ફિનલેન્ડનાં મહિલા પીએમનો જગતને સવાલ: મૈં કરું તો સાલા કેરેક્ટર ઢીલા હૈ?

ઉત્સવ

કેન્વાસ-અભિમન્યુ મોદી

આજના યુગમાં ૩૬ વર્ષીય યુવતીની જીવનશૈલી કેવી હોય? ભારતમાં ૪૦% ગૃહિણી હોય અને ૬૦% વર્કિંગ વુમન.. વિદેશમાં જાઓ તો ૫ દિવસ નોકરી કરતી ૨ દિવસ જિંદગીને માણતી યુવતી મળી આવે.. હવે તો ઇન્સ્ટાગ્રામનો જમાનો છે. એટલે જોબન છલકાવતી, રૂપ માધુર્યનો જાદુ પ્રસરાવતી માનુનીઓ વીક એન્ડમાં નેટિઝન્સના ચક્ષુ ઠારતા ઉત્તેજક વીડિયોઝ બનાવતી.. પાર્ટી કરતી, ડ્રિન્ક વિથ ડાન્સ કરતી જોવા મળે.. આવી જ એક યુવતીએ તેના મિત્રો સાથે ફ્રેન્ચ આલબલ પર ઠુમકા લગાવ્યા અને તેના મિત્રોએ શરાબની પ્યાલી હાથમાં લઈને નર્તન કર્યું તો તેની વિરુદ્ધ આખો દેશ ભડક્યો.. કારણ કે યુવતી ફિનલેન્ડના પ્રધાનમંત્રી સના મારીના હતાં..
વિશ્ર્વમાં ફેમીનીઝમનો ઝંડો લઈને ફરતો ફિનલેન્ડ એક માત્ર દેશ છે. જ્યાં સત્તા સ્થાનેથી લઈને નાનકડી સોયા બનાવતી ફેક્ટરીનું સંચાલન પણ મહિલા દ્વારા જ કરવામાં આવે છે. એવું નથી કે ત્યાં પુરુષોને પ્રાધાન્ય નથી અપાતું, પરંતુ ફિનલેન્ડમાં મહિલાઓનું વર્ચસ્વ વધુ છે. આમ તો ફિનલેન્ડ રશિયાના ઝાર શાસકોની ઐયાશી માટેની નગરી.૧,૮૭,૮૮૮ જેટલી નદીઓનો અને ૫૦૦ ટાપુઓ પર ઊભેલો ફિનલેન્ડ અત્યંત શાંતિપ્રિય દેશ છે. અહીં આવનાર પર્યટકને શરાબ, શબાબ અને શાંતિનો ત્રિવેણી સંગમ મળી રહે.. પણ ૧૯મી સદીની શરૂઆતમાં જયારે ઝારશાહી તેના અંત તરફ હતી અને રશિયામાં મિલેટ્રી રાજ વધી રહ્યું હતું, ત્યારે ફિનલેન્ડની મહિલાઓએ રશિયામાંથી સ્વતંત્ર થવા માટે આંદોલનની શરૂઆત કરી હતી. ૧૭ વર્ષના લાંબા અંતરાલ બાદ ફિનલેન્ડ સ્વતંત્ર થયું અને નાગરિકોને સાર્વભૌમત્વ પ્રાપ્ત થયું. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહિલાઓનું રક્ત અને શરીર બન્નેનો ભોગ લેવાયો હતો એટલે પ્રજાએ ૧૦૫ વર્ષ પૂર્વે સર્વાનુમતે એવો નિર્ણય લીધો કે આ દેશનું શાસન મહિલાઓ જ કરશે.
પરતંત્ર દેશમાં આઝાદીના ગુલાબ હજુ ખીલ્યાં એમાં તો પ્રજા હિલોળે ચડી પણ એ ભૂલી ગઈ કે પુરુષ પોતાની સત્તા ભોગવવાની લાલસા અને માનસિકતાને ક્યારેય છોડી ન શકે અને અવગણી પણ ન શકે.. ફિનલેન્ડમાં જ્યારે પ્રથમ ચૂંટણી પ્રક્રિયા થઈ ત્યારે સ્વતંત્ર સેનાની એરવાના સ્વિનહુફવુડ અને જેસિકા બોરકેસો વચ્ચે પ્રધાનમંત્રી પદની ચૂંટણી જામી હતી. પરંતુ એરવાનાના પતિ પેહર એવિંદ સ્વિનહુફવુડએ મીડિયામાં એક અહેવાલ રજૂ કર્યો જેણે સમગ્ર દેશને વિચારતો કરી દીધો.. લેખનો ટૂંકસાર એ હતો.. કે ફિનલેન્ડના પુરુષોએ ઝાર શાસકો સાથે યુદ્ધ કર્યું છે જયારે સ્ત્રીઓએ યક્ષિણી બનીને તેમની કામણગારી કાયાથી માત્ર સૈનિકોને મંત્રમુગ્ધ કર્યા છે.. તો શું આ સ્ત્રીઓ દેશનું સુકાન સાંભળી શકશે ? શું દેશને બાવડેબાજ, કુશાગ્ર, બાહોશ અને હોંશિયાર પુરુષોની જરૂર નથી ? ભોળી પ્રજા તો પીગળી ગઈ.., જે લોકો સ્ત્રીઓનું સમર્થન કરતા હતા તેમણે જ વિરોધ કરવાનું શરૂ કરી દીધું અને પેહર એવિંદ સ્વિનહુફવુડ ખુદ ફિનલેન્ડના પહેલા પ્રધાનમંત્રી બન્યા. ૧૯૧૭થી ૨૦૦૩ સુધી રાજકારણમાં મહિલાઓ પાસે માત્ર નામની સત્તા હતી. અને મોટાભાગની મહિલાઓની પર્યટન મંત્રીના પદે જ નિયુક્તિ થતી જેથી તેમના રૂપથી અંજાઈને અન્ય દેશના મંત્રીઓ ફિનલેન્ડની મુલાકાતે આવી શકે, પરંતુ ૨૦૦૩માં પુરુષ પ્રધાન શાસનનો અંત આવ્યો અને એનેલી જેટ્ટેનમાકી ફિનલેન્ડના પ્રથમ પ્રધાનમંત્રી બન્યાં.
આમ તો માત્ર એક માસ માટે જ જેટ્ટેનમાકીને પીએમ પદ મળ્યું. કારણ કે ૧ મહિનામાં તેમના જ પક્ષના લોકોએ સંસદ ભવનમાં અવિશ્ર્વાસનો પ્રસ્તાવ રજૂ કરીને તેમને રાજીનામું આપવાં મજબૂર કર્યાં હતાં. છતાં ૩૧ દિવસના શાસનમાં તેમણે નક્કર કામગીરી કરી. તેમણે સંસદ ભવનમાં મહિલાઓ માટે ૫૦% સીટ અનામત રાખી દીધી. તેમની સરકાર તો પડી ગઈ પણ તેમનું પરાક્રમ આજે પણ ફિનલેન્ડની મહિલાઓને ગર્વથી રાજકરણમાં જોડાવવા માટે પ્રેરિત કરે છે. તેમના આ ખરડાને પગલે જ ૨૦૧૯માં સંસદીય ચૂંટણી થઈ જેમાં માત્ર ૩૩ વર્ષની યુવા વયે સના મારીનાને વડાપ્રધાનની ચૂંટણીમાં ભાગ લેવાનો મોકો મળ્યો અને મોકો તેમને ફળ્યો.. વિશ્ર્વમાં સૌથી નાની વયના મહિલા પ્રધાનમંત્રીનું સન્માન તેમને સાંપડ્યું હતું. એ સમયે તેઓ સગર્ભાવસ્થામાં હતા. ચૂંટણી જીત્યા બાદની તેમની શપથવિધિ પણ સોશિયલ મીડિયામાં ભારે વાઇરલ થઈ હતી.
૪ વર્ષથી ફિનલેન્ડના વડાં પ્રધાન તરીકે સના મારીના સક્રિય છે. તેમણે વડાં પ્રધાન બન્યા બાદ પુત્રીને જન્મ આપ્યો હતો. વડાં પ્રધાનપદે હોય અને સંતાનને જન્મ આપ્યો હોય એવા મારીના દુનિયાની બીજા મહિલા બન્યા હતા. મારીના પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો સત્તા પર હતાં ત્યારે તેમણે દીકરાને જન્મ આપ્યો હતો. મારીનાના પતિ માર્કસ રાયકોન ફિનલેન્ડનો પોપ્યુલર રેડિયો અને ટેલિવિઝન બ્રોડકાસ્ટર છે. તેમના દામ્પત્ય જીવનમાં ક્યારેય ખટાશ આવી હોય એવા સમાચાર આવ્યા નથી. બન્ને તેમની પુત્રીની સંભાળ પણ ખુબ જ સારી રીતે કરે. વડાં પ્રધાન તરીકેના કામ દરમિયાન મારીના તેની દીકરીને સાથે જ રાખતાં અને મિટિંગો દરમિયાન બ્રેક લઇ દીકરીને ફિડીંગ કરાવવામાં પણ સંકોચ અનુભવતા નહીં.
આજથી ૬ માસ પૂર્વે જયારે રશિયા-યુક્રેન યુદ્ધના બ્યુગલ ફૂંકાતાં હતાં ત્યારે ફિનલેન્ડએ પણ નાટોમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ વખતે પુતિને મારિનાને પણ યુદ્ધની ધમકી આપી હતી. ત્યારે આ જુવાન છોકરીએ ઠસ્સાભેર યુદ્ધનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. પણ પુતિન ઝેલેન્સકીને રગદોળવામાં રચ્યા પચ્યા રહ્યા એમાં ફિનલેન્ડએ નાટોનું સભ્યપદ પણ મેળવી લીધું.
સૌંદર્યની મોહજાળ નહીં પણ સત્તાના સદુપયોગ થકી મારીના ફિનલેન્ડ અને રશિયામાં સેલિબ્રિટી બની ગયાં છે. હવે ફિનલેન્ડમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ પર વિપક્ષની આક્ષેપ બાજી શરુ થઈ.. એ જ સમયે મારીના મદિરા પાન કર્યા બાદ ઉન્માદમાં આવીને પાર્ટી કરી રહ્યા હોય તેવો વીડિયો ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ થતા ફિનલેન્ડના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો.
ફિનલેન્ડમાં પાંચ પક્ષની ગઠબંધની સરકાર છે. જેમાં સોશિયલ ડેમોક્રેટિકનાં નેતા તરીકે સના મારીનાની પસંદગી થઈ છે. લેફ્ટ એલાયન્સનું નેતૃત્વ લી એન્ડરસો પાસે છે, જેઓ ૩૨ વર્ષના છે. સેન્ટર પાર્ટીનું સંચાલન કાટ્રી કુલમુની કરે છે, તેમની ઉમર પણ ૩૨ વર્ષની જ છે. ગ્રીન લીગ નામની પાર્ટી ૩૪ વર્ષીય મારિયા ઓહિસ્લો પાસે છે જ્યારે પિપલ્સ પાર્ટી ઓફ ફિનલેન્ડ ૫૫ વર્ષના એના હેનિકસન સંભાળે છે. આમ પાર્ટીમાં યુવાનોનું વર્ચસ્વ વધુ પણ બધા જ રૂઢિગત માનસિકતા ધરાવે છે. આ વીડિયો બાદ મારીનાના ચરિત્ર પર એવા ડાઘ લગાવ્યા કે ખુદ તેની પાર્ટીના નેતાઓ જ તેની વિરુદ્ધ થઈ ગયા. ‘સ્ત્રીની સૌથી મોટી દુશ્મન સ્ત્રી જ હોય છે’ એ વિધાન ફિનલેન્ડમાં સાર્થક થયું. એન્ડરસો અને કુલમુનીએ તો મારીનાના રાજીનામાંની માંગ કરી, વિપક્ષે એવો આક્ષેપ કર્યો કે, મારીના ડ્રગ પેડલરની પાર્ટીમાં ગયા હતા અને ત્યાં તેમણે નશીલા પદાર્થોનું સેવન કરીને પાર્ટી કરી હતી.
ફિનલેન્ડવાસીઓએ પોતાની કર્તવ્યની નિષ્ઠાથી વિમુખ ન થઈ જાય એ માટે સના મારીનાએ એક પ્રેસ કોન્ફ્રન્સ કરી. જેમાં તેમણે લોકોનો વિશ્ર્વાસ પુન:સંપાદિત કરવા માટે એક કલાકની લાંબી લચક સ્પીચ આપીને અંતે રડી પડ્યા. તેમની સ્પીચનો એક વાક્યમાં સાર એટલો જ હતો કે, ‘મેં કરું તો સાલા કેરેકટર ઢીલા હૈ?’ શું સના માણસ નથી ? શું તેને માનવીય સંવેદના હોય જ નહીં ? અહીં મદિરપાન કે પાર્ટીને સમર્થન કરવાની વાત નથી પણ માનવીના મૂલ્યોને મૂલવવાની વાત છે.
સનાના સત્તારૂઢ થયા બાદ ફિનલેન્ડમાં વેશ્યાલય બંધ થયાં, લોકોને રોજગારીની તકો મળી, આરોગ્યક્ષેત્રે સુવિધાઓ વધી, તેણે તો ઐતિહાસિક નિર્ણય લઈને અઠવાડિયામાં ૩ જ દિવસ કામ કરવાનો પણ નિર્ણય રજૂ કર્યો હતો. જો કે સંસદ ભવનમાં ખરડો ખારીજ થતા આ વિચાર ખોરંભે ચડી ગયો. એવું નથી કે તેના આગમનથી ફિનલેન્ડમાં ફૂલો જ ખીલ્યા.. ગુનાખોરી ડામવામાં તેની સરકાર મહંદઅંશે નિષ્ફ્ળ રહી છે, વિશ્ર્વમાં હત્યા,લૂંટ અને બળાત્કાર સહિત સંગીન ગુનાઓ જે દેશોમાં નોંધાયા છે તેવા ૧૦૦ દેશમાં ફિનલેન્ડ ૨૩માં ક્રમે છે. મારીનાએ ક્યારેય પોતાના પીએમ પદનું અભિમાન વ્યક્ત નથી કર્યું પણ લોકોની ટીકા જે મુદ્દા પર થઈ રહી છે તે વિચારવા જેવું છે. જે દેશમાં ૧૨ વર્ષનો સગીર પણ પાણીની બોટલમાં દારૂ ઢીંચતો હોય અને તેના માતા-પિતા તેને સમર્થન આપતા હોય ત્યાંના પ્રધાનમંત્રી શરાબ પીવે એમાં નવાઈ શેની?
પ્રથમ તો આંગળી ચીંધતા પહેલા પ્રજાએ એ જોવું પડશે કે બીજી ૪ આંગળી તેમના તરફ જ ઊઠી રહી છે. ફિનલેન્ડની આઝાદી જ ઐયાશીથી મુક્ત થવા થઈ હતી. હવે જો પ્રજા જ શરાબમાં ચૈતન્ય શોધે તો રાજાને તેનું સેવન કરવાનો હક ન મળે? વિપક્ષના એક છીછરા પોલિટિકલ સ્ટંટ પર આખી દુનિયાના લોકો સના મારીનાનો વીડિયો વાઇરલ કરતા થયા પણ તેણે નાની વયે પોતાના દેશ માટે જે કર્યું તેના પર ધ્યાન કોઈએ ન આપ્યું ! અહીં એ સવાલ થાય તો શું સના મારીનાએ પાર્ટી કરી એટલે તે ગુનેગાર છે? અને જો છે.. તો સજા તેમની સાથે કેટલાને થવી જોઈએ ?

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.