ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં અને ગાંધીજીનું પહેલું ચરિત્ર પણ એમણે જ લખેલું…. ઓળખ્યાં એમને?
એમનું નામ અવંતિકાબાઈ ગોખલે. મરાઠીભાષી સ્વતંત્રતા સેનાની. નિ:સ્પૃહી, સ્પષ્ટવકતા અને અનુશાસનપ્રિય સેનાની તરીકે આઝાદી આંદોલનમાં જાણીતાં થયાં. એમના પ્રયત્નોને પરિણામે મુંબઈમાં સેંકડો સ્ત્રીઓ મીઠાના સત્યાગ્રહમાં સામેલ થયેલી. સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે ’હિંદ મહિલા સમાજ’ની સ્થાપના એમણે કરેલી. મિલમાં કામ કરતી મજૂર સ્ત્રીઓનાં બાળકો માટે એમણે દેશમાં પ્રથમ ઘોડિયાઘર શરૂ કરેલું.
અવંતિકાબાઈ ગોખલેનો જન્મ ૧૮૮૨માં ઇન્દોરમાં થયો. પિતા વિષ્ણુપંત જોશી ઇન્દોરમાં રેલવેના પ્રામાણિક કર્મચારી હતા. એ સમયમાં ક્ધયાશિક્ષણનું પ્રચલન ન હોવાને કારણે પિતાએ અવંતિકાને ભણાવ્યાં નહોતાં. વળી પુરાણી પરંપરાઓને વળગી રહીને એમણે અવંતિકાને નવ વર્ષની વયે બબનરાવ ગોખલે સાથે પરણાવી દીધાં. બબનરાવના ઘરમાં સુધારક વિચારોનું ચલણ હતું. એથી નિરક્ષર અવંતિકાને એમનાં સાસુએ કામચલાઉ મરાઠી ભણાવી દીધી. પરંતુ કેટલાંક વર્ષો બાદ બબનરાવ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા વિલાયત ગયા ત્યારે તેમણે ચીમકી આપી કે, મારા વિદેશ પ્રવાસ દરમિયાન અવંતિકા અંગ્રેજી નહીં શીખી લે તો હું કોઈ પરદેશી મેમ સાથે વિવાહ કરીને એને ઘેર લઇ આવીશ.. અવંતિકા ગભરાઈ ગયાં. ડરના માર્યાં એકાદ-બે વર્ષમાં જ અંગ્રેજી ભાષા શીખી ગયાં.
દરમિયાન બબનરાવ વિલાયતમાં સાત વર્ષ રહીને, ભણીને અને કામનો અનુભવ મેળવીને ભારત પાછા ફર્યા. એક યાંત્રિક દુર્ઘટનામાં આંગળીઓ સહિત હાથનાં પંજા કપાઈ ગયા. ભવિષ્યનો વિચાર કરીને બબનરાવે અવંતિકાને નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપી. એક વર્ષ સુધી તાલીમ લીધા બાદ અવંતિકાબાઇએ પરીક્ષા આપી. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયાં. ઘરની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હોવાથી પરિચારિકા તરીકે નોકરી એમણે ન કરી, પરંતુ રોગીઓની સુશ્રુષા કરવામાં પાછું વળીને ન જોયું.
આ અરસામાં બબનરાવે દીવાસળીનું કારખાનું નાખ્યું. ભારતમાં હજુ સ્વદેશી આંદોલન શરૂ થયું નહોતું. નાનીમોટી સાધનસામગ્રી વિદેશથી તૈયાર થઈને આવતી. બબનરાવ દેશમાં જ ઉત્પાદન કરીને સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના પક્ષે હતા. એક વાર ડાયનામાઈટનો વિસ્ફોટ કરીને પ્રયોગ કરી રહ્યા હતા ત્યારે એમનો હાથ બૂરી રીતે ઘવાયો. અવંતિકાબાઇએ તરત જ પોતાની સાડી ચીરીને પતિના જખમ પર પાટો વીંટી દીધો. લોહી નીકળવાનું બંધ થયું. પછી ડૉક્ટર પાસે લઇ ગઈ. પતિની શસ્ત્રક્રિયામાં ડૉક્ટરને મદદ કરી. બબનરાવનો પંજા તો કપાયેલા હતા જ, જમણો હાથ પણ કલાઈથી છૂટો થઇ ગયેલો. બબનરાવને ઓશિયાળા હોવાનું અનુભવાયું. અવંતિકાબાઈએ સ્નેહ નીતરતા સવારે કહ્યું: ’તમારી આંગળીઓ કપાઈ ગઈ છે તો શું થયું? મારી તો દસેય આંગળીઓ સલામત છે. હું છું ત્યાં સુધી તમારા સુધી કોઈ તકલીફ પહોંચી નહીં શકે.’
આ ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા. એ હજુ મહાત્મા તો નહોતા બન્યા, પણ એમનાં કાર્યોને પગલે ગાંધીના નામનો ડંકો વાગેલો. અવંતિકાબાઈએ ગાંધીજીનું નામ સાંભળેલું, પણ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીનો પરિચય ગોખલે દંપતી સાથે કરાવ્યો. ગાંધીજી હીરાની પરખ કરી જાણનારા કુશળ ઝવેરી હતા. અવંતિકાબાઈની શક્તિ પિછાણી. અવંતિકા પણ પહેલી નજરે જ ગાંધીજીથી પ્રભાવિત થયાં.
માળામાં એક પછી એક મણકા પરોવતા જાય એમ પ્રસંગોના અંકોડા સાંકળ બનીને ગોઠવાતા ગયા. પરિણામે ગાંધીજીના નેતૃત્વમાં બિહારમાં આઝાદી આંદોલનનો સૌથી પહેલો ચંપારણ સત્યાગ્રહ થયો. અવંતિકાબાઈ સત્યાગ્રહી બન્યાં. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ત્રણ વિશાંશ ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારું કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ તીનકઠિયા કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ. ગળીની ખેતીને કારણે જમીન ખરાબ થતી. ખેડૂતોની દુર્દશા થતી.
ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં ચંપારણ સત્યાગ્રહની ભૂમિકા બાંધતાં નોંધ્યું છે કે, ‘સાથીઓ સાથે ઠરાવ કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને માટે સારુ નિશાળ ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાના આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજું ખર્ચ અમારે પૂરું પાડવું. શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ર્ન હતો’.
આ કામને સારુ ગાંધીજીએ સ્વયંસેવકોની જાહેર માગણી કરી. અવંતિકાબાઈ
ગોખલેને તેડું મોકલ્યું. ગાંધીજીનો આદેશ થતાં જ બબનરાવ અને અવંતિકાબાઈ મુંબઈથી ચંપારણ જવા નીકળી પડ્યાં. પતિપત્ની હંમેશાં રેલમાં બીજા વર્ગમાં પ્રવાસ કરતાં, પણ ગાંધીજીના આદેશથી બિહાર જઈ રહ્યાં હોવાથી ત્રીજા વર્ગમાં મુસાફરી કરીને ચંપારણ પહોંચ્યાં. ગાંધીજીએ પુત્ર દેવદાસને ગોખલેબેલડીને સ્ટેશને તેડવા માટે મોકલ્યો ત્યારે કહ્યું: ’અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે તો જ એમને અહીં રાખીશ, નહીંતર મુંબઈભેગાં કરી દઈશ.’ પણ દેવદાસ રેલના બીજા વર્ગમાં તપાસ કરીને ખાલી હાથે પાછો આવ્યો. ગાંધીજીને કહ્યું, ‘અવંતિકાબાઈ તો આ ગાડીમાં આવ્યાં નથી.’ ત્યાં સુધીમાં અવંતિકાબાઈ તો ગાંધીજી પાસે પહોંચી ગયેલાં. ગાંધીજી કહે, ‘મેં તો પહેલાં જ કહેલું કે અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે.’
અવંતિકાબાઈ ઉપરાંત દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન તથા નરહરિ પરીખનાં પત્ની મણિબહેન પણ આવ્યાં. કસ્તૂરબાઈ આવી ગયાં. ગાંધીજીએ નોંધ્યું છે કે, બહેનોને સમજાવી કે તેમણે છોકરાંને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતાંલખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિંદી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહેલા વર્ગમાં તો માંડ આંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન આવે. પરિણામ એ આવ્યું કે, બહેનોના વર્ગ સરસ રીતે ચાલ્યા. બહેનોને આત્મવિશ્ર્વાસ આવ્યો ને તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શ શાળા બની. તેમણે પોતાની શાળામાં પ્રાણ રેડ્યો. તેમની આવડત પણ પુષ્કળ હતી.’
સ્વયં ગાંધીજીએ અવંતિકાબાઈની પ્રશંસા કરવી પડે એવું અદ્ભુત કામ એમણે કરી બતાડેલું. પણ એનાથીયે મોટું કામ એમણે એ કર્યું કે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખ્યું. ચંપારણમાં મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વયંસેવિકાઓને કામ કરતી જોઇને અવંતિકાબાઈને ગાંધીજીનું ચરિત્ર લખવાનો વિચાર આવ્યો. મનમાં થયું કે આટલા મહાન મહાત્માના ચરિત્રને અક્ષરદેહે કંડારવાનું કામ મારા જેવી અલ્પમતિ સ્ત્રી કરે એ તો નાના મોંએ મોટી વાત કરવા જેવું થાય. પણ પછી વિચાર્યું કે જે રીતે પ્રભુનાં ગુણગાન કરવાનો અધિકાર સહુને છે, એ રીતે મહાત્માના ગુણોની ભક્તિ કરવાનો અધિકાર સૌને એકસમાન છે. આ ભાવનાથી પ્રેરાઈને અવંતિકાબાઇએ ભગીરથ કામ હાથ ધર્યું. ૧૯૧૮માં અવંતિકાબાઈ ગોખલે લિખિત ‘મહાત્મા ગાંધી યાંચે ચરિત્ર-વિશેષ પરિચય, લેખ વ વ્યાખ્યાન’ શીર્ષક સાથે ગાંધીજીનું સર્વપ્રથમ ચરિત્ર મરાઠી ભાષામાં પ્રકાશિત થયું. પ્રસ્તાવનામાં લોકમાન્ય ટિળકે સાચું જ કહ્યું છે કે, ભવિષ્યના ચરિત્રલેખકો માટે આ પુસ્તક દિશાદર્શકનું કામ કરશે!
મહાત્મા ગાંધીજીના મૃત્યુ પછી બે જ મહિનામાં ૨૫ માર્ચ, ૧૯૪૮ના ગાંધીજીનાં પટ્ટશિષ્યા એવાં અવંતિકાબાઈનું નિધન થયું, પરંતુ આજે પણ ગાંધીજી વિશેનું એમનું પુસ્તક જીવચરિત્રના લેખકો માટે સાચા અર્થમાં દિશાદર્શક બની રહ્યું છે!