Homeઉત્સવજ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

ભૂલી જવું એ માનવ સ્વભાવનું લક્ષણ છે. ૨૯ વર્ષ અને આઠ મહિના પહેલાં બપોરે દોઢ વાગ્યે ગર્લ ફ્રેન્ડ સાથે તાડદેવમાં પાંઉ ભાજી ખાધા પછી કોલ્ડ ડ્રિન્ક પીવા માટે પૈસા નહોતા બચ્યા એ બરાબર યાદ હોય, પણ આજે સાળાની વેડિંગ એનિવર્સરી પર વિશ કરવાનું ભુલાઈ જાય અને પછી પત્નીનું જે લુક મળે એ કાયમ યાદ રહે એવું પણ જીવનમાં બનતું હોય છે. શનિવારે પહેલી એપ્રિલ હતી એ તમે ભૂલી ગયા હો – તમને યાદ ન હોય અને તમને જો કોઈ મૂરખ બનાવી જાય તો એ તમને કાયમ યાદ રહી જાય અને એટલી અક્કલ તો તમારી દોડે જ કે આવતા વર્ષે એપ્રિલ ફુલ નહીં બનું. એટલે યાદ રાખવું કે ભૂલી ન જવાય. સ્મૃતિ, સંભારણું, યાદી, યાદશક્તિ, યાદદાસ્ત… સહેલાઈથી યાદ રહી જાય એવા પર્યાય છે. મથાળામાં જે પંક્તિ ટાંકી છે એ લાઠીના રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ’કલાપી’ની રચના છે. બહેનના પતિના અવસાન પછી સાંત્વના આપતી તેમની રચનાની શરૂઆતની પંક્તિઓ છે: વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું! માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું ! લ્હાણું એટલે સારા પ્રસંગે ધાતુપાત્રની કરવામાં આવતી વહેંચણી. અહીં કવિ સુખ દુ:ખના ભેદ મિટાવી દુ:ખ સહન કરવાની અને કોઈને સંભારવાની લાગણીને એક સ્તરે મૂકી એને લ્હાણું ગણી અમૂલ્ય મૂડીનું સ્વરૂપ આપી દે છે. હવે આપણે અનેક અવિસ્મરણીય રચનાઓ આપી કાયમ માટે આપણા સ્મરણપટ પર અંકિત થઈ ગયેલા કવિ રમેશ પારેખની એક કવિતાની પ્રારંભની પંક્તિઓ યાદ કરીએ: મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી, ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે? સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે? યાદ – સ્મરણ – સંભારણાને આનાથી ઉપરની કક્ષાએ લઈ જવાની તાકાત નથી. બસ.
ડાહી ડાહી વાતો કર્યા પછી સામે કાંઠે એક લટાર મારી આવીએ. ડાહ્યા લોકોની સોબત ન મળતી હોય તો ધીરજ રાખવી પણ નાદાન સાથે તો પનારો ન જ પાડવો એવી શિખામણ વડીલો આપતા ગયા છે. મૂર્ખ દોસ્ત વેરીને ઠામ – મૂરખ જોડે કામ પાડે તે જ મૂરખ અને નાદાન કી દોસ્તી ઔર જીવ કા જાન – નાદાન દોસ્ત કરતાં દાનો દુશ્મન ભલો એ કહેવતો વડીલની વાત સાનમાં સમજાવી દે છે. બહુ જાણીતી કહેવત છે મૂરખને માથે શિંગડા ન હોય. મતલબ કે અક્કલ વગરના લોકોને ઓળખવાની કોઈ બાહ્ય નિશાની નથી હોતી નથી. બીજી રીતે કહીએ તો મૂર્ખના ગામ જુદા નથી વસતાં કે મૂર્ખ છાના રહેતા નથી. એક જાણીને સમજવા જેવી કહેવત છે કે મૂરખને કાન હોય, પણ સાન ન હોય. અકલબુઠ્ઠાઓ સમજ્યા વિના બીજાની વાત સાંભળીને માની લે પણ પોતાની અક્કલ વાપરે નહીં.
———–
MEMORY EXPRESSIONS
વિસરાતા સૂર અને મધુર સ્મૃતિઓ માનવ હૈયાની બે લાક્ષણિકતા છે જે પીડા કે હરખ અથવા બંને આપી શકે છે. જોકે, સ્મૃતિઓ તાજી કરી એના બગીચામાં લટાર મારવી મોટાભાગના લોકોને પસંદ હોય છે. મેમરી – સ્મૃતિ, યાદોનો પટારાને સંબંધિત અંગ્રેજી ભાષાપ્રયોગને માણીએ. છયરયિતવ જજ્ઞળયજ્ઞક્ષય’ત ખયળજ્ઞિુ એટલે કોઈ વ્યક્તિને ભુલાઈ ગયેલી વાત યાદ કરાવી દેવી. સ્મૃતિઓને ઢંઢોળવી – જગાડવી એમ પણ કહી શકો છો. Let me Refresh Your Memory. It has been three years since we talked about working terms. પહેલા તમને બધું યાદ કરાવવું જરૂરી છે કારણ કે કામની શરતો અંગે આપણે જે નક્કી કર્યું એને ત્રણ વર્ષ વીતી ગયા છે. If My Memory Serves Me Correctly એટલે વાત કે ઘટના બરાબર યાદ છે એ વિશે ખાતરીપૂર્વક કહેવું. અલબત્ત ૧૦૦ ટકા ખાતરી નથી એ ભાવ પણ એમાં છે. If My Memory Serves Me Correct, Mrs. Shingala used to teach Maths in school. જો હું ભૂલતો ન હોઉં તો શ્રીમતી શિંગાલા શાળામાં ગણિત શીખવતા હતા. કોઈ બાબત બરાબર – ઝીણવટથી સમજી લેવી જેથી એ બરાબર યાદ રહે એ ભાવાર્થ Commit Something to Memoryપ્રયોગમાં વ્યક્ત થાય છે. Almost all women Commit to The Memory What They Wore In Which Function.વસ્ત્રો રિપીટ ન કરવા એ જાણે જીવસટોસટનો મામલો હોય એમ લગભગ દરેક નારી કયા ફંક્શનમાં શું પહેર્યું હતું એ બરાબર યાદ રાખતી હોય છે. ‘હમારે જમાને કી બાત’ કહેવા કાયમ ઉત્સુક લોકો માટે રૂઢિપ્રયોગ છે ઝTrip Down Memory Lane. સ્મૃતિઓ ઢંઢોળી જૂની વાતો યાદ કરી હરખાવું કે આંસુ સારવા એ ક્રિયા અનેક લોકોના જીવનમાં જોવા મળે છે. Schoolmates met after 40 years and all took a Trip Down Memory Lane. ૪૦ વર્ષ પછી ભેગા થયેલા શાળાના સખા જૂની વાતો યાદ કરવા બેસી ગયા. Bear in Mind એટલે દીકરા ભૂલતો નહીં. Bear in Mind that these figures are rough estimates. તમને જે ખર્ચ જણાવ્યો છે એ માત્ર અંદાજીત રકમ છે એ વાત બરાબર યાદ રાખજો.
———
विस्मृतीत गेलेल्या म्हणी
દરેક ભાષામાં એવું બનતું હોય છે કે ભાષાના વિકાસને કારણે બદલાવ આવે અને એમાં કેટલાક શબ્દ પ્રયોગ કે કહેવતો વિસરાઈ જાય. आज आपण विस्मृतीत गेलेल्या काही म्हणींचा आनंद घेऊ. આજે આપણે વિસરાઈ ગયેલી કેટલીક કહેવતોનો અર્થ જાણી જ્ઞાન સાથે ગમ્મ્તનો લાભ લઈએ. आई भेरी, बाप पडघम आणि संबळ भाऊ આ એક સંગીતપ્રેમી પરિવારનું વર્ણન છે. ભેરી એટલે શરણાઈ જેવું લાંબું અને ફૂંક મારીને વગાડવાનું વાદ્ય. પડઘમ એટલે ઢોલ જેવું વાદ્ય. નોબત તરીકે પણ ઓળખાય છે. નગારા જેવું ચર્મ વાદ્ય. સંબળ જોડી વાદ્ય છે જેમાં પિત્તળ કે તાંબાને અમુક આકાર આપી એની પર ચામડું ચડાવવામાં આવે છે. ગળામાં પહેરી ધાર્મિક પ્રસંગે મોટેભાગે વગાડવામાં આવે છે. આ ત્રણેય મહારાષ્ટ્રના લોકવાદ્યો છે અને ત્રણેય વાગે ત્યારે મંગળ સ્વર રેલાય છે. સાત શબ્દની આ કહેવતમાં પરિવારના લોકો પ્રેમ અને લાગણીના મજબૂત તંતુથી એકબીજા સાથે જોડાયેલા છે, તેમનામાં તાલમેલ છે અને પરિવાર રસિક છે એ જાણવા મળે છે. વાદ્યનો ઉપમા તરીકે કેવો સુંદર ઉપયોગ. उंदीर मस्कतास गेला पण सावकार नाही झाला. એક સમય હતો જ્યારે મસ્કત એટલે કે અખાતના પ્રદેશમાં વ્યાપાર લેવડ દેવડ મોટા પાયે થતી. મોટેભાગે નાનકડા દરમાં રહેતા ઉંદરનું નસીબ પલટાયું અને તેને મોટા જહાજમાં રહેવાની તક મળી. એ વેપારી જહાજ હતું અને એક પછી એક નવી જગ્યાએ સફર ચાલુ રહેતી. એક દિવસ એ જહાજને કારણે ઉંદરમામા પહોંચી ગયા મસ્કત. જહાજ પખવાડિયા સુધી અખાતમાં નાંગર્યું. વેપારીઓ શહેરમાં ગયા અને દરેક જણે પોતાની ક્ષમતા અને આવડત અનુસાર વેપાર કર્યો. કોઈને બે પૈસાની કમાણી થઈ તો કોઈને નુકસાન પણ થયું. ઉંદરમામાને લાભ કે હાનિ જેવું કશું થયું નહીં. ઉંદર કેટલી પણ દૂર મુસાફરી કરે પણ પોતાની તાકાત જેટલી જ જણસ લાવી શકે. એની પ્રાપ્તિ મર્યાદિત જ રહેવાની. એટલે કહેવત પડી કે મસ્ક્ત પહોંચી જવાથી ઉંદર કંઈ શાહુકાર ન બની જાય. કોઈ પણ વ્યક્તિ ગમ્મે એટલા દેશ ફરે પણ એને લાભ તો એના કૌશલ્ય , એની આવડત અનુસાર જ થવાનો. એક વાક્યમાં કેવી ફિલસૂફી વણાઈ ગઈ છે ને.
————
भूली हुई यादें
ભૂલી જવું એ કોઈ વાર સગવડિયું હોય છે તો ક્યારેક મગજનો કેમિકલ લોચો. હિન્દી ફિલ્મમાં ’ભૂલ’ના કેટલાક ગીત લખાયા છે જે આજે પણ લોકોને યાદ હશે, ભૂલ્યા નહીં હોય.भूल गया सबकुछ, याद नहीं अब कुछ, एक यही बात न भूली, जुली, आय लय य કે પછી भूली हुई यादों, मुझे इतना न सताओ, अब चैन से रहने दो, मेरे पास न आओ અને સાહિર લુધિયાનવીનું કાયમ માટે સ્મૃતિપટ પર અંકાઈ ગયેલું तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, मेरी बात और है मैंने तो मोहब्बत की है . હંમેશ માટે યાદ રહી જાય એવા ઉદાહરણ છે. આજે આપણે ભૂલાઈ નથી એવી ભૂલની હિન્દી કહેવતોની ઝલક જોઈએ. સંસારનું સત્ય સમજાવતી કહેવત છે भूल गए राग रंग भूल गए छकडी, तीन चीज याद रही नोन तेल लकडी. છકડી એટલે પાલખી. નોન એટલે મીઠું, લવણ. લગ્ન થવા પહેલા પ્રિયતમા સાથેની મધુર સ્મૃતિઓ અને જે પાલખીમાં બેસીને એ આવી હતી એ બધું લગ્ન પછી ભૂલાઈ ગયું છે, કારણ કે બે વખતના રોટલા (નોન એટલે મીઠું, તેલ અને રસોઈ રાંધવા માટે બળતણ તરીકે વપરાતી લાકડી)ની વ્યવસ્થા એ પ્રાથમિકતા બની જાય છે. કલ્પના અને વાસ્તવિકતા જીવનના બે છેડા છે. રઈસ મનીઆરની કવિતાની પંક્તિ યાદ આવે છે : અમના તો પ્યાર જાણે રેહમની ડોરી, એની પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની. બીજી કહેવત છે भूले बनिया भेड खाई (भूले बामन गाय खाई), अब खाऊं तो राम दुहाई.
જાણતા – અજાણતા કોઈ ખોટું કામ થઈ ગયું હોય એનો તો માત્ર અફસોસ જ વ્યક્ત કરી શકાય. અલબત્ત ફરી એવું ધોળે ધરમેય નહીં થાય એવું વચન આપવામાં આવે છે અને એ જ આ કહેવતનો ભાવાર્થ છે.भूला फिरे किसान जो कार्तिक मांगे मेंह.. ખોટા સમયે કોઈ વસ્તુની માંગણી ન કરવી જોઈએ એ વાત પર આ કહેવતમાં ભાર મૂકવામાં આવ્યો છે. કારતક એટલે દિવાળી પછીનો મહિનો. હવામાં હજી ઉત્સવની મહેક હોય અને શિયાળાના આગમનની ઘડીઓ ગણાતી હોય એ પરિસ્થિતિમાં વરસાદ વહાલો તો ન જ લાગે ને. મનુષ્યની જીવાદોરીમાં વરસાદનું વિશેષ સ્થાન છે, પણ કારતક મહિનામાં વરસાદ પડે તો એનાથી કોઈ લાભ ન થાય, ઉલટાનું નુકસાન થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -