Homeલાડકીપ્રથમ સ્ત્રી સંત અને કવયિત્રી: અવ્વઈયાર

પ્રથમ સ્ત્રી સંત અને કવયિત્રી: અવ્વઈયાર

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

અવ્વઈ… આ તમિળ શબ્દનો અર્થ ‘આદરણીય સારી નારી’ એવો થાય છે, પરંતુ એ સ્ત્રી કોણ હતી એ જાણો છો?
એનું નામ અવ્વઈયાર… સંગમ સમયની તમિળ કવયિત્રી. નામ તેવું જ કામ કરનારી. એ ભારતની પ્રથમ સ્ત્રી સંત અને કવયિત્રી હોવાનું મનાય છે. ‘તિરુકકુરલ’ના રચયિતા મહાન તમિળ સંત તિરુવલ્લુવરની એ સમકાલીન હોવાની પણ માન્યતા છે. અવ્વઈયારે સંગમ સાહિત્યના આઠ પ્રાચીન કાવ્યસંગ્રહમાંથી પુરાણાનુરુ, નારીનાઈ, કુરનટોકાઈ અને આકાનાનુરુ એમ ચાર તમિળ કાવ્યસંગ્રહમાં કાવ્યો લખ્યાં છે. તમિળ સાહિત્યમાં આ કાવ્યરચનાઓ અમર કૃતિઓ ગણાય છે!
પુરાણાનુરુમાં ચારસો જેટલાં કાવ્યો સંગ્રહિત છે. આ કાવ્યો પુરમ કે પુરાપ્પાટટુ પણ કહેવાય છે. આ પુરમ કાવ્યો મુખ્યત્વે યુદ્ધકાવ્યો છે. તેમાં યોદ્ધાઓને અને યુદ્ધમાં શહીદી વહોરનારાઓને બિરદાવવામાં આવ્યા છે. આ પુરાણાનુરુમાં અવ્વઈયારે ૫૯ કાવ્યો લખ્યાં છે. ઉપરાંત નારીનાઈમાં સાત, કુરનટોકાઈમાં ૧૫ અને આકાણાનુરુમાં અવ્વઈયારના ચાર કાવ્યનો સંગ્રહ થયો છે. નારીનાઈમાં એકમ અર્થાત પ્રણયગીતો અને પુરમ એટલે કે યુદ્ધકાવ્યો અને લોકજીવન સાથે જોડાયેલાં કાવ્યોનો સમાવેશ કરાયો છે. કુરનટોકાઈમાં મુખ્યત્વે પ્રેમગીતોનો સંચય કરાયો છે. આકાનાનુરુમાં ચારસો પ્રણયગીતોનો સંગ્રહ કરાયો છે. આ ઐતિહાસિક કાવ્યસંગ્રહોમાં અવ્વઈયારે પણ પ્રદાન કર્યું છે એ જ એની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
અવ્વઈયારના જન્મ, એના ઉછેર કે એના બાળપણ વિશેની વિગતો ઉપલબ્ધ નથી. એનાં માતાપિતા અંગેની માહિતી પણ મળતી નથી. લિખિત ઇતિહાસમાં નોંધાયું છે એ મુજબ અવ્વઈયાર તમિળ રાજદરબારની કવયિત્રી હતી.
રાજા વલ્લાલ આતિયમન નેદુમન આનજી. અવ્વઈયારે કેટલાંયે ગીતો આતિયમન અને એના શાસન અંગે લખેલાં. જોકે અવ્વઈયાર માત્ર દરબારી કવયિત્રી નહોતી. એ રાજ્યમાં એકથી બીજે છેડે નિરંતર ભ્રમણ કરતી. એ સમયમાં ગરીબ ખેડૂતો ઘઉંના ફાડામાં દૂધ કે પાણી ઉમેરીને ઘેંસ કે રાબ જેવું વ્યંજન બનાવતા. અવ્વઈયાર એમની સાથે આ વાનગી પ્રેમથી આરોગતી અને એમના મનોરંજન માટે ગીતો રચતી. ગીતો થકી કલહ ને કંકાસ ન કરવાના સંદેશ પણ આપતી. અવ્વઈયારનો સરળ ભાષામાં અપાતો ઉપદેશ લોકહૃદયને સ્પર્શી જતો.
સતત ભ્રમણ કરતી ને ઘૂમતી રહેતી અવ્વઈયારને ઘણા અનુભવ થતા. એક વાર અવ્વઈયાર એક ખેડૂતના ઘેર જઈ ઊભી. તો ત્યાં જુદી જ જાતનો કજિયો ચાલતો જોયો. ખેડૂતપત્ની પતિને કહેતી હતી: ‘હવે ક્યાં લગી બળદનું પૂંછડું આમળશો ને ખેતી કર્યા કરશો ? રાજાની નોકરી લઇ લો! ઓછી મહેનતે રોટલો ખાવા મળશે ને લોકો સલામો કરશે એ વધારામાં!’
બન્ને પક્ષે દલીલ ચાલી રહેલી, ત્યારે જ અવ્વઈયાર ત્યાં જઈ પહોંચી. પત્નીએ અવ્વઈયારને જોઈને કહ્યું : મા, ‘તમે જ કહો, રાજાની નોકરી સારી કે ખેતી સારી?’
અવ્વઈયારે કહ્યું : ‘રાજાની નોકરી નદીકિનારે ઊગેલા વૃક્ષ જેવી છે. કઈ ઘડીએ એ વૃક્ષ નદીમાં ઊથલી પડશે ને નાશ પામશે એ કહેવાય નહીં! પણ ઘરની ખેતી જેવો કોઈ ધંધો નથી. એમાં કોઈનું ઓશિયાળું નહીં ને કોઈની સાડાબારી નહીં! મને તો બીજો કોઈ ધંધો ખેતી જેવો સારો નથી લાગતો!’
હવે ખેડૂતપત્ની બોલી ઊઠી: ‘નથી જોઈતી રાજાની નોકરી! ઘરની ખેતી ઘણું જીવો.’ આમ કહી એણે અવ્વઈયારનું ઉત્સાહ ને ઉમળકાથી આતિથ્ય કર્યું. અવ્વઈયારે છૂટા પડતી વખતે ખેડૂતને કહ્યું: ‘અનુકૂળ સ્ત્રી પુરુષને સ્વર્ગ કરતાંયે વિશેષ આનંદ આપે છે. મા મરી જાય તો માણસને ખાવાનું નથી ભાવતું, બાપ મરી જાય તો એનું ભણવાનું રખડી પડે છે, ભાઈ મરી જાય તો એનું કાંડું કપાઈ જાય છે, પણ અનુકૂળ સ્ત્રી મરી જાય તો એનું બધુંયે ચાલી જાય છે!’
આ રીતે અવ્વઈયાર ભારેભરખમ ભાષામાં ઉપદેશ આપવાને બદલે એવા અત્યંત સરળ શબ્દોમાં બોધ આપતી કે સામા માણસને ગળે એની વાત શીરાની જેમ ઊતરી જતી… અવ્વઈયાર બે શબ્દ ગાંઠે બંધાવીને ફરી એક વાર ચાલી નીકળતી. એ રંકને જીવનના પાઠ ભણાવતી અને રાજાને પણ… એક વાર લડાઈ કરવા તૈયાર થઇ ગયેલા બે રાજાઓને એણે કહ્યું : ‘તમે તમારી મોટાઈ બતાવવા યુદ્ધ કરો છો, પણ એમાં મરો બેય બાજુ ગરીબોનો થાય છે. તમારા અહંકારને વચમાં ન લાવો તો લડવાનું કોઈ કારણ રહેતું નથી.’ રાજાઓ શરમાયા. બન્નેએ પરસ્પર સુલેહ કરી લીધી.
આ પ્રકારની ઘટનાઓ વચ્ચે એક વાર અવ્વઈયારે તમિળ સાહિત્યસર્જનમાંથી નિવૃત્તિ લેવાનું વિચાર્યું. દંતકથા મુજબ એક જાંબુના વૃક્ષ હેઠળ વિશ્રામ કરતી વેળાએ અવ્વઈયારને એવો વિચાર આવ્યો કે પોતે સાહિત્યક્ષેત્રે જે કાંઈ યોગદાન કરી શકતી હતી એ બધું જ કરી લીધું છે, એથી હવે નિવૃત્ત થવું જોઈએ… હજુ તો અવ્વઈયાર વિચાર જ કરી રહેલી કે એની સામે મુરુગન પ્રગટ થયા. મુરુગન એટલે તમિળ ભાષાના રક્ષક દેવતા, યુદ્ધ, વિજય અને જ્ઞાનના દેવ. આ મુરુગને પોતાની ઓળખ આપીને અવ્વઈયારને કહ્યું કે, ‘તારું કામ પૂરું થયું નથી.
સાહિત્ય માટે તારે હજુ ઘણું કામ કરવાનું છે. સાહિત્યની સેવા કરવાની છે!’ મુરુગનનો આદેશ માથે ચડાવીને અવ્વઈયાર ફરીથી સાહિત્યની પ્રવૃત્તિમાં પરોવાઈ ગઈ.
અવ્વઈયારની સાહિત્યસેવા સાથે બીજી દંતકથા પણ જોડાયેલી છે. કથાનુસાર એક વાર આતિયમન રાજાએ અવ્વઈયારને કરમદાનું ફળ આપ્યું. આ સામાન્ય નહીં, પણ એક વિશેષ અમરફળ હતું. ફળ ખાનાર ખૂબ લાંબું અને તંદુરસ્ત જીવન જીવે એવી એની ખાસિયત હતી. આતિયમન રાજાની એવી ઈચ્છા હતી કે એ ફળ ખાઈને અવ્વઈયાર દીર્ઘાયુ થાય, સ્વસ્થ રહે અને સાહિત્યની લાંબો સમય સુધી સેવા કરે. આતિયમન એવું માનતા કે જો અવ્વઈયાર જીવિત રહેશે તો તમિળ ભાષા અને તમિળ વારસો પણ જળવાઈ રહેશે!
આ ફળ ખાઈને અવ્વઈયાર કેટલું જીવી અને ક્યારે એનું મૃત્યુ થયું એ અંગેની વિગતો પ્રાપ્ત થતી નથી, પરંતુ લાંબા સમય સુધી એણે સાહિત્યની સેવા કરી એ નિર્વિવાદ હકીકત છે. અવ્વઈયારને થયાને બે હજાર કરતાં પણ વધુ વર્ષો વીતી ગયાં છે, છતાં તમિળ પ્રજામાં એની વાણી ગુંજ્યા કરે છે. નાનાં નાનાં વાક્યોમાં જીવન જીવવાની જડીબુટ્ટી આપતી અવ્વઈયારની વાણીનાં ઉદાહરણો :
કોઈનું સારું કરો ત્યારે વળતરની અપેક્ષા ન કરો. નાળિયેરનું વૃક્ષ બનો, જે પગેથી પાણી પીને માથેથી મીઠું પાણી આપીને બીજાને લાભ આપે છે… યોગ્ય બાબતો કરવાનું લક્ષ રાખો… ગુસ્સો ક્ષણિક છે. આવેશમાં આવીને નિર્ણય ન લ્યો… તમારી ક્ષમતાને આધારે અન્યોને મદદરૂપ થાઓ… વહેંચીને ખાઓ… અનાજના દાણાની ગુણવત્તામાં ક્યારેય સમાધાન ન કરો… સંપત્તિ, કૌશલ્ય અને જ્ઞાનને પોતાના પૂરતું સીમિત ન રાખો… સતત શીખતા રહો. શીખવાને ઊણું ન આંકો… ક્યારેય નિંદા ન કરો…
અવ્વઈયારની વાણી ઠેઠ અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસા સુધી પણ પહોંચી છે. નાસામાં અવ્વઈયારનું એક કથન પ્રદર્શનીમાં મુકાયું છે. કથન આ પ્રમાણે છે : તમે જે શીખ્યા છો એ માત્ર મુઠ્ઠીભર છે, પરંતુ જે નથી શીખ્યા તે બ્રહ્માંડ જેટલું છે!
આ અને આ પ્રકારની અન્ય ઉક્તિઓ દ્વારા અવ્વઈયાર સદેહે ભલે નહીં, પણ શબ્દદેહે લોકહૃદયમાં હંમેશાં જીવંત રહેશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -