Homeમેટિનીફિલ્મ કી દુનિયા કા કિંગ કૌન? ઓડિયન્સ!

ફિલ્મ કી દુનિયા કા કિંગ કૌન? ઓડિયન્સ!

શું હંમેશાં દર્શકોએ આપેલું પ્રમાણપત્ર સાચું હોય છે ખરું?

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

‘એક ફિલ્મ ઓડિયન્સ સે યે નહીં પૂછતી કિ ઓડિયન્સ ફિલ્મ કે લિયે કયા કર સકતી હૈ, ફિલ્મ યે પૂછતી હૈ કિ વો ઓડિયન્સ કે લિયે કયા કર સકતી હૈ. ફિલ્મ ‘પઠાણ’ બ્લોકબસ્ટર જઈ રહી છે. મતલબ કે દર્શકોને જે જોઈએ એ આપવામાં મેકર્સ સફળ થયા? કદાચ, હા. મતલબ કે મેકર્સને ખબર હતી કે દર્શકોને શું જોઈએ છે? બિલકુલ, ના. અહીં તો રાજ કપૂરની ફિલ્મ પણ નિષ્ફળ જઈ શકે અને વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ પણ સફળ થઈ શકે. ભલભલા દિગ્દર્શકો, એક્ટર્સ અને નિર્માતાઓ એ નક્કી કરવામાં થાપ ખાઈ જાય છે કે શું સફળ થશે ને શું નહીં. તમે કોઈના પણ મોંએ ખાતરીપૂર્વક એમ નહીં સાંભળો કે તેની ફિલ્મ હિટ જશે જ. અને હા, જો સાંભળો તો તેનું નામ જરૂર સાજીદ ખાન હોવું જોઈએ. હા, એ જ સાજીદ ખાન જેણે ‘બિગ બોસ’માં એન્ટ્રી લેવી પડી છે.
ઓડિયન્સ ખૂબ જ અનપ્રીડીકટેબલ હોય છે. તેને કોઈ ફિલ્મમાં ક્યારે શું ગમી જાય કે ક્યારે શું વાંધાજનક લાગી જાય એ નક્કી નથી હોતું. કોઈ પણ ફિલ્મ હિટ કે ફ્લોપ જવા માટે એક નહીં પણ અનેક કારણો જવાબદાર હોય છે. અનેક નિષ્કર્ષ અને આકલન ખોટા પડતા હોય છે. જેમ કે, ‘પઠાણ’ હિટ થવાનું કારણ શું? શાહરૂખ ખાન? ના. લોકો તો એમ કહેતા હતા કે શાહરૂખ ખાનની કરિયર હવે પૂરી. તેની ઉંમર થઈ અને હવે લોકો તેને જોવા નથી માંગતા. તેની છેલ્લી ફિલ્મ્સ ઈમ્તિયાઝ અલી અને આનંદ એલ રાય જેવા ડિરેક્ટર્સ હોવા છતાં ફ્લોપ ગઈ હતી. તેણે પોતાની રોમેન્ટિક હીરોની ઇમેજ છોડીને એક્શનમાં હાથ અજમાવ્યો એટલે? એમ તો એ અલગ જોનર ઘણાં સમયથી કોશિશ કરી જ રહ્યો હતો. શાહરૂખે યશરાજ સ્ટુડિયો સાથે આ ફિલ્મ કરી એટલે? યશરાજ જેટલો ખરાબ સમય તો ઇન્ડસ્ટ્રીમાં ગયા વર્ષે કોઈએ નથી જોયો. ફિલ્મને બોયકોટનો હાઇપ મળ્યો એટલે? બોયકોટ તો ’લાલ સિંઘ ચઢ્ઢા’ વખતે પણ ટ્રેન્ડમાં હતું. તો પછી? એ જ કે ઓડિયન્સ અનપ્રીડીકટેબલ હોય છે. અને કોઈ ફિલ્મ હિટ કે ફ્લોપ જવા પાછળ એકથી વધારે વસ્તુનું ક્લિક થવું કે ન થવું જરૂરી છે.
એટલે જ કોન્ટેન્ટ ઇઝ કિંગ કહેવાય છતાં કેટલીય સારી ફિલ્મ્સને દર્શકો નથી મળતા. એવું જ હોત તો તો ‘તુમ્બાડ’ કે ‘મટ્ટો કી સાઈકિલ’ કરોડોના માઇલસ્ટોન ક્લબમાં એય ને પગ લંબાવીને ન બેઠી હોત. મતલબ એક્ટર્સ, પ્રોડક્શન, ડિરેકટર, પ્રમોશન, કોન્ટેન્ટ જેવી કેટલીય વસ્તુઓના ટુકડા એકસાથે સરખા બેસે તો જ પઝલ સોલ્વ થાય ને રિઝલ્ટ હિટ ગણાય. બાકી ઓડિયન્સનો સામૂહિક મૂડ સમય, માહોલ અને સંજોગો પ્રમાણે અલગ જ રહેવાનો. એક સમયમાં ચાલી એ ફિલ્મ બીજા સમયમાં ન પણ ચાલે કે પછી નહીં ચાલેલી ફિલ્મ અલગ સંજોગોમાં ચાલી પણ જાય. વી નેવર નો, યુ નો!
‘પઠાણ’માં પણ ફિઝિક્સ ને લોજીકના લોચા છે જ, પણ ઓડિયન્સને થયું કે જે હોય તે મજા આવે છે ને, ચાલો જોઈ નાખીએ. બાકી કંઈ દરેક મસાલા એક્શન ફિલ્મ કે ઇવેન્ટ ફિલ્મ હિટ નથી જતી. અને ખાસ કરીને ગયા વર્ષે તો સૌએ જાણે બોલીવુડ પતી ગયું છે એમ જ માની લીધેલું અને જાતજાતની વાતો થવા માંડેલી. એમાંની એક એટલે કે બોલીવૂડમાં હવે ઓરિજીનાલિટી બચી નથી, સાઉથની કોપી કરે છે ને રિમેક બનાવે છે, અમને તેમાં રસ નથી. છતાં એ જ માહોલમાં મલયાલમ ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ની હિન્દી રિમેક બની અને પરિણામ સૌને ખબર છે. આવું થવાનું કારણ? અનપ્રીડીકટેબલ ઓડિયન્સ. લોકોને રિમેક હોવા છતાં ફિલ્મ ગમી ને જોઈ, સિમ્પલ. સામે છેડે જોઈએ તો અજય દેવગણના જ ફ્રેન્ડ રોહિત શેટ્ટી હિટ મશીન કહેવાય છે છતાં, લાગલગાટ હિટ ફિલ્મ્સના તેના રેકોર્ડમાં ‘સર્કસ’થી બ્રેક લાગી જ છે ને. એ તો કોમેડીના નામે ફિલ્મ જ નબળી હતી એટલે એમ તમે કહેશો. તો ‘ગોલમાલ અગેઇન’માં પણ તો એમ જ હતું, તો પણ એ હિટ ગઈ હતી. પણ આ વખતે દર્શકોને સાગમટે એમ થયું કે બસ હવે બહુ થયું હોં, એટલે દૂરથી જ ટાટા બાય બાય આવજો કહી દીધું.
ભારત તરફથી ઓસ્કરમાં મોકલવામાં આવેલી ‘છેલ્લો શો’ની ખૂબ ચર્ચા થઈ, પણ એ પછી થિયેટરમાં રિલીઝ થઈ ત્યારે કેટલા લોકો જોવા ગયા? જો કે ફિલ્મની રિલીઝ લિમિટેડ રાખવામાં આવેલી, છતાં સાબિત એ થાય જ છે કે હાઇપ થયેલી બધી ફિલ્મ્સ માટે લોકો થિયેટર સુધી દોડી નથી જતા. એમ તો લાંબા સમયે આમિર ખાનની ફિલ્મ આવી અને બોયકોટના લીધે હાઇપ પણ ખાસ્સો ઊભો થયેલો ‘લાલ સિંઘ ચઢ્ઢા’નો. બોયકોટના શંખ વાગે એ ફિલ્મ મોટાભાગે તો પબ્લિસિટી મેળવીને હિટ જ જતી હોય છે (સંજય લીલા ભણસાલીની ફિલ્મ્સ યાદ કરો), તો પછી ’લાલ સિંઘ ચઢ્ઢા’ની બાબતમાં એવું કેમ ન બન્યું? ઓડિયન્સની મરજી. લોકો ન ગયા જોવા, ને જે ગયા તેમણે પણ મિક્સ રિવ્યુઝ આપ્યા. હા, નેટફ્લિક્સ પર જોઈને એક વર્ગે ખૂબ વખાણી, પણ એથી ઓડિયન્સની અનપ્રીડીકટેબિલિટી જ વધુ સાબિત થાય છે.
બોયકોટ તો લોકો કરણ જોહરનો પણ કરે છે. છેલ્લા ઘણા સમયથી સામાન્ય દર્શકોને અનેક કારણસર કરણ જોહરથી વાંધો છે ને તેની ફિલ્મ્સ નહીં જોવાની તેવો બળાપો સોશિયલ મીડિયા પર કાઢતા રહે છે. તેમ છતાં કરણે પ્રોડ્યુસ કરેલી ‘જુગ જુગ જીયો’ દર્શકો હોંશે હોંશે જોઈ આવે છે. કરણ જોહર પ્રમોશનથી જાણીજોઈને દૂર રહે તો લોકો જોતા પહેલાં કોની ફિલ્મ છે એ તપાસવાનું પણ ભૂલી જતા હોય છે. હીરો વર્શીપિંગમાં પડદા પાછળ કોણ છે તેની તસ્દી નહીં લેવાના ઓડિયન્સના સ્વભાવનો આવો એકાદ ફાયદો, બીજું શું! જો કે એમ કંઈ ઓડિયન્સ એ હીરોને પણ હંમેશાં હિટ જ માર્કશીટમાં લખી આપે છે તેવું નથી. અક્ષય કુમારને કોરોના પછી ‘સૂર્યવંશી’થી એકમાત્ર સેવીયર બનાવે ઇન્ડસ્ટ્રીનો તો પછી ધડાધડ ફ્લોપ્સથી ફેઈલ્યર પણ એ જ ઓડિયન્સ બનાવે. કેમ? જે-તે ફિલ્મની બધી વસ્તુ ન ક્લિક થઈ દિમાગમાં બસ એટલે. જે આયુષમાન ખુરાનાને કંઈક અનોખું કરવા બદલ સોશિયલ કોમેડી ફિલ્મ્સથી સ્ટાર બનાવે, તેની તેવી જ ‘ડૉકટર જી’ કે ‘ચંદીગઢ કરે આશીકી’ પર મુંબઇ-દિલ્હીના દર્શકો ઓવારી નથી જતા. એ જ રીતે ‘જયેશભાઇ જોરદાર’ને પણ ‘તમે મોડા પડ્યા, હવે અમને સોશિયલ કોમેડી નથી જોઈતી’ કહીને નકારી કાઢે જ છે આ ઓડિયન્સ. હા, એમાં પણ ફરિયાદ હોવાની જ કે રણવીર આવા નોન-માચો રોલમાં સારો ન લાગે. પણ તો પછી નવું ટ્રાય કરવાનું પણ તો એ જ ઓડિયન્સ કહે છે ને. તો આમાં સાચું શું માનવું? કંઈ જ નહીં. એ જ કે ઓડિયન્સનું કંઈ જ ધાર્યું નહીં. તો પણ આખરે ઓડિયન્સ ઇઝ ધ કિંગ! ———-
લાસ્ટ શોટ
આદિત્ય ચોપરા અને શાહરૂખ ખાન વચ્ચે એક એક્શન ફિલ્મ બનાવવાનું આયોજન છેક ‘ડીડીએલજે’ પહેલાંનું હતું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular