Homeઆમચી મુંબઈઆખરે સંજય રાઉત ૧૦૨ દિવસે બહાર

આખરે સંજય રાઉત ૧૦૨ દિવસે બહાર

ગોરેગામની પતરા ચાલના રિડેવલપમેન્ટમાં મની લોન્ડરિંગના આરોપી: ઈડી કોર્ટે આપ્યા જામીન: મોડી સાંજે આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગોરેગામની પતરા ચાલના રિડેવલપમેન્ટમાં મની લોન્ડરિંગના આરોપનો સામનો કરી રહેલા સંજય રાઉતને બુધવારે વિશેષ અદાલતે કોર્ટે જામીન આપ્યા હતા. જામીન રદ કરવા માટે તપાસકર્તા એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મુંબઈ હાઈ કોર્ટમાં પણ ગઈ હતી, પરંતુ તેમણે જામીન પર રોક લગાવવાનો ઈનકાર કરી દીધા બાદ આખરે ૧૦૨ દિવસે સંજય રાઉત જેલમાંથી બહાર આવ્યા હતા.
જામીનના અમલને શુક્રવાર સુધી મુલતવી રાખવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અરજી કોર્ટે નકારી કાઢી હતી, જેને કારણે સંસદસભ્ય સંજય રાઉતનો બહાર નીકળવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.
અગાઉ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ (પીએમએલએ) સંબંધી કેસની સુનાવણી કરવા નિયુક્ત વિશેષ જજ એમ. જી. દેશપાંડેએ બન્ને પક્ષની દલીલો સાંભળ્યા પછી રાઉતની જામીન અરજી મંજૂર કરી હતી. કોર્ટે રાઉતના
સહયોગી અને આ કેસમાં સહઆરોપી પ્રવીણ રાઉતને પણ જામીન આપ્યા હતા.
ઈડીના વકીલે જણાવ્યું હતું કે જામીન આદેશ રદ કરાવવા માટે અમે અપીલ કરવા માગીએ છીએ. વચગાળાના સ્ટે માટે હાઈ કોર્ટની સિંગલ બૅન્ચ સમક્ષ અરજી કરીશું તેથી જામીનના આદેશના અમલને મોકૂફ રાખવામાં આવે, પરંતુ કોર્ટે તેમની દલીલ માન્ય રાખી નહોતી.
‘અમને આદેશ વાંચવા સમય જોઈએ છે. અમારી વિનંતી ગેરવાજબી નથી. આ કોર્ટનો આદેશ છે. તેને પછીની તારીખે પણ આદેશનો અમલ કરવાની સત્તા છે. મને કોર્ટે અપીલ કરવા તક આપવી જોઈએ’, એમ ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું. જોકે કોર્ટે તેમની અરજી નકારી કાઢી હતી.
નોંધનીય છે કે પતરા ચાલના રિડેવલપમેન્ટ સંબંધમાં નાણાકીય અનિયમિતતામાં કથિત ભૂમિકા માટે ઈડી દ્વારા રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. રાઉત દ્વારા જામીન અરજીમાં એવી દલીલ કરાઈ હતી કે મારી સામેનો કેસ સત્તાનો દુરુપયોગ અને રાજકીય કાવાદાવાના ભાગરૂપ છે.
ઈડીએ રાઉતની અરજીનો વિરોધ કરીને કહ્યું કે ગોટાળામાં રાઉતની મુખ્ય ભૂમિકા હતી અને નાણાંનું પગેરું નહીં મળે તે માટે તેમણે પડદા પાછળ વ્યવહારો કર્યા છે.
ઈડીની તપાસ રિડેવલપમેન્ટમાં નાણાકીય ગેરરીતિ અને રાઉતનાં પત્ની અને સહયોગીઓની સંડોવણી ધરાવતી નાણાકીય લેણદેણ સંબંધી છે.
પતરા ચાલ તરીકે ઓળખાતું સિદ્ધાર્થ નગર ૪૭ એકરમાં ફેલાયેલું છે અને તેમાં ૬૭૨ ભાડૂત પરિવારો છે. ૨૦૦૮માં મ્હાડા દ્વારા એચડીઆઈએલની ભગિની કંપની ગુરુ આશિષ ક્ધસ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડ (જીએસીપીએલ)ને રિડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. કંપનીએ ભાડૂતો માટે ૬૭૨ ફ્લૅટ બનાવવાના હતા અને અમુક ફ્લૅટ મ્હાડાને આપવાના હતા.
જોકે ભાડૂતોને છેલ્લાં ૧૪ વર્ષમાં એકેય ફ્લૅટ મળ્યો નથી, કારણ કે કંપનીએ પતરા ચાલ રિડેવલપ કરી જ નહીં અને જમીન અને એફએસઆઈ અન્ય બિલ્ડરોને ૧,૦૩૪ કરોડ રૂપિયામાં વેચી નાખ્યા હોવાનો આરોપ ઈડીનો છે. (પીટીઆઈ)
——–
‘ટાઈગર ઈઝ બેક’: ઉદ્ધવ ઠાકરે જૂથ શિવસેના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અહીંની વિશેષ અદાલત દ્વારા મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતના જામીન મંજૂર કરવામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાએ એની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ‘ટાઈગર ઈઝ બેક.’ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રવક્તા સુષમા અંધારેએ અહીં ઉપસ્થિત પત્રકારોને જણાવ્યું હતું કે જ્યાં સુધી પક્ષમાં સંજય રાઉત જેવા નેતા છે, ત્યાં સુધી ડરવાનું જરૂરી નથી. આ વર્ષે ૩૧મી જુલાઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાજ્યસભાના સભ્ય સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા અને મુંબઈમાં આર્થર રોડ જેલમાં હતા. આ મુદ્દે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા રોહિત પવારે પિંજરામાંથી વાઘ બહાર છોડવાનો વીડિયો ટ્વિટ કર્યો હતો અને તે રાઉતને ટેગ કરવામાં આવ્યો હતો. અને લખ્યું હતું કે સત્યનો વિજય થયો છે.
દરમિયાન સંજય રાઉતના ભાઈ અને વિક્રોલીના વિધાનસભ્ય સુનિલ રાઉતે કહ્યું હતું કે જનતાના આશીર્વાદ મારા ભાઈની સાથે છે. તેઓ ટૂંક સમયમાં પક્ષ માટે કામકાજ કરવાનું ચાલુ કરશે, જેથી વિધાનસભામાં ભગવો લહેરાવી શકાય. વાસ્તવમાં સત્યની જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે ગોરેગાંવની પતરા ચાલના પુનર્વિકાસમાં નાણાકીય ગેરરીતિ કરવાના કિસ્સામાં સંજય રાઉતની ભૂમિકાને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
———
હાઈ કોર્ટનો તાત્કાલિક સ્ટે આપવાનો
ઇનકાર: ઈડીની અરજી પર આજે સુનાવણી
મુંબઈ: બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે મની લોન્ડરિંગ કેસમાં વિશેષ અદાલતે શિવસેનાના સાંસદ સંજય રાઉતને આપેલા જામીન પર તાત્કાલિક સ્ટે આપવાનો ઈનકાર કર્યો હતો.
બન્ને પક્ષની દલીલો સાંભળ્યા વિના કોઈ આદેશ આપી શકાય નહીં, એવી નોંધ કરી હાઈ કોર્ટે આ પ્રકરણની સુનાવણી ગુરુવાર પર રાખી હતી.વિશેષ પીએમએલએ કોર્ટે બુધવારે સંસદસભ્ય રાઉતના જામીન મંજૂર કરતાં જ ઈડીએ જામીનના અમલને શુક્રવાર સુધી મુલતવી રાખવાની અરજી કરી હતી. જોકે વિશેષ અદાલતે આ અરજી નકારી કાઢતાં ઈડી જામીન પર વચગાળાનો સ્ટે મેળવવા તાત્કાલિક હાઈ કોર્ટમાં ગઈ હતી, પરંતુ હાઈ કોર્ટનાં જજ ભારતી ડાંગરેએ પણ ઈડીને રાહત આપી નહોતી.
‘મેં હજુ સુધી આદેશ જોયો પણ નથી. મને ખબર નથી કે કયા આધારે તેમને જામીન આપવામાં આવ્યા છે. મને એ પણ નથી ખબર કે તમે કયા આધાર પર જામીનના આદેશને પડકારી રહ્યા છો. તો હું કેવી રીતે બન્ને પક્ષોને સાંભળ્યા વગર જામીનના આદેશ પર સ્ટે આપી શકું,’ એમ જસ્ટિસ ભારતી ડાંગરેએ જણાવ્યું હતું.
જામીનને રદ કરવા સંબંધી ઈડીની અરજી પર ગુરુવારે સુનાવણી કરવાનું જણાવી જસ્ટિસ ડાંગરેએ ઉમેર્યું હતું કે સુનાવણી પછી જો હું જામીન રદ કરવાનો આદેશ આપીશ તો આરોપીને પાછો કસ્ટડીમાં લેવો પડશે.
ઈડી વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જામીન પર ગુરુવાર સુધી રોક લગાવવાની માગણી કરી હતી, જેના પર કોર્ટે કહ્યું હતું કે આ અરજીની સુનાવણી એક દિવસમાં પૂરી થાય તેની કોઈ ગૅરન્ટી નથી.
‘નીચલી અદાલતે જામીન અરજી સાંભળવામાં અને આદેશ આપવામાં એક મહિનાનો સમય લીધો છે… અને તમે આના પર તત્કાળ નિર્ણય લેવાની અપેક્ષા રાખો છો? મારે હાથે તમને (ઈડી) કે તેમને (સંજય રાઉત અને પ્રવીણ રાઉત)ને અન્યાય થાય એવું જોઈતું નથી. જ્યારે તમે જામીન રદ કરવાની અરજી લઈને આવો ત્યારે કોર્ટની સત્તાઓ મર્યાદિત હોય છે,’ એમ ડાંગરેએ જણાવ્યું હતું.
ન્યાયમૂર્તિએ એમ પણ નોંધ્યું હતું કે ઈડીની અરજી સીઆરપીસીની કલમ ૪૩૯ (૨) (જામીન રદ કરવા) હેઠળ દાખલ કરવામાં આવી છે અને કલમ ૪૮૨ (આદેશ રદ કરવો) હેઠળ કરવામાં આવી નથી. જો કલમ ૪૮૨ હેઠળ અરજી કરવામાં આવી હોત તો હાઈ કોર્ટ પાસે જામીન અરજીના અમલને રોક લગાવવાની સત્તા છે, એમ પણ કોર્ટે નોંધ્યું હતું. (પીટીઆઈ)
———
મુખ્ય આરોપીઓની ધરપકડ કેમ નહીં?: કોર્ટ
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં સાંસદ સંજય રાઉતની કરાયેલી ધરપકડ ‘ગેરકાયદે’ હોવાની નોંધ વિશેષ અદાલતે કરી હતી. કોર્ટે એવો પણ પ્રશ્ર્ન કર્યો હતો કે આ કેસના મુખ્ય આરોપી રિયલ એસ્ટેટ ફર્મ એચડીઆઈએલના રાકેશ અને સારંગ વાધવાનની ધરપકડ શા માટે નહીં કરાઈ?
મુખ્ય આરોપીઓ એચડીઆઈએલના રાકેશ અને સારંગ વાધવાને ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. એટલું જ નહીં, ગેરકાયદે તેની વ્યવસ્થા કરી નાખી, તેમની ઈડી દ્વારા ક્યારેય ધરપકડ કરવામાં આવી નથી.
ઈડી દ્વારા દાખલ કરવામાં આવેલા અન્ય કેસોમાં ધરપકડ કરવામાં આવેલા વાધવાનને હજુ સુધી જામીન મળી શક્યા નથી. જોકે આ કેસમાં તેમની ભૂમિકા મોટી રહી છે અને આની કબૂલાત તેમણે કરી છે. આમ છતાં ઈડીએ તેમની ધરપકડ કરી નથી. અને તેમને કેસમાંથી બહાર રાખ્યા છે, તેનું કારણ તપાસ એજન્સી જ કહી શકશે, એમ ન્યાયમૂર્તિએ નોંધ્યું હતું. (પીટીઆઈ)
———-
સંજય રાઉતને જેલમાંથી છોડવામાં આવતા કાર્યકરોએ કર્યું સેલિબ્રેશન
મુંબઈ: અહીંની સ્પેશિયલ કોર્ટ દ્વારા સંજય રાઉતના જામીન આપવાની મંજૂરી આપ્યા પછી બુધવારે તેમને જેલમાંથી છોડવામાં આવ્યા હતા, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેનાના હજારો કાર્યકરોએ જોરદાર સેલિબ્રેશન કર્યું હતું.રાઉતને જામીન આપવાના સમાચાર વાયુ વેગે ફેલાઈ ગયા હતા, ત્યાર બાદ હજારો કાર્યકરોએ તો સ્પેશિયલ કોર્ટની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. કાર્યકરોએ એકબીજા પર અબીલ ગુલાલ તથા અન્ય રંગો છાંટીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, અમુક શિવસૈનિકો રાઉતના ભાંડુપ નિવાસસ્થાન અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા ખાતેના નિવાસસ્થાન બહાર એકત્ર થયા હતા અને રાઉતના ટેકેદારો દ્વારા તેમના બંગલાની રોશનીથી સજાવટ કરવામાં આવી હતી. સુરક્ષાના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રાઉતના નિવાસસ્થાન અને આર્થર રોડ જેલની બહાર સરકાર દ્વારા પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે મહિલા પોલીસને પણ તહેનાત કરવામાં આવી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

 

RELATED ARTICLES

Most Popular