મુંબઈ: મધ્ય રેલવેના સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) ખાતે બુધવારે સવારના અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી, પરંતુ તેને કારણે ટ્રેનની ઓપરેશન સર્વિસને કોઈ અસર થઈ નહોતી. આગને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. બુધવારે સવારના ૬.૩૦ વાગ્યાના સુમારે સીએસએમટીના ૧૪-૧૫ નંબરના પ્લેટફોર્મ પરની કેન્ટીનમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનું જાણવા મળ્યું હતું, જેમાં આખો સ્ટોર બળીને ખાખ થઈ ગયો હતો. આગને નિયંત્રણમાં લેવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જે સવારના ૬.૫૫ વાગ્યાના સુમારે આગને અંકુશમાં લાવ્યા હતા. જોકે, આગને કારણે નુકસાન થયું નથી, જ્યારે ટ્રેનસેવા પર કોઈ અસર થઈ નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.