ફાયર ઑડિટમાં થયો ઘટસ્ફોટ: મુંબઈના નર્સિગ હોમ દર્દી માટે બન્યા જોખમી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ મુંબઈના નર્સિંગ હોમમાં ફાયર ઑડિટ હાથ ધરવામાં આવ્યા હતા, તેમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે. મુંબઈના લગભગ ૧,૨૫૮ નર્સિગ હોમમાં ફાયર સૅફટી સિસ્ટમ બરોબર કામ કરે છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૪૪૧ નર્સિંગ હોમમાં ફાયર સૅફટીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. તેની ગંભીર નોંધ લઈને ૧૦ નર્સિંગ હોમ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.
બોમ્બે હાઈ કોર્ટમાં એક પિટિશન કરવામાં આવી હતી, જેમાં ત્રણ જુલાઈના પાલિકાને સવાલ કરવામાં આવ્યો હતો કે નર્સિંગ હોમમાં ફાયર સૅફટીના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે શા માટે આકરા પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારબાદ પાલિકાની ટીમે ૧૧થી ૨૫ જુલાઈ દરમિયાન સ્પેશિયલ ડ્રાઈવ ધરીને મુંબઈના ૧૨૫૮ નર્સિંગ હોમમાં ફાયર ઑડિટ કર્યાં હતા.
ઈન્સ્પેક્શન દરમિયાન ૬૪૩ નર્સિંગ હોમમાં ફાયર સૅફ્ટીના તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. તો ૬૫૦ નર્સિંગ હોમને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ૧૮૧ નર્સિંગ હોમ ઈન્સ્પેકશન દરમિયાન બંધ જણાયા હતા. ૫૧ નસિંગ હૉમ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અમુક નર્સિંગ હોમમાં મામૂલી ભૂલો જણાઈ હતી. ઉદાહરણ તરીકે ઍક્ઝિટ દરવાજો બંધ હતો, ફાયર ઍક્સ્ટિગ્યુશર એક્સપાયર થઈ ગયા હોવાનું જણાયું હતું. ૪૪૧ નર્સિંગ હોમમાં મોટી માત્રામાં નિયમોનો ભંગ થયો હોવાનું જણાયું હતું. તેથી તેમને નોટિસ મોકલીને ૧૨૦ દિવસની અંદર ફાયર સૅફટી નિયમોનું પાલન કરો અથવા કાર્યવાહી માટે તૈયાર રહો એવી ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી.
પાલિકાના આરોગ્ય ખાતાના ચીફ ઍક્ઝિક્યુટીવ ઑફિસર ડૉ. મંગલા ગોમારેના જણાવ્યા મુજબ સર્વે કર્યા બાદ જે નર્સિંગ હોમમાં ફાયર સૅફિટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી તેનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તેમને નોટિસ મોકલામાં આવી છે. તેમ જ તેમને થોડો સમય આપવામાં આવ્યો છે.
મુંબઈ ફાયરબ્રિગેડ દ્વારા નિયમિત ઑડિટ કરવામાં આવે છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને મહારાષ્ટ્ર ફાયર પ્રીવેન્શન ઍન્ડ લાઈફ સૅફ્ટી મેઝર ઍક્ટ, ૨૦૦૬ હેઠળ નોટિસ મોકલવામાં આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હૉસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૦ નવજાત બાળકોનાં મોત થયાં હતાં. એ સિવાય ભાંડુપ (પશ્ર્ચિમ)માં ડ્રીમ મોલમાં આવેલી સનરાઈઝ હૉસ્પિટલમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૧ દર્દીનાં મોત થયાં હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.