દોહા: ફૂટબૉલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ ફિફા વર્લ્ડ કપ ૨૦૨૨માં અંતિમ- ૧૬માં પહોંચી ગઈ છે. તેમની ગ્રૂપ મેચમાં પોર્ટુગલે ઉરુગ્વેને ૨-૦થી હરાવ્યું હતું. આ સાથે પોર્ટુગલે ઉરૂગ્વેથી ૨૦૧૮ની હારનો બદલો પણ લઈ લીધો હતો. આ મેચમાં પોર્ટુગલ માટે બંને ગોલ બ્રુનો ફર્નાન્ડિસે કર્યા હતા. ઉરૂગ્વેના ગોલકીપરના શાનદાર પ્રદર્શનના કારણે તે તેની હેટ ટ્રિકથી ચૂકી ગયો હોવા છતાં તેણે તેની ટીમને આગલા રાઉન્ડમાં લઈ જવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
લુસેલ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ-એચની મેચમાં પોર્ટુગલના બ્રુનો ફર્નાન્ડિસે ૫૪મી મિનિટે પ્રથમ ગોલ કરીને પોતાની ટીમને ૧-૦થી આગળ કરી હતી. આ પછી બીજા હાફના ઈન્જરી ટાઈમમાં તેણે બીજો ગોલ કરીને પોર્ટુગલની લીડ ૨-૦ કરી દીધી હતી અને પોતાની ટીમની જીત લગભગ નક્કી કરી લીધી. આ મેચમાં તેની પાસે હેટ ટ્રિક પૂર્ણ કરવાની શાનદાર તક હતી, પરંતુ બૉલ ગોલ પોસ્ટ પર વાગ્યો અને તે ત્રીજો ગોલ કરી શક્યો નહીં. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ૫૪મી મિનિટે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના ગોલને ફર્નાન્ડિસને આપવામાં આવ્યો, કારણ કે તેના ક્રોસ પછી બૉલ નેટમાં ગયો હતો. મેચની ૭૫મી મિનિટે મેક્સિમિલિયાનો ગોમેઝે ઉરૂગ્વે માટે ગોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો શોટ ગોલપોસ્ટમાં પહોંચી શક્યો નહોતો. બીજા હાફમાં પણ ઉરૂગ્વેની ટીમે ગોલ કરવાની તકો ઊભી કરી હતી, પરંતુ તેનો ફાયદો ઉઠાવી શકી નહોતી.
પ્રથમ હાફમાં બંને ટીમો એકપણ ગોલ કરી શકી ન હતી. આવી સ્થિતિમાં ઉરૂગ્વેના ખેલાડીઓ ૨૦૧૮ની જેમ ફરીથી પોર્ટુગલને હરાવવાના સપના જોઈ રહ્યા હતા, પરંતુ બ્રુનો ફર્નાન્ડિસે આવું થવા દીધું નહોતું.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, લુઈસ સુઆરેઝ અને એડિનસન રોબર્ટો કાવાની જેવા દિગ્ગજ ખેલાડીઓ આ મેચમાં કોઈ ગોલ કરી શક્યા ન હતા. ઉરૂગ્વેના મિડફીલ્ડર રોડ્રિગો બેટાનકુરે દક્ષિણ અમેરિકાની ટીમ માટે થોડી તકો ઊભી કરી પરંતુ બંનેમાંથી કોઈ ખેલાડી યોગ્ય રીતે સમાપ્ત કરી શક્યો નહીં. આ મેચ બાદ પોર્ટુગલ ગ્રૂપ-એચમાં ટોચ પર છે, જ્યારે ઉરૂગ્વે ઘાના પછી ત્રીજા સ્થાને છે.
ફિફા વર્લ્ડ કપ: પોર્ટુગલે ૨૦૧૮નો લીધો બદલો, ઉરૂગ્વેને ૨-૦થી હરાવ્યું
RELATED ARTICLES