ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉત્તર અને મધ્ય-પૂર્વના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાત વિધાનસભાની 93 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. સવારે 8 વાગ્યે મતદાન શરુ થયા બાદ એક કલાકમાં 5 ટકા જેટલું જ મતદાન થયું હતું ત્યાર બાદ મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. ત્રણ કલાકમાં 19 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે.
અત્યાર સુધીના આંકડા પ્રમાણે સૌથી વધુ મતદાન છોટાઉદેપુર જિલ્લામાં 23.35 ટકા નોંધાયું છે. જયારે સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 16.51 ટકા મતદાન થયું છે. દિયોદર બેઠક પર સૌથી વધુ 23.62 અને સૌથી ઓછું અમદાવાદની એલિસબ્રિજ બેઠક પર 12 ટકા મતદાન જ થયું છે. આમ આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારમાં મતદાન વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે શહેરી અને શિક્ષિત ગણાતા વિસ્તારમાં લોકો મતદાનમાં વધુ રસ દાખવી રહ્યા નથી.
અમદાવાદના ધોળકામાં સવારે 11 વાગ્યા સુધીમાં 18 ટકા મતદાન નોંધાયું હતું. શહેરી વિસ્તારોમાં મતદાન ધીમે થઈ રહ્યું છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં મતદારો ઉત્સાહ બતાવી રહ્યા છે. અમદાવાદ શહેરના જાહેર રસ્તા ઉપર મતદાનને લઈને ખાસ કોઈ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.