સોનિયા – મેનકા હવે નિવૃત્તિ ભણી, રાજીવપુત્ર અને સંજયપુત્ર આક્રમક,પ્રિયંકા પિતરાઈઓને ભેગા કરી શકે
કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ
ભારતીય રાજકારણ પલટા લઇ રહ્યું છે. આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪માં યોજાય એ પહેલાં નહેરુ-ગાંધી પરિવારમાં રિસામણાં મનામણાંમાં ફેરવાઈ જાય એવું રાજકીય ચિત્ર આકાર લઇ રહ્યું છે. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના નાના પુત્ર અને એમના રાજકીય વરસ ગણાતા સંજય ગાંધીના વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પછી સંજયનાં પત્ની અને તેમના પુત્ર ફિરોઝવરુણ (લોકસભા ચૂંટણીમાં સોગંદનામામાં અને પોતાના પુસ્તકના લેખક તરીકે આ જ નામ નોંધાય છે) અને ૧, સફદરજંગ રોડ એટલે કે વડા પ્રધાન નિવાસમાંથી ઉચાળા ભરવા પડ્યા હતા.
કોંગ્રેસના આ પ્રથમ પરિવાર વચ્ચે અંટસ એટલી હદે વકરી હતી કે સાસુ અને દેરાણી વચ્ચેનો ખટરાગ શ્રીમતી ગાંધીની ૧૯૮૪માં શહીદી પછી પણ એ જેઠાણી સોનિયા ગાંધી અને દેરાણી મેનકા ગાંધી રાજકીય દૃષ્ટિએ સામસામે આવી ગયાં.એમનાં સંતાનો પણ અલગ અલગ રાજકીય પક્ષોમાં રહ્યાં.
છેલ્લે તો મેનકા ગાંધી અને ફિરોઝ વરુણ ભાજપમાં અને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી-વાડ્રા કોંગ્રેસમાં રહ્યાં. હવે પ્રવાહ પલટાવાના અણસાર મળી રહ્યા છે. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની પહેલી સરકારમાં મંત્રી રહેલાં મેનકાને બીજી વારની મોદી સરકારમાં ના લેવાયાં અને એમના પુત્ર ફિરોઝ વરુણને ના તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરાયા કે ના કેન્દ્રમાં મંત્રી તરીકે લેવામાં આવ્યા.ભાજપની નેતાગીરી એક બાજુ નહેરુ-ગાંધી પરિવારના વંશવાદ કે પરિવારવાદને ભાંડતી રહી અને બીજી બાજુ એ જ પરિવારનાં મા-દીકરાને સાંસદ બનાવીને રાજકીય લાભ ખાટતી રહી. હવે મેનકા અને વરુણ ભાજપની રાજકીય હિલચાલો અને યોજનાઓ સામે ખુલ્લેઆમ બોલવાનું પસંદ
કરે છે.
લોકસભામાં સોનિયા અને રાહુલ બેઉ કોંગ્રેસની પાટલીઓ પર બેસે છે તથા મેનકા અને વરુણ ભાજપના બ્લોકમાં બેસે છે છતાં કંઈક નવાજૂની થવાના સંજોગો આકાર લઈ રહ્યા છે. વડા પ્રધાન મોદી માટે રાહુલ ગાંધીની ક્ધયાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા ચિંતાનો વિષય બન્યો છે. એની સાથે જ ફિરોઝવરુણ ગાંધી ખુલ્લેઆમ મોદી સરકારની ટીકા કરતાં જાહેર ભાષણો, નિવેદનો અને ટ્વિટ કરે છે. ભાજપના નેતા ડો. સુબ્રમણિયન સ્વામી ચીનની ઘૂસણખોરીના મુદે સીધા મોદીને પડકારતા હોવા છતાં એમની સામે પક્ષની નેતાગીરી કોઈ પગલાં લઇ શકતી નથી, એવી જ રીતે વરુણની સામે પણ પગલાં લઇ શકાતાં નથી.
સોનિયા-મેનકા સંતાનો માટે સાથે
કૉંગ્રેસનાં અધ્યક્ષ રહેલાં સોનિયા ગાંધી ઘણા લાંબા સમયથી બીમાર છે. તેઓ ૫૨ (બાવન) વર્ષીય અપરિણીત પુત્ર રાહુલ ગાંધી અને ૫૦ વર્ષીય પરિણીત દીકરી પ્રિયંકાના રાજકીય ઉજજવળ ભવિષ્યની કામના કરતાં હોય એ સ્વાભાવિક છે. મેનકા પણ હવે ભાજપની હિંદુ-મુસ્લિમ રાજનીતિથી બહુ ખુશ નથી.
જાહેર હિતના પ્રશ્ર્નો અંગે એ ઘણીવાર સરકાર સામે પણ સંઘર્ષનું મન બનાવી લે છે. તેમને પોતાના ૪૨ વર્ષીય પરિણીત પુત્ર ફિરોઝવરુણ ગાંધીના ઉજજવળ રાજકીય ભાવિની ચિતા હોય એ સ્વાભાવિક છે. જેઠાણી સોનિયા અને દેરાણી મેનકા સંતાનો વચ્ચે ભૂતકાળની રાજકીય દુશ્મની હવે ટકાવવાને બદલે પોતાની રાજકીય નિવૃત્તિના કાળમાં સંતાનો સાથે આવે એવું અપેક્ષિત માને છે.
ઘણી વાર તો રાહુલ કરતાં પણ વધુ આક્રમક રીતે વરુણ મોદી સરકારની ટીકા કરે છે. બેઉ પિતરાઈ વચ્ચે બહેન પ્રિયંકા સેતુ બની રહ્યાનું જણાવાય છે.પ્રિયંકાને વરુણ પોતાના લગ્નમાં આવવા માટે ક્યારેક અંગત રીતે જઈને નિમંત્રણ આપી આવ્યા છતાં એ લગ્નમાં ગઈ નહોતી, પરંતુ બંને પરિવાર હવે ગઈ ગુજરી ભૂલીને સાથે આવે એવું લાગવા માંડ્યું છે. ભાજપના પ્રવક્તાઓ આ વાત સાથે અસંમત જણાતા હોવા છતાં રાહુલ અને વરુણ સંસદીય સમિતિઓની બેઠકોમાં પણ સાથે બેઠેલા કે વાતો કરતા જોવા મળે છે એટલે કશુંક નવું થઇ રહ્યાનું લાગે છે જરૂર. રાહુલ મોટોભાઈ છે અને વરુણ એનાથી દસ વર્ષ નાનો છે. બહેન કરતાં પણ વરુણ ૮ વર્ષ નાનો છે. ત્રણેય જણ ઉચ્ચ શિક્ષણ મેળવનાર ભણેલાંગણેલાં છે.
અત્રે એ યાદ રહે કે લાંબો સમય દેશના પ્રથમ વડા પ્રધાન રહેલા પંડિત જવાહરલાલ નહેરુ લંડનમાં ભણ્યા હતા અને બેરિસ્ટર થયા હતા. એમના પછી એમનાં સુપુત્રી ઇન્દિરા ગાંધીને વડાં પ્રધાન બનાવી શક્યા હોત, પરંતુ એમના જ નિષ્ઠાવંત લાલબહાદુર શાસ્ત્રી સર્વાનુમત વડા પ્રધાન બન્યા હતા. એ પછી મોરારજી દેસાઈને હરાવીને કૉંગ્રેસ સાંસદો થકી ઇન્દિરા ગાંધી વડાંપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. ઈમરજન્સીને કારણે માર્ચ ૧૯૭૭માં કૉંગ્રેસ જ નહીં, ઈન્દિરાજી લોકસભા ચૂંટણી હારી ગયાં અને મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા હતા.
૧૯૮૦માં ઈન્દિરાજી ફરી ભારે બહુમતી સાથે કૉંગ્રેસને સત્તામાં લાવી વડાં પ્રધાન બન્યાં. તેમના રાજકીય વારસ ગણાતા સંજય ગાંધીના આકસ્મિક મૃત્યુ પછી ઇન્દિરાજીના મોટા પુત્ર રાજીવ અનિચ્છાએ પણ રાજકારણમાં આવ્યા.ઇન્દિરાજીની ૧૯૮૪માં હત્યા થતાં વડા પ્રધાન તરીકે રાજીવ વરાયા. એમની પણ ૧૯૯૧માં હત્યા થઇ હતી. જોકે ઇન્દિરા ગાંધી, સંજય અને રાજીવ ગ્રેજ્યુએટ પણ નહોતાં.પરંતુ રાહુલ ગાંધી કેમ્બ્રિજમાંથી એમ.ફિલ. છે. પ્રિયંકા દિલ્હીથી માનસશાસ્ત્રમાં એમ.એ. થયેલાં છે અને વરુણ લંડન યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ પદવી ધરાવે છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિકસ એન્ડ પોલિટિકલ સાયન્સમાં પણ તેમણે અભ્યાસ કર્યો છે. એ સારા લેખક છે.અનેક અખબારોમાં કોલમ લખે છે.
સરકાર વિરુદ્ધ વરુણનો આક્રોશ
ભાજપના સાંસદ થઈને પક્ષની નીતિરીતિના આધારસ્તંભ સમા હિંદુ-મુસ્લિમ રાજકારણનો ખુલ્લો વિરોધ કરવાની હિંમત જ નહીં, એ પ્રકારની રાજકીય વિચારધારા સામે સૌથી આક્રમક વિરોધ નોંધાવવામાં પણ વરુણ સંકોચ કરતા નથી. રાહુલની જેમ જ મોદી સરકારની અગ્નિપથ યોજના સામે પણ એ વિરોધ
નોંધાવે છે.
દાદી ઈન્દિરાજીના જન્મદિવસે બંને ભાઈ અંજલિ અર્પવામાં સહયાત્રી બની રહે છે. મોદી સહિતના ભાજપી નેતાઓ પ્રથમ વડા પ્રધાન નહેરુની ટીકા કરતા હોય છે ત્યારે વરુણ એની સામે વિરોધ નોંધાવીને કહે છે કે મારા પરનાના પંડિત જવાહરલાલ નહેરુએ આઝાદીના સંગ્રામમાં સહભાગી થઈને અંગ્રેજોની જેલોમાં ૧૧ વર્ષ કરતાં વધુ વર્ષ ગાળ્યાં.દૂધ, દહીં, માખણ, ચાવલ, દાળ, બ્રેડ સહિતના પેક્ડ ખાદ્યપદાર્થો પર જીએસટી લગાવવાના સરકારી નિર્ણય સામે પણ વરુણ વિરોધ કરે છે એટલું જ નહીં, તિરંગા કાર્યક્રમ માટે રેશનમાં કાપ મૂકીને ત્રિરંગા ખરીદવાનું ફરજિયાત કરવા સામે ફિરોઝવરુણ ખુલ્લેઆમ કહે છે કે આ તો ગરીબોના મોઢામાંથી ધાનનો કોળિયો છીનવી લેવાનું શરમજનક કામ છે.
જીએસટી અંગેના ટ્વિટમાં ફિરોઝવરુણ કહે છે કે રેકોર્ડતોડ બેરોજગારી વચ્ચે મધ્યમ વર્ગના લોકોને રાહતને બદલે આહત કરવા જેવું પગલું સરકાર લઇ રહી છે! હિંદુ-મુસ્લિમ રાજકારણને બંધ કરવાનો આગ્રહ કરતાં એ દેશને નુકસાન કરનારું લેખાવ્યું હતું. હવે પ્રતીક્ષા એની છે કે ફિરોઝવરુણને પક્ષમાંથી ક્યારે ભાજપ કાઢી મૂકે છે કે પછી એ પોતે જ નહેરુ-ગાંધી પરિવારની સંયુક્ત રાજનીતિમાં સામેલ થવા માટે કૉંગ્રેસનો ખેસ પહેરે છે.