સાસરે તો દહાડી ને મહિયરે તો વાડી

ઉત્સવ

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

વખત બહુ બદલાઈ ગયો છે. પરણ્યા પછી લંચ સાસરે તો ડિનર પિયરમાં એ બહુ આસાન હોય છે. એક જ ગામમાં પિયર અને સાસરું ન હોવું જોઈએ એ માન્યતા નેવે મુકાઈ ગઈ છે. એક સમય હતો જ્યારે દીકરી પરગામ વળાવવામાં આવતી. ઘડિયા લગ્ન લેવાઈ ગયા પછી ‘હવે આ જ તારું સાચું ઘર’ એવી શિખામણ મા તરફથી દીકરીને અચૂક આપવામાં આવતી. અલબત્ત લગ્ન પહેલાનું ‘ઘર ખોટું’ હતું એવો અર્થ તારવવાની ઉતાવળ નહીં કરતા. હવે પછી સાસરિયાને પણ વહાલું કરીને જીવવાનું છે એવો એનો ભાવાર્થ હતો. સાસુ – વહુની અનેક કહેવતો છે એમ પિયર – સાસરિયાની પણ મજેદાર કહેવત છે તેની એક ઝલક આજે આપણે જોઈએ. લગ્ન થયા પછી ક્ધયા વિદાય વખતે સૌથી લાગણીશીલ અવસ્થા ક્ધયાની હોય છે. એક ઘર જ્યાં શૈશવકાળ મોજશોખથી વિતાવ્યો એ છોડી યૌવનનો વસવાટ બીજા ઘરે કરવાની કલ્પના હરખ – શોક ને મિશ્ર લાગણી જન્માવે છે. પિયર અને સાસરા વચ્ચે ભૌગોલિક અંતર ઝાઝું હતું એ સમયની કહેવત છે કે સાસરે તો દહાડી ને મહિયરે તો વાડી. જૂજ શબ્દોમાં કેવી લાગણી વણાઈ ગઈ છે એ જોવાનું છે. સાસરે તો દહાડી એટલે રોજેરોજની વાત થઈ અને મહિયરે તો વાડી એટલે મોજમજા કરવા વાડીએ તો ક્યારેક જ જવાનું હોય એ એનો સૂચિતાર્થ છે. પરણ્યા પછી પિયર જવાનો પ્રસંગ વર્ષેદહાડે એક વાર આવતો એ સમયની આ વાત છે. અસલના વખતમાં માનપાન જાળવવાની વાતને વિશેષ મહત્ત્વ આપવામાં આવતું હતું. એના સંદર્ભમાં કહેવત છે કે સાસરીનું માન સાળીએ, જમણનું માન થાળીએ, ગાયનનું માન તાળી અને મોઢાનું મન વાળીએ. સામાન્ય શબ્દોમાં જીવનની ફિલસૂફી કહેવાઈ ગઈ છે. લગ્ન પછી જમાઈ સાસરે આવે ત્યારે પત્નીની બહેન એટલે કે સાળી કેટલા માનપાન આપે છે એ બહુ મહત્ત્વનું ગણાય છે, કારણ કે પરણીને પિયર આવ્યા પછી પોતાનો અનુભવ દીકરી પહેલા પોતાની બહેનને કહેતી હોય છે. જમણનું માન થાળીએ એટલે વાનગીના ઠાઠમાઠ વ્યક્તિનો રૂઆબ નક્કી કરે છે. શ્રોતાને જો ગાયન ગમી જાય તો તાળીઓના ગડગડાટથી એને વધાવી લે છે અને મોઢામાંથી નીકળતી શબ્દો પાછા વાળી નથી શકાતા. મતલબ સંભાળીને બોલવું એવો એનો ભાવાર્થ છે. દીકરી પરણીને સાસરે જાય એટલે બીજા ઘરની પુત્રવધૂ બની જતી હોય છે. પિયરમાં રહી આનંદ કર્યો હોય એવા જ આનંદ સાસરે કરવાના પણ ઓરતા દરેક સ્ત્રીને હોય એ સ્વાભાવિક છે. ઘણી દીકરી પુત્રવધૂ બન્યા પછી નવા ઘરમાં એવી હળી મળી જાય છે કે સમય જતાં લોકો કહેવા લાગે કે આ તો સાસુને ટપી જાય એવી છે. એ સંદર્ભની કહેવત છે સાસુ કરતા વહુ વડી, ઘર ધરી ને ઊંબર ચડી. ટૂંકમાં કહીએ તો સાસરે આવીને વહુએ વટ જમાવી દીધો. સાસરું અને પિયર નજીક નજીક હોય એ પુત્રવધૂના સાસુને ગમે નહીં પણ પરણેલી દીકરી હરખાઈ જાય એ વાતમાં મીનમેખ નહીં. સાસર પિયર પાસે પાસે, તે નારી રહે આનંદ વાસે કહેવતમાં એ લાગણી ઊડીને આંખે વળગે છે. કેટલાક લોકોના સ્વભાવ જ એવા હોય છે કે તેમને ક્યાંય સુખચેન નથી લાગતા. કશુંક વાંકું પડ્યા જ કરે. આવા સ્વભાવની ક્ધયા માટે કહેવત છે કે
સાસરે સંપ નહિ અને પિયર જંપ નહીં. મતલબ કે કોઈ જગ્યાએ સુખની લાગણી થાય નહીં.
———-
INTERNATIONAL IDIOMS

વિશ્ર્વના અનેક દેશોની પોતીકી ભાષા છે અને અનેક ઠેકાણે માતૃભાષાના ચલણને મહત્ત્વ આપી એનો આગ્રહ રાખવામાં આવે છે. અલબત્ત અંગ્રેજી વિશ્ર્વની ભાષા છે અને એટલે એનો વપરાશ અનેક ઠેકાણે અનિવાર્ય બની ગયો છે. આજે આપણે કેટલાક દેશની કહેવતોના અંગ્રેજી સ્વરૂપનો અભ્યાસ કરી એ માણવાનો પ્રયાસ કરીએ.Stop Ironing My Head સોવિયેત સંઘમાંથી છૂટા પડેલા આર્મેનિયાની કહેવત છે. શબ્દાર્થ હાસ્યાસ્પદ લાગી શકે છે, પણ એનો ભાવાર્થ છે પ્લીઝ મારું માથું ન ખાવ કે મારી સાથે ખોટી મગજમારી ન કરો. આ કહેવત ટર્કીશ ભાષામાં એ જ ભાવાર્થ સાથે Don’t iron my head તરીકે લોકપ્રિય છે. Are You Still Riding the Goat? Cheyenne શાયાન ભાષાની આ કહેવત યુગલના અંગત જીવનમાં ડોકિયું કરે છે. તમે પતિ કે પત્નીથી છૂટા થઈ ગયા છો એવો એનો ભાવાર્થ છે. સીધું પૂછવું અણછાજતું લાગતું હશે એટલે ભાષા પ્રયોગ દ્વારા આ રસ્તો કાઢી બિચારી બકરીને સામેલ કરી દીધી હશે. શાયાનને રેડ ઈન્ડિયન અમેરિકન સાથે નાતો હોય છે.God bless you and may your Mustache grow like Brushwood. છીંક આવે ત્યારેGod Bless You કહેવાની પ્રથા તમે જાણતા હશો. જોકે, પૂર્વ એશિયાના દેશ મોંગોલિયાના લોકો શુભ આશિષનો વિસ્તાર કરી વ્યક્તિની મૂછનું પણ હિત ઈચ્છે છે. અહીં સવાલ થાય છે કે સ્ત્રીઓને છીંક આવે તો શું કહેવાતું હશે? મૂછને બદલે માથાના વાળની વાત હશે કે પછી છીંક આવે ત્યારે સ્ત્રીનું ઈષ્ટ ઈચ્છવામાં જ નહીં આવતું હોય. આ કહેવત વાંચી તમને મજાકમાં કહેવાતી ગુજરાતી કહેવત ‘ભગવાન સૌનું ભલું કરે ને શરૂઆત મારાથી કરે’ યાદ આવી હશે. Have the Cockroach ફ્રેન્ચ કહેવત છે. કોઈ વ્યક્તિ નિરાશ થઈ ગઈ હોય કે એને ઉદાસી ઘેરી વળી હોય ત્યારે અંગ્રેજીમાં Have the Blues પ્રયોગ વપરાય છે. ફ્રેન્ચમાં બ્લૂઝની જગ્યાએ કોકરોચ શબ્દ વાપરવામાં આવે છે. Inflate a Cow ચીની ભાષાનો રૂઢિપ્રયોગ છે જેનો અર્થ વાત હોય એના કરતા વધારીને કહેવી. A Dog in the Church ઈટાલિયન કહેવત છે જે અણગમતા મહેમાન માટે વપરાય છે. શ્ર્વાન માનવીનો શ્રેષ્ઠ મિત્ર કહેવાય છે એ સાચું, પણ ધર્મસ્થાનકોમાં એ દોસ્તી નિભાવવી ન જોઈએ એવું આ કહેવત સૂચવે છે.
———-
पंजाबी कहावतें

હિન્દી ફિલ્મોના ગીત – સંગીતને કારણે પંજાબી ભાષાની લાક્ષણિકતા અનેક ઠેકાણે પહોંચી છે. पूरा लंदन ठुमक दा કે પછી काला चश्मा એવા ઉદાહરણ છે જે આજની અને ગઈકાલની એમ બંને પેઢી જાણે છે અને એના પર ઝુમવું ગમે છે. આજે આપણે પંજાબી કહેવતો જાણીએ અને સમજીએ. જીવનમાં પાર્ટી – શાર્ટીને પ્રાધાન્ય આપી આનંદ હી આનંદ કરવામાં પંજાબી લોકો માને છે. घ्रिग उन्हांना जीवणा, जिन्हाँ परायी आस. तर ओ सूर्या, आपणी बाई કહેવતમાં જીવનનો સાર સમાયેલો છે. ધિક્કાર છે એ જીવનને જે પારકી આસ પર મદાર બાંધીને જીવાય છે. સૂર્યા એટલે શૂરવીર એ વ્યક્તિ છે જે પોતાના બાહુબળ પર, પોતાના કર્મોના જોરે જીવનમાં આગળ વધી ફતેહ મેળવવામાં વિશ્ર્વાસ રાખે છે. આ જ ભાવનાને આગળ વધારતી કહેવત છે पर अधीन सपणे सुख नहीं.મતલબ કે પરાધીન થઈ, બીજાના જોરે સપના જોવાનો કોઈ અર્થ નથી, કારણ કે એ સાકાર નથી થતા. જો થાય તો ઝાઝો આનંદ નથી આપી શકતા. ગુજરાતીમાં કહેવત છે ને કે પારકી આસ સદા નિરાશ. જીવનમાં અન્ન અને સ્વાદને પ્રાધાન્ય આપવામાં માનતી આ પ્રજાના જીવનમાં अखाँ गईयां ते जहान गया, दंद गए ते स्वाद જેવી કહેવત હોવી સ્વાભાવિક છે. આંખ અને દાંતની કાળજી – સારસંભાળ રાખવાની વાત છે. આંખ ન હોય તો દ્રષ્ટિ ન હોય અને તો પછી દુનિયા જોવાથી વંચિત રહી જવાય અને દાંત ન હોય તો ખોરાકના સ્વાદ ન લઈ શકાય.जो करे ध्यो, ना करे मां, ते ना करे प्योકહેવતમાં ઘ્યો એટલે ઘી અને પ્યો એટલે પ્રેમ, આશીર્વાદ. કોઈ પણ વ્યક્તિના સુંદર સ્વાસ્થ્ય માટે, રોગપ્રતિકારકશક્તિ વધારવા માટે માતા – પિતાના પ્રેમ
અને આશીર્વાદ કરતા દેશી ઘીનું મહત્ત્વ ઊંચું આંકવામાં
આવ્યું છે.
——-
विशिष्ट म्हणी

દરેક ભાષાના રૂઢિપ્રયોગ – કહેવતમાં એના ભાવ અનુસાર પ્રતીક – પદાર્થનો ઉપયોગ જોવા મળે છે. पडलेले शेण माती घेउन उठते  કહેવતમાં શેણ એટલે છાણ – ગોબર. એ જમીન પર પડ્યા પછી ઉપાડવામાં આવે ત્યારે થોડી માટી એને ચોંટી જતી હોય છે. મતલબ કે સજજન માણસ પર દોષારોપણ થયા પછી ગમે એટલું એનું નિવારણ કરે, એની પ્રતિમા સંપૂર્ણપણે સ્વચ્છ નથી થતી. સહેજ ડાઘ રહી જાય છે. पळणार्यास एक वाट. शोधणार्यास बारा वाटा મળચળ કહેવતનો શબ્દાર્થ છે નાસી જનારની એક કેડી હોય છે, પણ એને શોધવા માટે બાર રસ્તે તપાસ કરવી પડે છે. મતલબ કે કપટ કરવું આસાન હોય છે, પણ એનું આળ પોતાને માથે ન આવે એની તકેદારી રાખવી સહેલી વાત નથી.
पाय धू तर म्हणे तोडे केवढ्याचे કહેવતનો મર્મ સમજવા જેવો છે. સોંપેલું કે કરવાનું કામ છોડીને કે પડતું મૂકીને ન કરવાના કામ કરવાની કોશિશ કરવી – ઈચ્છા થવી એ એનો ભાવાર્થ છે. पुराणातील वानगी पुराणात પ્રયોગ કાળની વ્યાખ્યાને સ્પષ્ટ કરે છે. આ દુનિયામાં શાશ્ર્વત બાબત બહુ ઓછી હોય છે. સમય બદલાય એ સાથે પ્રકૃતિ – પરંપરા બદલાયા કરે. એટલે વર્તમાન સમયમાં પ્રાચીન કાળના ઉદાહરણ ખરા ન ઉતરે એ દર્શાવવા આ રૂઢિપ્રયોગ વપરાય છે. फासा पडेल तो डाव, राजा बोलेल तो न्यायસમજવા જેવી કહેવત છે.
ચોપાટની રમતમાં જેના પાસા પોબાર પડે એ દાવ જીતી જાય. એ જ રીતે રાજા કરે એ ન્યાય એમ કહેવાય છે. રાજાનું કામ, એની જવાબદારી ન્યાય કરવાની હોય છે. પરિણામે રાજાએ જે ન્યાય કર્યો હોય એ પ્રજાના હિત માટે, એના કલ્યાણ માટે જ હોય એવી માન્યતા હોવાથી ન્યાય મન વિરુદ્ધનો હોવા છતાં એનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી હોતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.