મુંબઈ: રાજ્યમાં આંગણવાડીની કાર્યકરોની માગણી સામે સરકાર આખરે ઝૂકી હતી અને તેઓની તમામ માગણીઓને માન્ય કરવામાં આવી છે. તેઓના મહેનતાણામાં રૂ. ૧૫૦૦નો વધારો કરવાનો નિર્ણય સરકારે લીધો છે. આટલું જ નહીં તેઓને મોબાઈલ આપવામાં આવશે અને પેન્શનની યોજનાનો લાભ પણ આપવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય આંગણવાડી એક્શન સમિતિ વતી આંગણવાડીની કાર્યકરો અને મદદનીશોને તેઓની માગણી માટે રાજ્ય આખામાં બેમુદત હડતાળ પાડવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્ય સરકારે તેમની માગણીઓ માન્ય કરી છે.
આંગણવાડીની કાર્યકરોને વેતનધોરણ લાગુ કરવું કે પછી તેમના મહેનતાણામાં વધારો કરવો, નવો મોબાઈલ આપવો, પેન્શનની યોજના લાગુ કરવી જેવી મુખ્ય માગણી માટે ૨૦મી ફેબ્રુઆરીથી મહારાષ્ટ્રના આંગણવાડી કર્મચારી સંગઠન એક્શન સમિતિએ આંગણવાડીની કાર્યકરો-મદદનીશ બેમુદત રાજ્યવ્યાપી હડતાળ પર ઊતરી હતી. આ સમય દરમિયાન આંગણવાડીને બંધ કરી દેવામાં આવી હતી.
દરમિયાન સંગઠન સાથે રાજ્ય સરકારની સકારાત્મક ચર્ચા થઇ હોઇ હવે તેઓની મુખ્ય માગણીઓને માન્ય કરી લેવામાં આવી છે. આંગણવાડીની કાર્યકરોને મહેનતાણામાં રૂ. ૧૫૦૦નો વધારો કરવામાં આવશે. એ ઉપરાંત તેઓને નવા મોબાઈલ આપવામાં આવશે અને તેઓની સેવા પૂરી થયા બાદ પેન્શન યોજના પણ લાગુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડીની કાર્યકરોએ હડતાળ પાડતાં તેનો ફટકો લાખો બાળકોને પડી રહ્યો હતો. આંગણવાડી બંધ રહેતાં છ વર્ષનાં બાળોકને પોષક આહારથી પણ વંચિત રહેવું પડતું હતું. આ સાથે જ ગર્ભવતી માતાની ટેસ્ટિંગ, રસીકરણ, કુપોષણ નિર્મૂલન વગેરે કાર્યક્રમો પર પણ મોટું પરિણામ થઇ રહ્યું હતું. આને કારણે સરકારે ચર્ચાની ભૂમિકા હાથ ધરી હતી અને તેઓની માગણીને માન્ય રાખી હતી.