છેવટે ઉદ્ધવ ઠાકરેનું (ના) રાજીનામું

દેશ વિદેશ

સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઈનકાર કર્યા બાદ કરી જાહેરાત: શિવસૈનિકોને શાંતિ જાળવવા જણાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મોડી રાતે મુખ્ય પ્રધાનપદેથી અને વિધાન પરિષદના સભ્ય તરીકે રાજીનામું ધરી દેતાં મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર તૂટી પડી છે. દરમિયાન, ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ શિંદે જૂથના નેતા એકનાથ શિંદે સાથે વાત કરી હતી. તેઓ રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવા પહોંચે તેવી શક્યતા છે.
શિવસેનાના વિધાનસભ્યોએ કરેલા બળવાને પગલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ૪૮ કલાકમાં વિશ્ર્વાસનો મત હાંસલ કરવા જણાવ્યું હતું અને આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, પરંતુ ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાની માગણી સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ સોશ્યલ મીડિયા દ્વારા જનતા સાથે સંવાદ સાધતાં ફક્ત મુખ્ય પ્રધાનપદ જ નહીં, વિધાન પરિષદના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. શિવસેનાના નેતા અનિલ પરબ મુખ્ય પ્રધાનનું રાજીનામું લઈને રાજભવન પહોંચ્યા હતા.
ગુુરુવારે વિધાનસભામાં ફલોર ટેસ્ટ લેવા ઉદ્ધવ ઠાકરે સરકારને મહારાષ્ટ્ર ગર્વનરે આપેલા નિર્દેશ પર સ્ટે મૂકવા સુપ્રીમ કોર્ટે બુધવારે ઈનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જેબી પારડીવાલાની ખંડપીઠ દ્વારા આ ઓર્ડર આપવામાં આવ્યા હતા. શિવસેનાના વ્હીપ સુનીલ પ્રભુએ ગર્વનરના નિર્દેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. કોર્ટે કહ્યું હતું કે ‘અમે ફલોર ટેસ્ટ પર સ્ટે નથી આપી રહ્યા. અમે નોટિસ મોકલી રહ્યા છે. તમે સામે જવાબ આપી શકશો. ૧૧મી જુલાઈએ અન્ય કેસ સાથે ગુણવત્તાના આધારે અમે સુનાવણી કરીશું.
દરમિયાન એનસીપીના વિધાનસભ્ય નવાબ મલિક અને અનિલ દેશમુખે ફલોરટેસ્ટમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટે બુધવારે મંજૂરી આપી હતી. ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલાની વેકેશન બૅન્ચે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટને બંને વિધાનસભ્યને મહારાષ્ટ્ર વિધાનસભામાં ફલોરટેસ્ટ માટે લઈ આવવા સૂચના આપી હતી.
શિંદે જૂથના વિધાનસભ્યોના મુંબઈ આગમન માટે કેન્દ્રીય સુરક્ષા દળ (સીઆરપીએફ)ના ૨૦૦૦ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તે અંગે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. આ વિધાનસભ્યો મુંબઈ આવે ત્યારે તેમને કોઈએ રોકવા નહીં અને તેમને વિધાન ભવન સુધી પહોંચવા દેવા તેવી તેમણે શિવસૈનિકોને અપીલ કરી હતી.
તેમણે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામકરણના બુધવારે લેવામાં આવેલા નિર્ણયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને એનસીપીના સભ્યોએ આ પ્રસ્તાવનો કોઈ વિરોધ કર્યો નહોતો.
તેમણે જણાવ્યું હતું કે હવે હું રોજ સેનાભવનમાં બેસીશ અને કાર્યકર્તાઓ અને શિવસૈનિકોને પહેલાંની જેમ મળતો રહીશ. ફરીથી શિવસેના ઊભી કરીશું. હું જેવી અનપેક્ષિત રીતે સત્તા પર આવ્યો હતો તેવી જ અનપેક્ષિત રીતે બહાર જઈ રહ્યો છું. જેમને શિવસેનાએ બધું આપ્યું, નગરસેવક, વિધાનસભ્ય અને પ્રધાન બનાવ્યા તે લોકો નારાજ છે અને સામાન્ય શિવસૈનિકો આવીને મને પીઠબળ આપી રહ્યા છે તે બાબત મારા માટે ઘણી મોટી છે. ન્યાય દેવતાએ પોતાનો ચુકાદો આપ્યો છે. અશોક ચવ્હાણે કેબિનેટની બેઠકમાં સત્તામાંથી બહાર નીકળી જવાની તૈયારી દાખવી હતી.
તેમણે શિંદે જૂથના વિધાનસભ્યોને કહ્યું હતું કે સુરત જઈને ગુવાહાટી જવાને બદલે એક વખત માતોશ્રીની સામે આવીને મારી સાથે બેઠા હોત તો આ બધું થાત નહીં. મારે તેમની સાથે વિવાદ જોઈતો નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.