બોલીવુડની ફિલ્મો માટે ગીત લખનાર પ્રસિદ્ધ ગીતકાર નાસિર ફરાઝનું રવિવારે નિધન થઈ ગયું હતું. તેમના નિધનના સમાચાર તેમના જ મિત્ર અને ગાયક મુજતબા અઝીઝ નાઝાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા હતા.
છેલ્લાં કેટલાય સમયથી નાસિરને હૃદય સંબંધિત સમસ્યા હતી અને તેમણે 2010માં રિલીઝ થયેલી ફિલ્મ કાઈટ્સનું દિલ ક્યું મેરા શોર કરે, ઝિંદગી દો પલ કી જેવા બે સુપરહિટ ગીત લખ્યા હતા. આ ઉપરાંત નાસિરે બાજીરાવ મસ્તાની, ક્રિશ અને કાબિલ જેવી ફિલ્મો માટે પણ ગીત લખ્યા હતા. નાસિર ફરાઝને હૃદય સંબંધિત બીમારી હતી અને સાત વર્ષ પહેલાં તેમની સર્જરી પણ કરવામાં આવી હતી.
રવિવારે સાંજે તેમને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને ત્યાર બાદ સાંજે છ વાગ્યાની આસપાસ નિધન થઈ ગયું હતું. 2013માં રિલીઝ થયેલી ફિલ્મ એક બુરા આદમીમાં ગીતકાર તરીકે કામ કર્યું હતું.
આ સિવાય તેમણે તુમ મુઝે બસ યૂં હી, મૈં હું વો આસમાન, કોઈ તુમસા નહીં, કાબિલ હું અને ચોરી ચોરી ચૂપકે ચૂપકે જેવા હૃદયસ્પર્શી ગીતો લખ્યા હતા. ઈન્ડસ્ટ્રીમાં તેમની ઓળખ એક સારા ગીતકાર અને મ્યુઝિક ડિરેક્ટર તરીકેની હતી. તેમના નિધનની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટી ખોટ પડી છે…