મહુવામાં ખેડૂતે જંગલી ભૂંડને દુર રાખવા ખેતર ફરતે ફેન્સીંગ કરાવી કરંટ આપ્યો, કુટુંબી મહિલા અડી જતા મોત

આપણું ગુજરાત

ખેરતમાં ઉભા પાકને જંગલી ભૂંડો, રોઝ અને હરણ જેવા પ્રાણીઓ ભારે નુકસાન પહોંચાડતા હોય છે જેને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થતું હોય છે. ત્યારે આવા નુકસાનથી બચવા પ્રાણીઓને ખેતરથી દૂર રાખવા ખેડૂતો અવનવા રસ્તાઓ અજમાવતા હોય છે. ખેડૂતોના આવા નુસખાનું ઘાતક પરિણામ મહુવા તાલુકાના વેલણપુર ગામમાં આવ્યું છે. જંગલી ભૂંડને ખેતરથી દૂર રાખવા બે ખેડૂત ભાઈઓએ ખેતરની ફરતે લોખંડની તારનું ફેન્સિંગ કરી તેમાં વીજ જોડાણ આપ્યું હતું. ફેન્સિંગની નજીક ચારો કાપી રહેલી તેમના કુટુંબની જ મહિલા તારને અડી જતા કરંટ લાગતા તેનું સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જેને લઈને મૃતક મહિલાના પતિએ ખેતર માલિક વિરુધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઘટનાની માહિતી પ્રમાણે મહુવા તાલુકાના વેલણપુર ગામે નાયકીવાડ ફળિયામા રેહતા ખેડૂત ભાઈઓ દાનીયેલભાઈ નાયકા અને ધર્મેશભાઈ નાયકાના ખેતરમાં ઉભા પાકને જંગલી ડુક્કરો ભારે નુકશાન પહોંચાડતા હતા. ડુક્કરોથી પાકને બચાવવા માટે તેમણે ખેતરની ફરતે તારનુ ફેન્સિંગ બનાવ્યુ હતુ અને નજીકથી પસાર થતા વીજળીના થાંભલા પરથી વીજળીનું જોડાણ ફેન્સિંગ સાથે કર્યું હતું. ગત ગુરુવારે તેમની નજીકમાં જ રહેતા કુટુંબી 45 વર્ષીય મહિલા રેખાબેન નાયકા ખેતરની બાજુમાં ચારો કાપી રહ્યા હતા. ત્યારે ફેન્સિંગના તારને અડકી જતા વીજ કરંટ લાગતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.
આ અંગે મૃતક મહિલાના પતિએ મહુવા પોલીસ સ્ટેશને દાનીયેલભાઈ નાયકા અને ધર્મેશભાઈ નાયકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ 304 હેઠળ બંને ભાઈઓ વિરુદ્ધ સદોષ માનવ વધનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.