(અમારા પ્રતિનિધિ તરફથી)
એકનું મોત અને ૧૩થી વધુ જખમી
મુંબઈ: ઘાટકોપર (પૂર્વ)માં રેલવે સ્ટેશન બહાર આવેલી ગ્રાઉન્ડ પ્લસ છ માળની કમર્શિયલ બિલ્ડિંગના મીટરબોક્સમાં શનિવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ૪૬ વર્ષના કચ્છી કોરશી દેઢિયાનું મૃત્યુ થયું હતું. તો ૧૩થી વધુ જખમી થયા હતા. જખમીઓમાં ચાર પોલીસનો સમાવેશ થાય છે. બેની હાલત ગંભીર છે. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગના ધુમાડા નજરે પડતા હતા.
ઘાટકોપર (પૂર્વ)માંં ખોખાણી લેનમાં રેલવે સ્ટેશન બહાર આવેલી ગ્રાઉન્ડ પ્લસ છ માળની વિશ્ર્વાસ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલા જુનોસ પીઝા હોટેલના મીટરબોક્સમાં બપોરના ૨.૦૮ વાગે અચાનક સ્પાર્ક થયો હતો અને તે સમયે મીટર બોક્સ પાસે કચરો, પ્લાસ્ટિકનાં બેનર સહિત અનેક વસ્તુ મોટા પ્રમાણમાં પડી રહી હતી, જેમાં આગ પકડાઈ ગઈ હતી. આગ બુઝાવવા માટે પાંચ ફાયર એન્જિન, ચાર જેટી ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આગની માત્રા એટલી ભીષણ હતી કે તે ઝડપથી ઉપર ફેલાઈ ગઈ હતી, જેને કારણે ઉપરના માળે રહેલી ઓફિસોમાં કામ કરનારા લોકો ફસાઈ ગયા હતા. આ બિલ્ડિંગમાં અનેક ઓફિસ અને કોચિંગ કલાસ આવેલા છે. ઈમારતમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એ દરમિયાન આગ ઝડપથી ફેલાઈને ઉપરના માળ સુધી પહોંચી હતી.
આગે વિકરાળરૂપ ધારણ કરતા ધુમાડો પણ મોટા પ્રમાણમાં નીકળી રહ્યો હતો. તેથી વિશ્ર્વાસ બિલ્ડિંગની બાજુમાં જ આવેલી પરખ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તકેદારીના રૂપે અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બચાવ કામગીરી દરમિયાન બિલ્ડિંગમાં ઉપર ફસાયેલા લોકોને બિલ્ડિંગમાં રહેલી એક હોટલમાંથી બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન અનેક લોકો જખમી થયા હતા. જખમીઓમાં ૧૮ વર્ષની તાનિયા કાંબળેે ૧૮થી ૨૦ ટકા દાઝી ગઈ હતી, જ્યારે ૨૦ વર્ષની કુલસુમ અને ૩૦ વર્ષની સના ખાને આગને કારણે નીકળેલા ધુમાડાને કારણે શ્ર્વાસ લેવામાં તકલીફ થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ૩૦ વર્ષના યુવકની હાલત ગંભીર હોઈ તેના પર મેડિકલ ઈન્ટેનસિવ કેર યુનિટ (એમઆઈસીયુ)માં સારવાર ચાલી રહી છે. તેની મોડે સુધી ઓળખ થઈ શકી નહોતી, જ્યારે પહેલા માળા પર ઓફિસમાં કામ કરતા ૪૬ વર્ષના કોરશી દેઢિયા જખમી હાલતમાં મળી આવ્યા હતા. તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
લગભગ ચાર વાગ્યાની આસપાસ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. જોકે મોડે સુધી કૂલિંગ ઓપરેશન ચાલુ હતું. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન લોકોને બહાર કાઢવામાં મદદરૂપ થવા દરમિયાન ચાર પોલીસમેનને ધુમાડાને કારણે ગૂંગણામણ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તાત્કાલિક તેમને ઑકિસજન આપવામાં આવ્યો હતો.
જખમી પોલીસ કર્મચારીમાં ૫૧ વર્ષના જય યાદવ, ૪૦ વર્ષના સંજય તડવી, ૩૫ વર્ષના નીતિન વિશ્ર્વાકર અને ૩૮ વર્ષના પ્રભુ સ્વામીનો સમાવેશ થાય છે. એ સિવાય ત્યાં બિલ્ડિંગમાં ચોથા માળ પર રહેલી ઓફિસમાં ૪૯ વર્ષના હિતેશ કારાણીને પણ શ્ર્વાસ લેવામં તકલીફ થતાં તેમને પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપર રહેલા કોચિંગ કલાસના ૪૨ વર્ષના સ્ટાફ કે.પી. સુનારને પણ શ્ર્વાસ લેવામાં તકલીફ તથા તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આગ બુઝાવવાની કામગીરીમાં વિલંબ
સ્થાનિક લોકોના કહેવા મુજબ ઘાટકોપર (પૂર્વ)માં કોઈ ફાયર બ્રિગેડ સ્ટેશન નથી. આગ બઝાવવા માટે છેક ચેંબુર અને વિક્રોલીથી ફાયર બ્રિગેડ આવતી હોય છે. શનિવારે બપોરના આગ લાગી ત્યારે આગ બુઝાવવાની કામગીરી અડધો કલાક મોડી ચાલુ થઈ હોવાનો આરોપ કર્યો હતો. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે મોડી પહોંચવાને કારણે એકનું મૃત્યુ અને અનેક લોકોને જખમી થયા હોવાની નારાજગી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી.
ઘોર બેદરકારીને કારણે લાગી આગ
મુંબઈ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સંજય માંદ્રેકરે ‘મુંબઈ સમાચાર’ ને જણાવ્યું હતું કે બિલ્ડિંગના મીટરબોક્સમાં સ્પાર્ક થયા બાદ આ આગ લાગી હતી. મીટરબોક્સની આજુબાજુ મોટા પ્રમાણમાં બેનર, પ્લાસ્ટિકની ખુરસીઓ અને કચરો મોટા પ્રમાણમાં હતો એટલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ બિલ્િંડગ જૂની હોવાથી તેમાં ફાયર સૅફટી સિસ્ટમ બેસાડેલી નહોતી.
ઘાટકોપર (પૂર્વ)માં ખોખાણી લેનમાં આવેલી વિશ્ર્વાસ બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં ૪૬ વર્ષના કોરશી દેઢિયાનું મૃત્યુ થયું હતું. આગ ફાટી નીકળ્યા બાદ જીવ બચાવવા ચોથા માળ પર આવેલી ટેરેસ પર ભાગ્યા અને તેમાં તેમણે જીવ ગુમાવ્યો હતો.
વિશ્ર્વાસ બિલ્ડિંગમાં કેપિટલ ફર્મમાં કામ કરતા કોરશી દેઢિયા પણ આગ લાગવાની જાણ થતા પોતાના અન્ય સહકર્મચારીઓ સાથે જીવ બચાવવા માટે ઓફિસની બહાર નીકળ્યા હતા. બિલ્ડિંગમાં નીચે જ આગ લાગી હોવાથી સૌકોઈ ઉપર ચોથા માળા પર આવેલી ટેરસ તરફ ભાગી રહ્યા હતા. તેમની સાથે તેમના કંપનીના માલિક હતિેશ કારાણી પણ સાથે હોવાનું કહેવાય છે.
પાલિકા ‘એન’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સંજય સોનાવણેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ અમુક લોકોને પહેલા માળા પર આવેલી એક હૉટેલમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. તો અમુક લોકો આગથી બચવા ઉપર ચોથા માળે આવેલી ટેરેસ પર પહોંચી ગયા હતા. એ દરમિયાન કોરશી પણ તેમના સહકર્મચારી સાથે ઉપર ટેરેસ તરફ ભાગ્યા હતા. ભાગતા સમયે તેઓ પડી ગયા હતા. બચાવ કામગીરી દરમિયાન તેમને પણ અન્ય લોકો સાથે બચાવી લેવામાં આવ્યા હતા અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વધુ માહિતી આપતા સંજય સોનાવણેએ કહ્યું હતું કે કોરશીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ દરમિયાન ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. કોરશી આગમાં દાઝ્યા હોવાના કોઈ જખમ તેમના શરીર પર જોવા મળ્યા નહોતા. એટલે કદાચ આગને કારણે તેમાંથી બચશે કે નહીં તેનો ડર તેમને લાગ્યો હશે. તેમાં પાછું તેઓ પડી ગયા એટલે કદાચ ડરના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હોવો જોઈએ એવું અનુમાન છે. જોકે તેમના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમાર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.