પાલઘરઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વસઈ રેલવે સ્ટેશન નજીક બસના ડેપોમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળવાને કારણે ચારેક બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
વસઈ વિરાર નાગરિક પરિવહન બસ સેવામાં ઉપયોગમાં નહીં લેવાતી ચાર બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. મંગળવારે બપોરના સુમારે એક બસમાં એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો, ત્યારબાદ આસપાસની બસમાં આગ ફેલાઈ ગઈ હતી. આગના બનાવ પછી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગને નિયંત્રણમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ચારેક બસ આગમાં ખાખ થઈ ગઈ હતી. આગ પર નિયંત્રણ લેવામાં 30 મિનિટનો સમય લાગ્યો હતો, પરંતુ સમયસર આગ પર કાબૂ લેવાને કારણે અન્ય ઓપરેશનમાં કાર્યરત વાહનોને મોટા નુકસાનમાંથી બચાવી લેવામાં આવ્યા હતા, એમ ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું.
આગ લાગવા પાછળનું કારણ ચોક્કસ જાણવા મળ્યું નથી, પરંતુ કોઈ અસામાજિક તત્વ દ્વારા હરકત કરવામાં આવી હોઈ શકે છે, એવું અધિકારીએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એસટી બસમાં આગ લાગવાનો આ ત્રીજો બનાવ છે, જેમાં છ દિવસ પૂર્વે બેસ્ટની બસમાં આગ લાગી હતી. બાંદ્રામાં એસવી રોડ ખાતે બાંદ્રા સિગ્નલ જંક્શન ખાતે ભીષણ આગ લાગી હતી. આગ લાગી ત્યારે બસમાં 20 પ્રવાસી હતી, પરંતુ સમયસર પ્રવાસીઓને બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અલબત્ત, બસના ડ્રાઈવર અને કંડક્ટરની સમજદારીને કારણે પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હોવાનો અધિકારીએ દાવો કર્યો હતો.