મેસીએ રચ્યો ઈતિહાસ
કતારઃ ફિફા વર્લ્ડકપ 2022માં લિયોનલ મેસીના કેપ્ટનશિપ હેઠળની આર્જેન્ટિનાની
ટીમે ગઈકાલે પોલેન્ડ સાથે જોરદાર ટક્કર કરતા આર્જેન્ટિનાનો વિજય થયો હતો.
ગુરુવારે રાતની મેચમાં આર્જેન્ટિનાએ કરો યા મરોના મુકાબલામાં પોલેન્ડને 2-0થી
હરાવ્યું હતું, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે પોલેન્ડ મેચ હારીને નોકઆઉટમાં એન્ટ્રી
લીધી છે.
પોલેન્ડ સામેની મેચમાં મેસીએ પોતાની માસ્ટરીનો પૂરો પરિચય કરાવ્યો હતો, જેમાં
પહેલા હાફમાં નોંધપાત્ર પર્ફોમન્સ કરવા છતાં ગોલ કરી શક્યો નહોતો. આખી મેચ
દરમિયાન પોલેન્ડ પર આર્જેન્ટિનાએ દબાણ કરી રાખ્યું હતું. પહેલા અને બીજા હાફમાં
પોલેન્ડની ગોલ્ડ પોસ્ટની આસપાસ આર્જેન્ટિનાના ખેલાડીઓ રમવામાં સફળ રહ્યા
હતા. આર્જેન્ટિના વતીથી સૌથી વધુ મેચ રમનાર મેસીએ ઈતિહાસ રચ્યો હતો, જેમાં
લિજેન્ડ મેરાડોનાને પણ પાછળ છોડી દીધો હતો. મેસીના સુપર પર્ફોમન્સ સાથે સાથે
બીજા હાફમાં એલેક્સીસ એલિસ્ટર (46મી મિનિટ) અને જુલિયન અલ્વારેજ (67મી
મિનિટ) એમ બંનેએ ગોલ કરતા આર્જન્ટિનાનો વિજય થયો હતો.
આ જીતની સાથે આર્જેન્ટિનાએ પોતાના ગ્રુપમાં ટોચ પર પહોંચ્યા પછી પ્રી-ક્વાર્ટર
ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું છે. હવે સુપર-સિક્સ્ટીમાં આર્જેન્ટિનાનો
મુકાબલો ગ્રુપ-ડીની બીજા નંબરની ટીમ ઓસ્ટ્રેલિયા સામે થશે, જ્યારે બીજી મેચમાં
મેક્સિકોની ટીમ સઉદી અરેબિયાની ટીમે 2-1 જીત મેળવી હતી.