તહેવારો: બ્રાન્ડ માટે એવરગ્રીન મોસમ

ઉત્સવ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી

બે વર્ષ પછી આ વર્ષે તહેવારોમાં પહેલા જેવી રંગત જામશે તેવી આશા નાનીથી લઈને મોટી બ્રાન્ડ અને નાનાથી લઈને મોટા વેપારીઓ રાખી રહ્યા છે. લોકોમાં તે જાણવાની ઉત્સુકતા હશે કે આ વર્ષે લોકો શેની વાત કરશે અને કેવાં કેમ્પેઇન લઈને બ્રાન્ડ આવશે! કારણ છેલ્લી બે તહેવારોની સીઝનમાં, ઘણી મોટી અને નાની બ્રાન્ડે જખઇ અર્થાત્ સ્મોલ એન્ડ મિડયમ બિઝનેસીસ માટે રજૂઆત કરી હતી. લોકલ ફોર વોકલનો નારો હતો, પરંતુ કોવિડ પછી વસ્તુઓ સામાન્ય થઈ જતાં, નિષ્ણાતોનું માનવું છે કે કંપનીઓ હવે વેચાણલક્ષી સેલ્સ ઓરિયેન્ટેડ જાહેરાતો પર પાછી આવશે. ક્ધઝ્યુમર ડ્યુરેબલ અને ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓનું માનવું છે કે આ વર્ષે તહેવારોમાં બમ્પર સેલ થશે. જોવાની ખૂબી તે હશે કે લોકો ઓનલાઇન ખરીદશે કે પછી દુકાનોમાં ધસારો કરશે. બંને વેપારીઓ સજ્જ છે તહેવારોમાં પોતાના ગ્રાહકોને રીઝવવા. દિવાળી પત્યા પછી આપણને ખબર પડી જશે કે તહેવારોની મોસમ કેવી રહી વેપારીઓ માટે.
ગમે તેટલી મોટી વ્યૂહરચના બનાવો તમારી બ્રાન્ડ માટે, પણ કોઈ પણ વેપારી માટે, કોર્પોરેટ માટે કે ઈવન ખગઈત માટે દિવાળી જેવી બીજી કોઈ મોટી વ્યૂહરચના આ દેશમાં જોવા નહીં મળે. દિવાળીમાં આપણે ભગવાનને પ્રાર્થીએ કે ‘તમસો મા જ્યોતિર્ગમય’. ‘હે પ્રભુ અમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જા.’ તે જ રીતે દિવાળી ઓછે-વત્તે અંશે નાની-મોટી બધી બ્રાન્ડને, વેપારીઓના જીવનમાં ફાયદાનો/નફાનો પ્રકાશ પાથરતી જ રહે છે અને આવનારા વર્ષ માટે તેઓમાં નવા જોશ અને જોમ પૂરી દે છે.
કોઈ પણ બ્રાન્ડ કે કેટેગરી માટે એક પર્ટિક્યુલર સીઝન હોય છે, જેમ કે ઠંડાં પીણાં, એસી, રેફ્રિજરેટર માટે ઉનાળો, ફાઇનાન્શિયલ ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ માટે જાન્યુઆરી-માર્ચ, ટૂર ઓપરેટર માટે વેકેશન ગાળો, સ્ટેશનરી પ્રોડક્ટ માટે સ્કૂલ ખૂલવાનો સમય વગેરે. કોઈ પણ બ્રાન્ડ પોતાની સીઝન માટે જેવી રીતે તૈયારી કરે છે પોતાનો માલ વેચવાની તેવી જ રીતે બીજી એક સીઝન છે જેને આપણે તહેવારોની/દિવાળીની સીઝન કહીએ છીએ. આ સીઝનમાં બધી જ બ્રાન્ડ એક્ટિવ થઈ જાય છે, સ્પેશિયલ કેમ્પેઇન બનાવે છે. કારણ આ એક સીઝન સમાન છે બધા માટે જેમાં તેઓ વર્ષનો ૩૦-૪૦% સેલ્સ ફિગર અચીવ કરી લે છે. આમ દિવાળી એવરગ્રીન સીઝન છે બધા વેપારીઓ માટે.
આપણે જાણીએ છીએ કે એડવર્ટાઈઝિંગ કેમ્પેઇનના પ્રકાર હોય છે; અવેરનેસ કેમ્પેઇન, એજ્યુકેશન કેમ્પેઇન ઈન્ફોરમેટિવ કેમ્પેઇન, સસ્ટેનન્સ કેમ્પેઇન તેવી જ રીતે સેલ્સ પ્રમોશન કેમ્પેઇન. દિવાળી કહો કે ફેસ્ટિવ કહો આ સમય દરમ્યાન બ્રાન્ડનો એક જ હેતુ હોય છે; બને તેટલું વધારે વેચાણ કરો અને આ સમયમાં ફક્ત અને ફક્ત સેલ્સ પ્રમોશન વ્યૂહરચના/કેમ્પેઇન પર જોર આપવામાં આવે છે. આને આપણે હમણાં થોડા સમયમાં અનુભવશું જ્યારે સવારમાં ન્યુઝપેપર ખોલતાંની સાથે દિવાળી ધમાકા જેવી વિવિધ સ્કીમ, ડિસ્કાઉંટ્સ, પ્રમોશન્સના કેમ્પેઇન જોઈશું. ઘણી વાર તો ફ્રંટ પેજના સમાચાર વાંચવા માટે ૪-૫ પેજ ઉથલાવવાં પડે તેવી સ્થિતિ
હોય છે.
કંપનીઓ જ્યારે વર્ષની શરૂઆતમાં પોતાની બ્રાન્ડ માટે માર્કેટિંગ કેલેન્ડર બનાવે છે ત્યારે દિવાળી અને બીજા તહેવારોને એક મેજર એક્ટિવિટી તરીકે જુએ છે અને સ્પેશિયલ બજેટ તેના માટે ફાળવે છે. ફક્ત આપણે ત્યાં જ નહીં, પણ દુનિયાના કોઈ પણ દેશમાં ત્યાંના તહેવારો, ત્યાંની બ્રાન્ડને, વેપારને બૂસ્ટ કરે છે, વધારેમાં વધારે વેપાર કરવાનું તેમ જ બ્રાન્ડ અને કસ્ટમરને એકબીજા સાથે કનેક્ટ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
આમ જોવા જઇએ તો આપણે ત્યાં તહેવારોની શરૂઆત ગણેશ ચતુર્થીથી શરૂ થઈ, ઑનમ, નવરાત્રિ, દુર્ગા પૂજા, દિવાળી સુધી પીક પર જઇ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટના મેજર તહેવારો કવર કરી લે છે. અર્થાત્ બ્રાન્ડ પ્રમોશનના શ્રીગણેશ ગણેશ ચતુર્થીથી થઈ જાય છે.
જેમ આપણે જોયું કે દિવાળી એક મોટો તહેવાર છે આખા દેશ માટે અને રહેશે, પરંતુ આજે બીજા ઘણા તહેવારો છે જે એક રીજન / સ્ટેટ સ્પેસિફિક હતા તે તહેવારો આજે બીજાં રાજ્યોમાં પણ ઊજવાય છે. આનું મુખ્ય કારણ છે; કોસ્મોપોલિટન સોસાયટી અને ટેક્નોલોજી. ઉદાહરણાર્થ, ગણપતિ આજે ફક્ત મહારાષ્ટ્રમાં નહીં, પણ ગુજરાત અને બીજાં રાજ્યોમાં પણ તેટલી જ ત્વરાથી મનાવાય છે. દુર્ગા પૂજનના પંડાલો બધે જ શોભે છે, રાસ-ગરબાની રમઝટ ગુજરાતની સરહદ પાર કરી નોર્થ અને સાઉથમાં પણ ઊજવાય છે, કરવા ચોથમાં આપણી ગુજરાતી યુવતી તેની પંજાબી ફ્રેંડને કંપની આપવા ઉપવાસ રાખે છે અને પતિ પાસે ગિફ્ટની અપેક્ષા પણ.
કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે તહેવારો ક્રોસ બોર્ડર ઊજવવાના શરૂ થઈ ગયા ત્યારે તેનો ફાયદો બ્રાન્ડને વધારે થયો; તેઓ માટે નવી માર્કેટ, નવા ઘરાકો, નવા સેગમેંટ અને સૌથી મહત્ત્વનું નવી તકો બ્રાન્ડને પ્રમોટ કરવાની અને વેચવાની મળવા લાગી. બ્રાન્ડ માટે આવા નાના-મોટા તહેવારો નવી તકો લાવ્યા.
જેવી રીતે કોસ્મોપોલિટન સોસાયટી, ક્રોસ બોર્ડર કલ્ચરે તહેવારોને ઇંટ્રોડ્યુસ કરવામાં ભાગ ભજવ્યો છે તેમ આવા તહેવારોને નવી સ્કીમ, કલેક્શન, ડિસ્કાઉંટ્સ અને પ્રમોશન્સ દ્વારા એમ્પ્લિફાય કરવામાં બ્રાન્ડે મોટો ભાગ ભજવ્યો છે. જેવી રીતે બ્રાન્ડ નવા નવા તહેવારોને આપણી સમક્ષ લાવી તેવી જ રીતે બ્રાન્ડે આપણી આદતો, રૂઢિઓને પણ ધીરે ધીરે બદલી છે; જેને બિહેવિયરલ ચેંજ કહે છે. અમુક વર્ષો પહેલાં નવાં કપડાં, બૂટ-ચંપલ, મીઠાઈઓ કે કશુંક નવું ઘરમાં વસાવવું એ દિવાળીની રૂઢિ કે પરંપરા હતી. આજે બ્રાન્ડ પાવરે નવી ઘણી કેટેગરી આપણા જીવનમાં આણી, જેવી કે ગ્રૂમિંગ અને બ્યુટી સલોન્સ, ફેસ્ટિવ સીઝનમાં સારા લાગવું જ જોઈએ, મીઠાઈઓનું સ્થાન ચોકલેટે, ચા- કોફીનું સ્થાન ઠંડાં પીણાંએ લીધું, ટૂર ઑપરેટર્સ જે ફક્ત વેકેશનમાં એક્ટિવ થતા આજે ફેસ્ટિવ હોલિડે વેકેશનમાં પરિવર્તિત થઈ રહ્યા છે. કુટુંબ-પરિવાર સાથે કાં એકબીજાના ઘરે જઈ મળવા જવું તેનું સ્થાન કોમન ગેધરિંગ રેસ્ટોરાંસ કે બેંક્વેટ હોલ્સમાં થઈ ગયું છે, મોબાઇલ ફોન શુભેચ્છા પાઠવવાનું સાધન બની ગયા છે, કુટુંબ સાથે જઈ શોપિંગ કરતા અને આજે પોતપોતાની મનગમતી ચીજો ઑનલાઇન શોપિંગ દ્વારા પોતાના સમયે પોતાની રીતે. ઘરમાં દિવાળીના નાસ્તા બનતાં તેનું સ્થાન રેડી ટુ ઈટ પેકેજ્ડ ફૂડ્સ અને રેડી નાસ્તાએ લીધું છે.
એક સમયે તહેવારોમાં બ્રાન્ડ પ્રમોટ થતી, જ્યારે આજે બ્રાન્ડો તહેવારોને પ્રમોટ કરે છે અને આ તહેવારોમાં બ્રાન્ડ આપણા જીવનમાં પ્રવેશી આપણા જીવનનું અવિભાજ્ય અંગ બની જાય છે. દિવાળી ઉપરાંત બીજા ઘણા નવા તહેવારો બ્રાન્ડ માટે એક મોટી વ્યૂહરચના અને તક ઊભી કરે છે. ક્ધઝ્યુમર બિહેવિયરનો વિગતવાર અભ્યાસ કરી જરૂરત પડતાં તેનામાં બદલાવ લાવવાનું કામ બ્રાન્ડ કરી શકે છે અને તેનું એક ઉત્તમ ઉદાહરણ એટલે દિવાળી ઉપરાંત વિવિધ તહેવારોની ઉજવણી તથા ઉજવણીની રીતભાતમાં બદલાવ જે આપણે આજે જોયું.
સમય સાથે તાલ મેળવવાનું, સમય સાથે બદલાવ લાવવાનું અને નવા ટ્રેંડ્સ લાવવાનું ઘણું મોટું શ્રેય બ્રાન્ડ કેમ્પેઇન અને બ્રાન્ડ વ્યૂહરચનાને જાય છે.
આ વર્ષે આ એવરગ્રીન સીઝન બધાને ફળે અને આપનો વ્યાપાર તથા બ્રાન્ડ આવનારાં વર્ષોમાં સમૃદ્ધિ પામે અને આસમાનને આંબે તેવી પ્રભુ પાસે પ્રાર્થના.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.