એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની ધરપકડ સાથે જ પાકિસ્તાન ફરી સળગ્યું છે. ઈમરાનની ધરપકડ પછી શાહબાઝ શરીફની સરકારે આખા પાકિસ્તાનમાં કર્ફ્યૂ લાગુ કરીને લોકોના બહાર નિકળવા પર પ્રતિબંધ મૂકી દીધેલો પણ ઈમરાન ખાનના સમર્થકો કર્ફ્યૂની ઐસીતૈસી કરીને રસ્તા પર ઉતરી આવ્યા છે ને પાકિસ્તાનને ભડકે બાળી રહ્યા છે. ઈમરાનના સમર્થકોએ ઠેર-ઠેર તોડફોડ અને આગચંપી કરી છે. પેશાવરમાં તો એક રેડિયો સ્ટેશનના બિલ્ડિંગને આગ લગાવી દીધી જ્યારે રાવલપિંડીમાં પાકિસતાન આર્મીના હેડક્વાર્ટર પર હલ્લાબોલ કરીને તોફાન કરી નાખ્યું. ઈમરાનના સમર્થકોએ ડમી એરક્રાફ્ટને પણ આગ લગાવીને સળગાવી દીધું છે.
ઈમરાનના સમર્થકો પાકિસ્તાન આર્મી પર ગુસ્સો ઉતારી રહ્યા છે કેમ કે ઈમરાનની ધરપકડ આર્મીએ કરી છે, શાહબાઝ શરીફની સરકારે નહીં. શાહબાઝ શરીફની સરકારે પહેલાં પણ ઈમરાનની ધરપકડ કરવા પ્રયત્ન કરેલો પણ ઈમરાને પોતાના સમર્થકોનો ખડકલો કરીને ટોળાશાહીની તાકાત બતાવીને ધરપકડ ટાળી હતી. ઈમરાનની ધરપકડ કરવા ગયેલી પોલીસ બે વાર ઠાલા હાથે પાછી ફરી હતી.
આ વખતે આર્મી એક્શનમાં આવી તેમાં ઈમરાન જેલભેગા થઈ ગયા. ઈમરાન સામે હત્યાથી લઈને રાજ્યના વડા તરીકે પોતાને સત્તાવાર રીતે મળેલી ભેટોના વેચાણ દ્વારા નફો કરવા સુધીના ૧૪૦ કેસો નોંધાયેલા છે. આ કેસોમાં હાજર થવા કહેવાતું પણ ઈમરાન ખાન હાજર જ નહોતય થતા. ઈમરાન ખાને હાઈ કોર્ટ સાથત સેટિંગ કરતા ઈસ્લામાબાદ હાઈ કાર્ટે ઈમરાનના બે કેસમાં જામીન મંજૂર કરેલા. આર્મી ટાંપીને જ બેઠી હતી કે ઈમરાન પોતાના મહેલની બહાર નિકળે ને પકડીને અંદર કરી દઈએ. ઈમરાન ખાન ૨ કેસમાં જામીન માટે હાઈ કોર્ટ પહોંચ્યા એ સાથે જ આર્મીના જવાનો પહોંચી ગયા. મંગળવારે બપોરે લગભગ ૩ વાગ્યે ઈસ્લામાબાદ હાઈ કોર્ટમાં બેઠા હતા ને તેમની ધરપકડ કરવામાં આવી. પાકિસ્તાની રેન્જર્સે તેમની ધરપકડ કરી અને કાંઠલો ઝાલીને ઉઠાવી જઈને જેલભેગા કરી દીધા.
હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે ઈમરાનની ધરપકડને રોકવા બહુ ધમપછાડા કરી જોયા પણ પાકિસ્તાનમાં આર્મી સામે કોઈનું કંઈ ચાલતું નથી. ચીફ જસ્ટિસે આર્મીના જવાનો ઈમરાનને ઉઠાવી ગયા પછી પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના સચિવ અને ઈસ્લામાબાદના પોલીસ વડાને ૧૫ મિનિટમાં જ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ફારુકે ધમકી આપેલી કે, પોલીસ વડા કોર્ટમાં હાજર નહીં થાય તો અમે પાકિસ્તાનના વડા પ્રધાનને અહીં બોલાવીશું. આ લોકોએ કોર્ટમાં આવીને જણાવવું જોઈએ કે, કયા કેસમાં અને શા માટે ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે?
ગૃહ સચિવ અને ઈસ્લામાબાદના પોલીસ ચીફ તો ના આવ્યા પણ આર્મીનો મેસેજ આવી ગયો તેમાં ચીફ જસ્ટિસ ઢીલાઢફ થઈ ગયા. ઈસ્લામાબાદ હાઇ કોર્ટે નીચી મૂંડીએ ઈમરાન ખાનની ધરપકડને યોગ્ય ઠેરવી પડી ને એ રીતે કાનૂની રાહે જ ઈમરાન ખાન જેલભેગા થઈ ગયા છે. હાઈ કોર્ટે ઈમરાનની ધરપકડને યોગ્ય ઠેરવી એ પછી ઈસ્લામાબાદના પોલીસ વડા અકબર ખાને માહિતી આપી કે, અલ-કાદિર ટ્રસ્ટ કૌભાંડ કેસમાં ઈમરાનની ધરપકડ કરવામાં આવી છે. અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડ ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમનું છે અને ઈમરાન અને તેની પત્ની બુશરા બીબીએ આ રકમ ઘરભેગી કરી દીધી છે.
ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા એમ બે જ વ્યક્તિ અલ-કાદિર યુનિવર્સિટીમાં ટ્રસ્ટી છે. ૯૦ કરોડ રૂપિયા ખર્ચે ૨૦૧૭માં બનાવાયેલી આ યુનિવર્સિટીમાં ૬ વર્ષમાં માત્ર ૩૨ વિદ્યાર્થીનું એડમિશન થયું છે. ઈમરાને વડા પ્રધાન તરીકે આ યુનિવર્સિટીને કરોડો રૂપિયાની જમીન ગેરકાયદેસર રીતે ખૈરાત કરી દીધી હતી. આ જમીનો પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝની હતી. રિયાઝે આક્ષેપ કર્યો છે કે, ઈમરાન અને તે પત્ની બુશરા બીબીએ ધરપકડની બીક બતાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. રિયાઝ અને તેની પુત્રીની વાતચીતનો ઓડિયો પણ બહાર આવ્યો હતો. રિયાઝની પુત્રી તેના પિતાને કહે છે કે, ઈમરાનની પત્ની બુશરા બીબી સતત પોતાની પાસે પાંચ કેરેટની હીરાની વીંટી માગી રહ્યાં છે. રિયાઝે દીકરીને પાંચ કેરેટની વીંટી આપી દેવા કહ્યું હતું. ઈમરાન સામે બીજા પણ પુરાવા બહાર આવ્યા હતા ને તેના કારણે ૪ કેસ એવા હતા કે જેમાં તેની ધરપકડ નિશ્ર્ચિત મનાતી હતી. આ જ કારણે ઈમરાન ખાન કોઈ પણ કેસમાં કોર્ટમાં હાજર થતા નહોતા તેથી છેવટે આર્મીનો સહારો લઈને ઈમરાનને જેલભેગા કરી દેવાયા છે.
ઈમરાનની ધરપકડે ભારત અને પાકિસ્તાનમાં શું ફરક છે એ સ્પષ્ટ કર્યું છે. ભારતમાં કાયદાનું રાજ છે ને કાયદાનું પાલન કરાવવા લશ્કરે દખલ કરવી પડતી નથી. આપણા નેતા હરામી છે ખરા ને કાયદાના સકંજામાં ફસાય ત્યારે રાજકીય કારણોસર થયું હોવાના આક્ષેપો કરે છે પણ ટોળાશાહીનો ઉપયોગ કરીને કાયદાનો અમલ કરવા આડે અવરોધો ઊભા કરતા નથી. એ લોકો કાનૂની રાહે જ પોતાના બચાવ કરે છે, કાયદાને હાસ્યાસાપદ નથી બનાવી દેતા. પોલીસ કે કોર્ટ પોતાનું કામ બરાબર ના કરે એ અલગ વાત છે પણ કાયદાનું પાલન થાય છે. પાકિસ્તાનમાં તો ઈમરાન સમર્થકોનો ખડકલો કરીને પોતાની ધરપકડ જ થવા નહોતો દેતો. તેના કારણે આર્મીએ મેદાનમાં આવવું પડ્યું.
પાકિસ્તાનમાં આર્મીનો ખોફ કેવો છે એ પણ આ ઘટનાએ સ્પષ્ટ કર્યું છે. ઈમરાનના હમદર્દ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસે ફૂંફાડો મારીને પૂછી તો લીધું કે, ઈમરાનની શા માટે અને ક્યા કેસમાં ધરપકડ કરવામાં આવી છે પણ પછી ઠરી ગયા.
ઈમરાનની ધરપકડ પછી ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ આક્ષેપ મૂક્યો કે, ઈમરાન ખાનને મારવામાં આવી રહ્યા છે. પીટીઆઈએ ઈમરાનના વકીલનો લોહીલુહાણ પડેલો વીડિયો પણ પોસ્ટ કર્યો પણ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીનો કોઈ નેતા વિરોધ પ્રદર્શનમાં બહાર નથી આવ્યો. પીટીઆઈમાં નંબર ટુ મનાતા શાહ મેહમૂદ કુરેશીએ પીટીઆઈ સમર્થકોને ઈમરાનની મુક્તિ માટે શેરીઓમાં ઉતરવા હાકલ કરી પણ પોતે ઘરની બહાર ના નિકળ્યા કેમ કે આર્મી ગોળી મારીને પતાવી દે તેનો ડર છે. પાકિસ્તાનમાં આર્મીને કોઈ કશું કરી શકે તેમ નથી તેની ખબર છે એટલે જ લોકોને આગળ કરી દેવાયા છે.