Homeમેટિનીએક ટાઇટલવાળી અલગ અલગ ફિલ્મોમાં દેખાયા પિતા-પુત્ર

એક ટાઇટલવાળી અલગ અલગ ફિલ્મોમાં દેખાયા પિતા-પુત્ર

અમિત આચાર્ય

મુંબઇ: દુનિયાભરની ફિલ્મજગતમાં જોવા મળ્યું છે કે જ્યારે એક ફિલ્મ હિટ થઇ જાય છે અને પ્રક્ષકોનો પણ સારો પ્રતિસાદ જોવા મળે છે, એને કેટલાક સમય બાદ એ જ નામથી અલગ વાર્તા લઇને ફિલ્મમેકર નવી ફિલ્મ બનાવે છે. તેમને આશા હોય છે કે પ્રથમ ફિલ્મની જેમ જ આ ફિલ્મ પણ હીટ થઇ જશે. ક્યારેક ક્યારેક આ તરકીબ કામ કરે છે અને ક્યારેક નથી પણ કરતી. રસપ્રદ વાત એ છે કે એવી જ એક સરખા નામવાળી અલગ-અલગ ફિલ્મોમાં બોલીવૂડના અભિનેતા પિતા-પુત્રની જોડીઓએ કામ કર્યું છે. જેમાં રાજકપૂર-ૠષિ કપૂરથી લઇને અમિતાભ-અભિષેક સામિલ છે.
——-
રાજ કપૂર-રિશી કપૂર
રિશી કપૂરે પોતાની અભિનય કરિયરની શરૂઆત રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’થી કરી હતી, જે ૧૯૭૦માં રજૂ થઇ હતી. જેમાં તેમણે રાજકપૂરના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ૧૯૫૦માં પી. એલ. સંતોષીના દિગ્દર્શનમાં બનેલી રોમોન્ટિક ડ્રામા ફિલ્મ ‘સરગમ’માં રાજ કપૂર અભિનેત્રી રેહાનાની સાથે દેખાયા હતા. એના ઓગણત્રીસ વર્ષ પછી ૧૯૭૯માં એ જ ટાઇટલ સાથે ફિલ્મ બની હતી જેમાં રિશી કપૂર અને જયાપ્રદાએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જે સુપરડુપર હીટ રહી હતી. જેમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતનો પણ અહમ ફાળો હતો.
——
સુનીલ દત્ત-સંજય દત્ત

સુનીલ દત્ત અને સંજય દત્તે એક નહીં પણ એક જ ટાઇટલવાળી ત્રણ-ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. સુનિલ દત્તની ૧૯૬૩માં ‘ગુમરાહ’ નામની ફિલ્મ રજૂ થઇ હતી.
એમાં સુનિલ દત્તની સાથે માલા સિંહા અભિનેત્રી તરીકે હતાં. એના ત્રીસ વર્ષ પછી ૧૯૯૩માં એ જ ટાઇટલથી ફિલ્મ રિલિઝ થઇ હતી. જેમાં સંજય દત્તની સાથે અભિનેત્રી શ્રીદેવી હતી.
૧૯૭૨માં સુનિલ દત્તની એક્શન ડ્રામા ફિલ્મ ‘જમીન આસમાં’ રજૂ થઇ હતી. આ ફિલ્મમાં તે રેખા અને યોગિતા બાલી સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મના રિલીઝના બાર વર્ષ બાદ ૧૯૮૪માં સંજય દત્તની ફિલ્મ આવી હતી.
એનું નામ પણ ‘જમીન આસમાં’ હતું. જેમાં સંજય દત્તની સાથે અનીતા રાજ, શશી કપૂર, રેખા, રાખી જેવા ધૂરંધર કલાકારો હતા. ૧૯૭૬માં રાજ ખોસલાની ફિલ્મ ‘નેહલે પે દહલા’ આવી હતી.
જેમાં સુનિલ દત્તની સાથે સાયરા બાનો અને વિનોદ ખન્ના હતા. જ્યારે સંજય દત્ત અભિનીત અજય ચંડોકની ૨૦૦૭ની એક્શન, કોમેડી ડ્રામાવાળી ફિલ્મ ‘નેહલે પે દહલા’માં સહ-અભિનેતા સૈફઅલી ખાન સાથે જોવા મળ્યા હતાં.
——-
અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચન ૧૯૮૦માં રજૂ થયેલી એક્શન ડ્રામા ફિલ્મ ‘દોસ્તાના’માં શત્રુઘ્ન સિન્હા અને ઝિન્નત અમાન સાથે અભિનય કરતા જોવા મળ્યા હતા, જ્યારે અભિષેક બચ્ચને આ જ ટાઇટલવાળી રોમેન્ટિક કોમેડી જોનરવાળી ફિલ્મ ‘દોસ્તાના’ કરી હતી. જે ૨૦૦૮માં રજૂ થઇ હતી. જેમાં તેની સાથે જોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા સહકલાકાર હતા.
———-
જિતેન્દ્ર-તુષાર કપૂર
જમ્પિંગ જેક જિતેન્દ્રએ ૬૦થી ૮૦ના દશક સુધી બોલીવૂડ પર રાજ કર્યું હતું. જ્યારે એના દીકરા તુષાર કપૂરને લોકો ‘ગોલમાલ’ સિરિઝથી ઓળખે છે. વર્ષ ૧૯૮૨માં જિતેન્દ્રએ વિનોદ ખન્ના અને રીના રોય અભિનીત નરેન્દ્ર બેદીની એક્શન ડ્રામા ફિલ્મ ‘ઇન્સાન’ કરી હતી. વર્ષ ૨૦૦૫માં એ જ ટાઇટલવાળી કે. સુભાષની મલ્ટિસ્ટારર ફિલ્મ ‘ઇન્સાન’માં અજય દેવગન, અક્ષય કુમાર સાથે તુષાર કપૂર અભિનય કરતો જોવા મળ્યો હતો.
——
ધર્મેન્દ્ર-સન્ની દેઓલ
ધર્મેન્દ્રએ ૧૯૭૮માં બાસુ ચેટરજીની રોમેન્ટિક કોમેડી ડ્રામા ‘દિલ્લગી’ ફિલ્મમાં હેમા માલિની સાથે અભિનય કર્યો હતો. જ્યારે એના દીકરા સન્ની દેઓલ અને બોબી દેઓલે ૧૯૯૯ની રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ ‘દિલ્લગી’માં અભિનય કર્યો હતો. આમાં એક અપવાદ પણ છે કે બેટાએ કરેલી ફિલ્મના ટાઇટલવાળી ફિલ્મ બાપે કરી હોય. જેમ કે ૧૯૮૭માં સન્ની દેઓલે મીનાક્ષી શેષાદ્રી સાથે ફિલ્મ ‘ડકૈટ‘માં કામ કર્યું હતું. એના તેર વર્ષ બાદ ધર્મેન્દ્રની એ જ ટાઇટલવાળી ફિલ્મ રજૂ થઇ હતી, જેના દિગ્દર્શક જિતેન્દ્ર ચાવડા હતા.

 

 

RELATED ARTICLES

Most Popular