિંહ ઠઠિયા, બાબા કેસરસિંહ થથગઢ, બાબા શેરસિંહ વેઈપુઈ અને માસ્ટર ઉધમસિંહ સાથે એ ભારત પાછી ફરી. અંગ્રેજ સરકારથી લપાતીછુપાતી ગુલાબ કૌર પંજાબ પહોંચી. જલંધર, કપૂરથલા અને હોશિયારપુરમાં આઝાદી આંદોલનની જ્યોતિ પ્રજ્વલિત રાખી. સશસ્ત્ર ક્રાંતિ માટે લોકોને એકત્ર કરવા લાગી. ગુલાબ કૌર બહાદુર હોવાની સાથે બાહોશ પણ હતી. અંગ્રેજ પોલીસની નજર હેઠળથી સહીસલામતપણે એ નીકળી જતી અને પોલીસ હાથ ઘસતી રહેતી.
ગુલાબ કૌરમાં હિંમત ઠાંસી ઠાંસીને ભરેલી હતી. હિંમતનાં હલેસાંથી એ સામે પૂર તરવાનું સાહસ કરતી હતી. પોલીસની આંખમાં ધૂળ નાખતી હતી, પણ ગુલાબ કૌર અને અંગ્રેજ પોલીસ વચ્ચેની સંતાકૂકડીનો આખરે અંત આવ્યો. ૧૯૨૯ના અરસામાં અંગ્રેજ સરકાર ગુલાબ કૌરની ધરપકડ કરવામાં સફળ થઈ. રાજદ્રોહના આરોપ હેઠળ એને લાહોરના શાહી કિલ્લામાં નજરકેદ કરી લેવામાં આવી. જોકે કારાગાર સમા કિલ્લામાં પણ ગુલાબ કૌર અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા લાગી. પરિણામે અંગ્રેજી હુકૂમત ગુસ્સે થઈ ગઈ. બ્રિટિશ સરકારે ગુલાબ કૌરને હેરાનપરેશાન કરવાનું શરૂ કર્યું, પણ ડર, ભય કે પીછેહઠ જેવો શબ્દ ગુલાબ કૌરના શબ્દકોશમાં નહોતો. ગુલાબ કૌર ન્યાય માટે પોતાનો અવાજ બુલંદ કરતી રહી.
ગુલાબ કૌર કનડગત વેઠતી રહી. બે વર્ષ પછી દોજખસમા કિલ્લામાંથી બહાર આવી. બંદી અવસ્થામાં એનું સ્વાસ્થ્ય કથળેલું. બીમાર, કૃશકાય અને નિર્બળ થઈ ગયેલી, પણ એનું મન દુર્બળ થયું નહોતું. ગુલાબ કૌર દેશની આઝાદી માટે ઝઝૂમતી રહી. અંતિમ ક્ષણ સુધી એણે ભારતની સ્વતંત્રતાનું સ્વપ્ન પક્ષી એનું ઈંડું સેવે એમ સેવ્યું, પણ સપનું સાકાર થતાં એ જોઈ ન શકી. માંદગીથી ઘેરાઈને ૧૯૩૧માં એનું મૃત્યુ થયું.
ગુલાબ કૌર ગદરનું એવું ગુલાબ હતું જેણે દેશપ્રેમની સુગંધ દેશને ખૂણે ખૂણે પહોંચાડી, પણ ખુદ કાંટાઓ વચ્ચે ઘેરાયેલું રહ્યું અને કાંટાળી કેડી પર ચાલીને જ મૂરઝાયું! ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.