મુંબઈના અંધેરીમાં આશરે સાડા ચાર વાગ્યે ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિક તથા થર્મોકોલથી સેટ બનાવવામાં આવ્યો હતો અને આ જ કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી.

મળતી માહિતી અનુસાર અંધેરીના લિંક રોડ સ્થિત ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં બોલીવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર લવ રંજનની અપકમિંગ ફિલ્મનો સેટ બનાવવામાં આવ્યો હતો. લવ રંજનની આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર કામ કરી રહ્યા છે. આ સેટ પર રણબીર તથા શ્રદ્ધા કપૂર આઠથી નવ દિવસ સુધી ગીતનું શૂટિંગ કરવાના હતા.
ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં લાગેલી આગને કારણે આસપાસની બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. આ જ કારણે આસપાસની બિલ્ડિંગના લોકોને બારી-દરવાજા બંધ રાખવાની અપીલ કરવામાં આવી હતી.
ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં જ્યારે આગ લાગી ત્યારે ફિલ્મની સ્ટાર-કાસ્ટ હાજર નહોતી. સેટ પર કોઈ જાનહાનિ થઈ નથી.