અમદાવાદના પરિમલ ગાર્ડન સામે આવેલા દેવ કૉમ્પ્લેક્સમાં આગ, હૉસ્પિટલમાંથી ૧૩ નવજાત બાળકો સહિત ૬૦ જણને બચાવાયા

આપણું ગુજરાત

અમદાવાદ: અમદાવાદના પરિમલ ગાર્ડન સામે આવેલા દેવ કૉમ્પ્લેકસમાં અચાનક અગ ફાટી નીકળી હતી. કોમ્પ્લેકસના ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં અચાનક આગ ફાટી નીકળતા કૉમ્પ્લેકસમાં આવેલી દુકાનો અને ઑફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી હતી. ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા લોકો એકઠાં થઇ ગયા હતા. ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ૧૨ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.આ કૉમ્પ્લેક્સમાં આવેલી ચિલ્ડ્રન હૉસ્પિટલાંથી ૧૩ જેટલા નવજાત બાળકો તથા માતા સહિત ૬૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા.
હજુ પણ ઘણા લોકો કૉમ્પ્લેક્સ હોવાની જાણકારી છે. ફાયર વિભાગના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની અને કૉમ્પ્લેક્સમાં રહેલા લોકોને બચાવવાની કામગીરી લાંબો સમય ચાલી હતી. કૉમ્પ્લેક્સ પાસેના ૫૦૦ મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. કૉમ્પ્લેક્સમાં રહેલા લોકો જીવ બચાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. નોંધનીય છે કે આ પહેલા પણ આ જ કૉમ્પ્લેકસમાં આગ લાગવાની ઘટના બની ચુકી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. દરમિયાન મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે ઘટનાની માહિતી મેળવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.