ગુજરાતના છોટા ઉદેપુરના બોડેલી તાલુકાના મુલધર અને ધોળીવાવના બાળકોનું ભક્ષણ કરનાર દીપડો પાંજરે પુરાતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. લગભગ દસેક દિવસની મહેનત બાદ વન વિભાગને આ સફળતા મળી હતી. વન વિભાગે દીપડા માટે ઠેકઠેકાણે પાંજરા મૂક્યા હતા અને વોચ રાખી હતી.
આ દીપડાએ મુલધર ખાતે એક બે વર્ષીય અને ધોળીવાવ ખાતે એક પાંચ વર્ષીય બાળક સહિત પશુઓનું મારણ પણ કર્યું હતું અને ગ્રામવાસીઓ માટે જીવન મુશ્કેલ કરી નાખ્યું હતું. દીપડાના ડરથી ગામની શાળાઓમાં બાળકો જતા ન હતા અને અંધારુ થતાં લોકો પણ ઘરમાં પુરાઈ બેસી રહેતા હતા.
દિપડો પાંજરે પુરાતા વન વિભાગ અને રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. જોકે જે માતા-પિતાએ સંતાન ખોયા છે તેમના દુઃખનો કોઈ ઉપાય તંત્ર પાસે નથી. સતત વધતા જતા શહેરીકરણ અને ઓછા થઈ રહેલા વન-જંગલને કારણે જંગલી પ્રાણીઓનું માનવ વસાહતોમાં આવવાનું વધી ગયું છે. આ પ્રકારની ઘટનાઓ દેશભરમાં થતી રહે ચે, પરંતુ વિકાસના નામે મૂકવામાં આવતી આંધળી દોટનું આ પરિણામ છે જે ભોગવવા સિવાય કોઈ ઉપાય નથી.