Homeમેટિનીસસરા - જમાઈની અનોખી અગિયારસ

સસરા – જમાઈની અનોખી અગિયારસ

કેલેન્ડર વર્ષમાં એક જ અભિનેતાની દસ ફિલ્મ રિલીઝ થઈ હોય એવા કિસ્સામાં રાજેશ ખન્ના અને અક્ષય કુમાર ૧૧ ફિલ્મ સાથે અલાયદી જોડી તરીકે નજરે પડે છે

હેન્રી શાસ્ત્રી

એક વર્ષમાં કોઈ અભિનેત્રીની પાંચ કે એનાથી વધુ ફિલ્મ રિલીઝ થાય તો નવાઈ જરૂર લાગે, આંખો થોડી પહોળી થઈ જાય. જોકે, એક વર્ષમાં અભિનેતા પાંચથી વધુ ફિલ્મોમાં જોવા મળ્યો હોય એવા અનેક ઉદાહરણ છે. આજે આપણે કેટલાક અભિનેતાની એક કેલેન્ડર વર્ષમાં પ્રદર્શિત થયેલી સંખ્યાની દ્રષ્ટિએ તગડી ગણાય એવી ફિલ્મો પર નજર નાખીએ.
રાજેશ ખન્ના: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ સુપરસ્ટારના નામના સિક્કા પડતા હતા ત્યારે ૧૯૭૨માં તેમની ૧૧ ફિલ્મ રિલીઝ થઈ હતી. ૧૯૬૯થી ૧૯૭૧ દરમિયાન લાગલગાટ ૧૫ સોલો હિટ ફિલ્મ આપનાર કાકા (હુલામણું નામ)ની ૧૯૭૨ની ફિલ્મો હતી દુશ્મન, બદનામ ફરિશ્તે, અમર પ્રેમ, બાવર્ચી, જોરૂ કા ગુલામ, અનુરાગ, શેહઝાદા, મેરે જીવનસાથી, માલિક, દિલ દૌલત દુનિયા અને અપના દેશ. તેમની હિરોઈનોમાં તરુણ અભિનેત્રી જયા ભાદુરી હતી તો બીજી તરફ વયસ્ક એક્ટ્રેસ મીના કુમારી પણ હતાં. મોટાભાગની ફિલ્મો સફળ સાબિત થઈ હતી અને અમર પ્રેમ, અપના દેશ તેમજ મેરે જીવનસાથી સુપરહિટ રહી હતી.
અક્ષય કુમાર: સસરા સાથે જમાઈએ ખભો મિલાવ્યો બાવીસ વર્ષ પછી. અલબત્ત અક્ષય કુમારે ટિવંકલ ખન્ના સાથે લગ્ન ૨૦૦૧માં કર્યા પણ ૧૯૯૪માં ખિલાડી કુમારે સુધ્ધાં ૧૧ ફિલ્મનું નજરાણું પેશ કર્યું હતું. આ અનોખી અગિયારસમાં એલાન, યે દિલ્લગી, જય કિશન, મોહરા, મૈં ખિલાડી તુ અનાડી, ઈકકે પે ઇક્કા, અમાનત, સુહાગ, જખ્મી દિલ, ઝાલિમ અને હમ હૈ બેમિસાલનો સમાવેશ છે. આ યાદીમાંથી રવીના ટંડન સાથેની મોહરા બ્લોકબસ્ટર હતી જ્યારે બાકીની ફિલ્મોના લેખાંજોખાં કહીં ખુશી કહીં ગમ જેવા હતા.
જીતેન્દ્ર: રાજેશ ખન્નાની સફળતાની આંધી અને પછી બચ્ચનની બોલબાલાના સમયમાં જમ્પિંગ જેક તરીકે ઓળખ મેળવનાર અભિનેતા જીતેન્દ્રનું આસન હાલકડોલક નહોતું થયું. કાકાનો જ કક્કો ખરો ગણાતો એ ૧૯૭૨ની સાલમાં જીતુભાઈ ૧૦ ફિલ્મમાં નજરે પડ્યા. જોકે, એક વાતની ખાસ નોંધવી જોઈએ કે આ દસમાંથી બે ફિલ્મ ‘ચોરી ચોરી’ અને ‘ગરમ મસાલા’માં તેમની ભૂમિકા મહેમાન કલાકાર જેવી અલપઝલપ હતી. મનમોહન દેસાઈની ‘ભાઈ હો તો ઐસા’માં અભિનય કર્યો તો બીજી તરફ ગુલઝારની ‘પરિચય’માં ઋજુ સ્વભાવના શિક્ષકના રોલમાં પ્રભાવ પાડ્યો. સી. વી. શ્રીધરની ‘ગેહરી ચાલ’માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યા.
અમિતાભ બચ્ચન: બિગ બી જ્યારે સ્મોલ બી હતા એ ‘ઝંઝીર’ પહેલાના સમયમાં એટલે કે ૧૯૭૨માં બચ્ચન સાબની નવ ફિલ્મ રિલીઝ થઈ હોવાની નોંધ છે. અલબત્ત આ ફિલ્મોમાં સ્પેશ્યલ અપીયરન્સ અને વોઇસ ઓવર ચિત્રપટનો સમાવેશ છે એ હકીકત નોંધવી જોઈએ. બાકીની ‘એક નઝર’, ‘બંસી બિરજુ’ અને ‘રાસ્તે કા પત્થર’ જેવી ફિલ્મો ફ્લોપ થઈ હતી અને એસ. રામનાથનની ‘બોમ્બે ટુ ગોવા’ને ઠીક ઠીક સફળતા મળી હતી અને આજે પણ સીને પ્રેમીઓના સ્મરણમાં સચવાઈને પડી છે.
ધર્મેન્દ્ર: ૧૯૭૦ના દાયકાની હિન્દી ફિલ્મોના હિસાબ કિતાબ તપાસતી વખતે રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનના નામ પહેલા લેવામાં આવે છે. જોકે, હકીકત એ છે કે ૧૯૬૦માં ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી શરૂઆત કરનાર ધરમ પ્રાજીને આ દાયકામાં જ્વલંત સફળતા મળી હતી. ગયા અઠવાડિયે આ કોલમમાં આપણે જાણ્યું કે ૧૯૭૩માં ‘ઝંઝીર’થી અમિતજીનો સૂર્ય તેજસ્વી બની ગયો, પણ એ વર્ષે સૌથી વધુ સફળતા ધરમજીએ મેળવી હતી. ૧૯૭૭માં ધર્મેન્દ્રની એક ડઝન (૧૨) ફિલ્મ આવી હતી. તેમાંથી મોટા ભાગની સફળ સાબિત થઈ હતી ‘ડ્રિમ ગર્લ’, ‘ધરમ વીર’ અને ‘ચાચા ભતીજા’નો બોક્સ ઓફિસ પર જબરો ખણખણાટ સાંભળવા મળ્યો. સાથે સાથે ગુલઝારની ‘કિનારા’માં તેમનો સ્પેશિયલ અપીયરન્સ દર્શકોના હૃદયમાં જડાઈ ગયો.
મિથુન ચક્રવર્તી અને ગોવિંદા: માત્ર સંખ્યાની ગણતરી કરવા બેસીએ તો કારકિર્દીના પ્રારંભમાં જ એક્ટિંગ માટે નેશનલ ઍવોર્ડ મેળવનાર બંગાળી બાબુ મિથુન ચક્રવર્તીની ૧૫ ફિલ્મ ૧૯૮૬માં રિલીઝ થઈ હતી. જોકે, તેમાંથી સમ ખાવા પૂરતી એક ફિલ્મ સુધ્ધાં જોઈ હશે તો પણ ફિલ્મ રસિયાઓને યાદ નહીં હોય. ‘કરદાતા’, ‘પ્યાર કે દો પલ’. ‘અવિનાશ’ … નામ પણ નહીં સાંભળ્યા હોય. તેમ છતાં ૧૫ ફિલ્મ રિલીઝ થવાની સિદ્ધિને અવગણી ન શકાય. ૧૯૮૬માં ‘ઇલ્ઝામ’ અને ‘લવ ૮૬’થી આગમન કરનાર વિરાર કા છોકરાના લાડકા નામથી જાણીતા થયેલા ડાન્સિંગ સ્ટાર ગોવિંદાની પણ મિથુનદાની જેમ ૧૫ ફિલ્મ રજૂ થઈ હતી. જોકે, બંગાળી બાબુની સરખામણીમાં વિરારના છોકરાનો હિસાબ ઉજળો હતો. ‘દો કૈદી’ હિટ હતી તો ડેવિડ ધવન સાથેની પહેલી ફિલ્મ ‘તાકતવર’ને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી હતી. આ જોડીએ પછી ઘણી હિટ ફિલ્મો આપી.
અજય દેવગન: ‘ફૂલ ઔર કાંટે’ (૧૯૯૧)થી ધમાકેદાર આગમન કરી પહેલી જ ફિલ્મમાં ઍવોર્ડ મેળવનાર અજય દેવગનની કારકિર્દી બહુ જલદી પાટે ચડી ગઈ હતી. ૧૯૯૩માં અજયની આઠ ફિલ્મ અને ઓળખ બની ગયા પછી ૧૯૯૯માં તેની સાત ફિલ્મ રિલીઝ થઈ હતી. ૧૯૯૩ની તો એક ફિલ્મ સુધ્ધાં દર્શકને યાદ નહીં હોય અને અજય સુધ્ધાં ભૂલી જવા માંગતો હશે, પણ ૧૯૯૯માં તેની ‘હમ દિલ દે ચુકે સનમ’, ‘કચ્ચે ધાગે’ અને ‘હોગી પ્યાર કી જીત’ના નિર્માતાના બેન્ક બેલેન્સમાં વધારો થયો હતો.
——-
પ્રેમ નઝીર: એક વર્ષમાં ૩૦ ફિલ્મ
એકવીસમી સદીના બીજા દાયકામાં મુખ્યત્વે હિન્દી ફિલ્મ જોતા દર્શકો માટે સાઉથના સ્ટારની નવાઈ નથી રહી. રામ ચરણ, એનટીઆર જુનિયર કે અલ્લુ અર્જુનની જાણકારી આજની તારીખમાં સમગ્ર ભારતમાં છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
જોકે, મુખ્યત્વે મલયાલમ ફિલ્મોમાં કામ કરી અસાધારણ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા પ્રેમ નઝીર વિશે હિન્દી ફિલ્મના રસિયાઓને વિશેષ જાણકારી હોવાની સંભાવના ઓછી છે. છેક ૧૯૫૨માં ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર સાઉથના આ અભિનેતાના નામ સાથે દંગ રહી જવાય એવા વિક્રમો બોલે છે.
એક જ વર્ષમાં પ્રેમ નઝીરની ૩૦ ફિલ્મો રિલીઝ થઈ હોય એવું બે વાર બન્યું હતું. પહેલા ૧૯૭૩માં અને પછી ૧૯૭૭માં. વચ્ચે ૧૯૭૪ – ૭૫ – ૭૬ માં પ્રત્યેક વર્ષે તેમની બે ડઝનથી વધુ ફિલ્મો પ્રદર્શિત થઈ હતી જે સુધ્ધાં એક વિક્રમ છે.
ઐતિહાસિક અને પૌરાણિક ફિલ્મોથી અફાટ લોકપ્રિયતા મેળવનાર પ્રેમ નઝીરની બીજી એક રસપ્રદ વાત એ છે કે તેમણે એક જ હીરોઈન શીલા સાથે ૧૩૦ ફિલ્મમાં લીડ રોલ કર્યા હતા. અન્ય એક મજેદાર વાત એ પણ છે કે ૫૨૦ ફિલ્મમાં લીડ રોલ કરનાર આ અભિનેતાએ લગભગ ચાર દાયકાની સફરમાં ૮૦ હીરોઈન સાથે કામ કર્યું છે. ૧૯૨૬માં જન્મેલા આ વિક્રમી અભિનેતાનું ૧૯૮૯માં ૬૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular