રથયાત્રામાં વરસાદના વિઘ્નની ભીતિ: સૌરાષ્ટ્રના દરિયા કાંઠે 40 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, 11 બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

આપણું ગુજરાત

આગામી 1લી જુલાઈએ અષાઢી બીજાના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા રંગેચંગે નીકળવા જઈ રહી છે ત્યારે હવામન વિભાગે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી કરી છે. બે વર્ષ બાદ ભક્તો સાથે રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા છે. હવામાન વિભગે કરેલી આગાહી પ્રમાણે 30મી જૂનથી રાજ્યભરમાં વરસાદનું જોર વધશે.
હાલમાં રાજસ્થાન, અરબ સાગર તથા મધ્ય પ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના દરિયામાં લો-પ્રેશર સર્જાયું જેના કારણે દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના મત મુજબ આગામી દિવસોમાં પાવનની ગતિ વધવાની શક્યતા છે જેને લઈને ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. તંત્ર દ્વારા માછીમારોને 1લી જુલાઈ સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઇ છે. સહેલાણીઓને દરિયાથી દુર રાખવા તંત્રને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી જીલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ગુજરાતના મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચ બંદરો પર 3 નંબર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આગામી 5મી જુલાઇ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ઝાપટાંથી માંડી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.