ભોપાલના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પ્રજ્ઞા સિંહ ઠાકુર સામે કર્ણાટકના શિમોગ્ગા પોલીસ સ્ટેશનમાં લઘુમતી સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાના મામલે FIR નોંધવામાં આવી છે. બીજેપી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરે કર્ણાટકના શિમોગ્ગામાં આયોજિત હિંદુ જાગરણ વૈદિકના દક્ષિણ ઝોનના વાર્ષિક સંમેલનમાં નફરતી ભાષણ આપ્યું હતું. હિંદુ કાર્યકર્તાઓની હત્યા અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે હિંદુઓને તેમના ઘરમાં હથિયાર રાખવા જોઈએ કઇ નહી તો ઘરમાં ચાકુઓની ધાર તેજ કરાવીને રાખો.
પ્રજ્ઞા સિંહ ઠાકુરે કહ્યું હતું કે લવ જેહાદમાં સામેલ લોકોએ તેમની ભાષામાં જવાબ આપવો જોઈએ. તમારી છોકરીઓને સુરક્ષિત કરો, તેમને યોગ્ય મૂલ્યો શીખવો. હિંદુઓ પોતાના ઘરમાં હથિયાર રાખો કઇ નહી તો ઘરના ચાકુઓની ધાર તેજ કરાવીને રાખો. કોણ જાણે કયારે શું મોકો આવી જાય. જો ચાકુ ઘરમાં શાકભાજી કાપી શકે તો દુશ્મનોના ગાળા અને માથા પણ કાપી શકાય.
કોંગ્રેસ નેતા તહસીન પૂનાવાલાએ પ્રજ્ઞા સિંહ ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ગોડસે પ્રેમી જેઓ હેમંત કરકરે જેવા શહીદોને શાપ આપે છે, તેઓ જ ગળું કાપવાની વાત કરી શકે છે. ચીને ભારતની 1000 ચોરસ કિલોમીટર જમીન પર કબજો જમાવ્યો છે અને આ લોકો શસ્ત્રોને ધારદાર બનાવવાની વાત કરી રહ્યા છે.
કોંગ્રેસના નેતા કન્હૈયા કુમારે પ્રજ્ઞા સિંહ ઠાકુરની હેટ સ્પીચ અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘પ્રજ્ઞા ઠાકુર હિંસાની વાત કરી રહ્યા છે, તેઓ દેશના ગૃહપ્રધાનની મજાક ઉડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે દેશમાં સુરક્ષા સુનિશ્ચિત કરવાની ફરજ ગૃહપ્રધાનની છે. તેથી મને લાગે છે કે સાધ્વી એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ગૃહપ્રધાન નકામા છે તેથી જ આપણે બધાએ છરીઓને તેજ કરવાની જરૂર છે.”
કન્હૈયા કુમારે કહ્યું હું એમને સાધ્વી નથી કહેતો, કારણકે જે સન્યાસી હોય એ કદી હિંસાની વાત ના કરી શકે. જે હિંસાની વાત કરે એ સન્યાસી ના હોઈ શકે.