પાકિસ્તાનથી સમુદ્રમાં લો પ્રેશર નિર્માણ થતાં ગુજરાતમાં ફરી એક વાર અનરાધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠે આવેલા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવાનો આદેશ આપવામાં આવ્યો છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર ઓખા અને બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી હોવાની માહિતી સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવી છે. લો પ્રેશર નિર્માણ થતાં દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ખરાબ હવામાન અને પ્રવાસીઓની સુરક્ષાને કારણે 23થી 26 જુલાઈ સુધી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે શનિવારે કચ્છમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ, પોરબંદર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
