ફિલ્મોમાં નસીબ અજમાવવા મુંબઈ ભાગી આવેલી પંજાબી પરિવારની ક્ધયા વેમ્પના રોલમાં બહુ સહજતાથી ગોઠવાઈ ગઈ
હેન્રી શાસ્ત્રી
શાંત પાણીમાં સરી જતી હોડી ભલે ને ગમે એટલી સુંદર હોય, થોડી વાર જોવી ગમે. પણ જો એ હોડી કોઈ તોફાનમાં સપડાય તો એ હેમખેમ રહેશે કે તોફાન એને ભરખી જશે એની આતુરતા વધે અને હોડી માટે કુતૂહલ જાગે. હિન્દી ફિલ્મ જોતા દર્શકોને હીરો-હિરોઈનનો રોમેન્સ જરૂર આકર્ષે છે, પણ વિલન – વેમ્પની એન્ટ્રીને કારણે વાર્તામાં આવતા વળાંક દર્શકોને ‘હવે શું થશે’ના કુતૂહલમાં લપેટી દે છે. કથામાં વ્યથા ભરી દેતા વિલન – વેમ્પ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું અભિન્ન અંગ છે. આજે આપણે રિયલ લાઈફમાં પ્રાણ સાથેની મૈત્રીને કારણે અને રીલ લાઈફમાં પ્રાણ જેવાં પાત્રો સાકાર કરવાને પ્રતાપે નામ અને દામ મેળવી શકનારી બોલ્ડ અભિનેત્રી કુલદીપ કૌરની વાત કરીએ. જોગાનુજોગ ૭૫ વર્ષ પહેલા (૧૯૪૮) કુલદીપ કૌર પહેલીવાર દેવ આનંદ અને કામિની કૌશલની ‘ઝીદ્દી’માં સહાયક અભિનેત્રીના રોલમાં નજરે પડી. હિરોઈનનો રોલ પ્રથમ સાઈન કર્યો હતો એ ‘મુખડા’ ફિલ્મ અટવાઈ ગઈ અને કુલદીપ કૌર ‘અધર વુમન’ – અન્ય સ્ત્રીના રોલમાં ફિટ બેસી ગઈ. આ અન્ય સ્ત્રી મોટેભાગે વેમ્પના રોલમાં જોવા મળતી અને લાહોરથી પ્રાણસાબ સાથે મુંબઈ ભાગી આવેલી કુલદીપ કૌર હિન્દી ફિલ્મોમાં પ્રાણના નારી અવતાર તરીકે ઓળખાવા લાગી.
કુલદીપ કૌરનો જન્મ ૧૯૨૭માં લાહોરમાં એક સમૃદ્ધ શીખ પરિવારમાં થયો હતો. બે વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી, ૧૫ વર્ષની થઈ ત્યાં પરણાવી દેવાઈ અને ૧૬ વર્ષની ઉંમરે તો ખોળામાં બાળક રમતું થઈ ગયું એવી કુલદીપને ફિલ્મ લાઇનનું ઘેલું લાગ્યું હતું. કુલદીપને અભિનેતા પ્રાણ સાથે દોસ્તી હતી. એ સમયે પ્રાણના પગ જામી રહ્યા હતા, પણ દેશનું વિભાજન થતા પ્રાણ અને એમની સાથે કુલદીપ કૌર પણ મુંબઈ દોડી આવ્યા. વળી ત્યારે કલકત્તાની ન્યુ થિયેટર્સ ફિલ્મ કંપની પણ સંકેલાઈ રહી હતી અને મુંબઈની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મહત્ત્વ વધી ગયું હતું. બંને મુંબઈ તો હેમખેમ પહોંચી ગયા, પણ લાહોર ઉતાવળે છોડ્યું હોવાથી પ્રાણસાબની કાર લાહોરમાં જ રહી ગઈ. પ્રાણનો ચિંતિત ચહેરો જોઈ કુલદીપે કહી દીધું કે ‘ડોન્ટ વરી, બી હેપ્પી’ અને મુંબઈથી લાહોર પહોંચી ગઈ. પ્રાણ સાબની ગાડી તોફાનગ્રસ્ત વિસ્તારોથી ગભરાયા વિના લાહોરથી હંકારી મુંબઈ પહોંચાડી દીધી. આ કિસ્સો સઆદત હસન મન્ટોએ તેમના પુસ્તકમાં ટાંક્યો છે અને અહીં એ રજૂ કરવાનું કારણ એટલું જ કે એના પરથી કુલદીપના મિજાજનો ખ્યાલ આવે છે.
આજે તો કયા રોલમાં કયો કલાકાર ફિટ બેસશે એ કાસ્ટિંગ ડિરેક્ટરની પારખી નજર નક્કી કરે છે. એ સમયે નિર્માતા – દિગ્દર્શક કલાકારનું હીર પારખી લેતા. કામની શોધમાં નીકળેલી કુલદીપની મુલાકાત થઈ બોમ્બે ટોકીઝના સાવક વાચ્છા સાથે. મિસ્ટર વાચ્છા એટલે અશોક કુમાર-મધુબાલા લીડ રોલમાં અને ‘આયેગા આનેવાલા’ ગીત ધરાવતી ફિલ્મ ‘મહલ’ના નિર્માતા. કુલદીપનું મુખારવિંદ જોઈ વાચ્છા સાહેબે તેની સ્ક્રીન ટેસ્ટ લેવરાવી. ટેસ્ટનું પરિણામ આવ્યું કે આ છોકરી આક્રમક સ્વભાવની દેખાય છે અને એનો ચહેરો ભાવથી છલકાય છે. આવો ચહેરો ફિલ્મમાં હિરોઈન સિવાયની સ્ત્રીના રોલ (વેમ્પ અથવા નઠારી સ્ત્રી કે ઝઘડાળી નણંદ કે સાસુ વગેરે) માટે બંધબેસતો માનવામાં આવતો. પરિણામ એ આવ્યું કે બોમ્બે ટોકીઝની ‘ઝીદ્દી’માં સહાયક અભિનેત્રીનો રોલ મળી ગયો અને કુલદીપ કૌરની કારકિર્દીના શ્રી ગણેશ થયા. ત્યારબાદ અભિનેત્રી સ્વતંત્ર ભારતની પ્રથમ પંજાબી ફિલ્મ ‘ચમન’ અને ‘ગૃહસ્તી’ (૧૯૪૮ની, ૧૯૬૩ની જેમિની સ્ટુડિયોની નહીં)માં પણ ચમકી. બન્નેમાં પ્રાણસાબ પણ હતા. જોકે, કુલદીપનો દીપક પહેલી વાર ચમક્યો ફિલ્મ ‘કનીઝ’માં. આ ફિલ્મમાં કુલદીપનો રોલ શહેરી લાઈફસ્ટાઈલની સેક્સી મહિલાનો હતો જે પરિણીત યુગલના જીવનમાં ઝંઝાવાત ઊભો કરે છે. શ્રીમતી કૌરના પરફોર્મન્સની વાહ વાહ થઈ અને એ પ્રકારના રોલ માટે કુલદીપને પ્રાધાન્ય મળવા લાગ્યું. ત્યારબાદ એ સમયના ટોપ સ્ટાર અશોક કુમાર સાથેની બે સફળ ફિલ્મ ‘સમાધિ’ અને ‘અફસાના’ (બી. આર. ચોપડાની દિગ્દર્શક તરીકે પહેલી ફિલ્મ)ની સફળતાને પગલે કુલદીપ કૌર હિન્દી ફિલ્મોની નંબર વન વેમ્પ બની ગઈ. ૧૯૩૦ના દાયકામાં અને ૧૯૪૦ના પ્રારંભના વર્ષોમાં પારિવારિક ચિત્રપટમાં હીરોઇન સિવાયની એક્ટ્રેસ નણંદ – ભાભી કે સાસુ, અત્યાચારી મહિલાનું પાત્ર ભજવતી. કુલદીપ કૌરને મળેલી સફળતાને પગલે હિન્દી ફિલ્મોમાં વૈવાહિક જીવનમાં ‘અન્ય સ્ત્રી’નો પ્રવેશ થયો જેને વેમ્પનું નામ આપવામાં આવ્યું. આ ‘અન્ય સ્ત્રી’ મોટેભાગે દેખાવે અને વિચારસરણીમાં પશ્ર્ચિમી શૈલીની હતી અને ચહેરાના હાવભાવથી, માદક અવાજના આકર્ષક સંવાદથી કે પછી કોઈ ગીતથી પુરૂષને લલચાવવાનું કામ કરતી. બીજી તરફ હીરોઈન ગૃહિણી અને ‘પવિત્ર નારી’નું લેબલ ધરાવતી હતી. એ સમયમાં દુર્ગા ખોટે, નસીમ બાનો, સુરૈયા, મધુબાલા વગેરે વગેરે ‘પવિત્ર નારી’ના રોલ કરી રહી હતી જેને કારણે વેમ્પના રોલ માટે અભિનેત્રીની અછત હતી. એટલે કુલદીપ કૌર જેવી બિન્ધાસ્ત સ્વભાવની અને અભિનય પ્રતિભા ધરાવતી એક્ટ્રેસની વેમ્પના રોલ માટે ડિમાન્ડ વધે એ સ્વાભાવિક હતું.
અશોક કુમાર-નલિની જયવંતની ‘સમાધિ’ના ‘ગોરે ગોરે ઓ બાંકે છોરે, કભી મેરી ગલી આયા કરો’ લોકપ્રિય ગીતમાં
કુલદીપ કૌર નલિની જયવંત સાથે નૃત્ય કરતી નજરે પડે છે. ૭૩ વર્ષ પહેલા આ ગીતના શબ્દો બહુ બોલ્ડ ગણાયા હતા અને લતા મંગેશકરે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે આ ગીત ગાવા માટે તેમને ઠપકો મળ્યો હતો. ‘ગોરે ગોરે ઓ બાંકે છોરે કભી મેરી ગલી આયા કરો’ જેવા શબ્દોવાળું ગીત આપણાથી ન ગવાય એવી સામાજિક વિચારસરણી હતી એ સમયમાં છિનાળ સ્ત્રી કે એ પ્રકારના પાત્ર ભજવવા માટે કેવી હિંમત જોઈએ એની કલ્પના કરશો તો કુલદીપ કૌરના યોગદાનનો ખ્યાલ આવશે. સુરત નજીક આવેલા બારડોલીના ગુજરાતી દિગ્દર્શક નંદલાલ જસવંતલાલની ‘અનારકલી’માં કુલદીપ કૌરે બહારનો રોલ કર્યો હતો, જ્યારે કે. આસિફની ‘મુઘલ – એ – આઝમ’માં બહારનો રોલ નિગાર સુલતાનાએ કર્યો હતો. વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’ લોકોના સ્મરણપટ પર અંકાઈ ગઈ એના ગીત સંગીતને કારણે પણ ભારત ભૂષણ અને મીના કુમારી ઉપરાંત બૈજુને ઉઠાવી જતી ડાકુરાણીના રોલમાં કુલદીપ પ્રભાવ પાડવામાં સફળ રહી હતી. એના સમયની ટોચની હિરોઇનોને ટક્કર આપવામાં અભિનેત્રી સફળ રહી એ જેવીતેવી સિદ્ધિ તો નથી જ. ફિલ્મો સિવાય બહુ ઓછી ચર્ચા થઈ એવી કુલદીપ કૌર પર ૧૯૬૦માં પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો જે બેબુનિયાદ સાબિત થયો હતો.
કુલદીપ કૌરનું અવસાન તેની જાત પ્રત્યે બેદરકારીને કારણે થયું હોવાનો કિસ્સો ફિલ્મ ઈતિહાસના ચોપડે જમા છે. એ દર્શન કરવા જઈ રહી હતી ત્યારે અચાનક પગમાં લોખંડનો કટાયેલો ખીલો વાગ્યો. ખીલો કટાયેલો હોવા છતાં તરત ડૉક્ટર પાસે જવાને બદલે ધર્મસ્થાનક પર ગઈ. ઘરે પાછા ફરીને પણ ‘એ તો મટી જશે’ એવા ભ્રમમાં રહી ડૉક્ટરને બતાવવા ન ગઈ. બીજે દિવસે પગ સૂઝી ગયો અને ઈન્ફેક્શન થઈ ગયું. પછી ડૉક્ટર પાસે ગઈ પણ બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે ઇન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ ગયું હતું. ધનુર્વા થઈ ગયો અને ત્રીજી ફેબ્રુઆરી, ૧૯૬૦ના દિવસે તેનું અવસાન થયું.