અમિતાભ બચ્ચન અને હેમા માલિનીની ફિલ્મ બાગબાન યાદ છે…ત્રણ દિકરાને મોટા કરી થાળે પાડતા માતા-પિતાને નિવૃત્તિ બાદ રાખવાનો ઈનકાર કરતા અને તેમને અલગ કરી નાખતા પુત્રો સાથે પિતાએ ફિલ્મના અંતમાં સંબંધ રાખવાનો ઈનકાર કરી દીધો હતો. પિતાએ લખેલા પુસ્તકની રોયલ્ટી મળવાની વાત જાણતા આ પુત્રો માતા-પિતા પાસે દોડી આવ્યા હતા. જોકે સગા દિકરાઓએ ઢળતી ઉંમરે ભલે હાથ ન ઝાલ્યો, પણ એક અનાથ બાળક જેને પણ અમિતાભે ઉછેર્યો હતો તેણે ખરા અર્થમાં પુત્રની ગરજ સારી. આવી જ ઘટના અમદાવાદમાં બની છે. અહીં રહેતા એક સંપન્ન પરિવારના પિતાએ ઘડપણનો સહારો બનવાનું તો દૂર માતાની અંતિમ વિધિમાં આપવાનું પણ જરૂરી ન સમજતા બે પુત્રને મિલકતમાંથી એક પૈસો ન આપતા ટ્રસ્ટને સઘળી સંપતિ દાન કરી દીધી છે. જોકે આ વાતની જાણ થતા પુત્રો છેક યુકેથી અમદાવાદ આવ્યા ને કોર્ટમા કેસ પણ કર્યો.
અહીંના સેટેલાઈટ વિસ્તારમા રહેતા એક દંપતીને સંતાનમાં બે પુત્ર હતા. બન્ને બ્રિટનમાં સેટલ થયા હતા. માતા-પિતા ઘણીવાર આવવા કહેતા પણ પુત્રો આવતા નહીં. માતા કિડનીની બીમારીથી પીડાતા હોય, પુત્રો-પરિવારને જોવાની ઈચ્છા હતી, પરંતુ આ ઈચ્છા સાથે લઈ તેઓ 2019માં મૃત્યુ પામ્યા. પિતાએ માતાની અંતિમવિધિમાં પુત્રોને હાજર રહેવા કહ્યું, પણ કળીયુગના આ સંતાનો તેમાં પણ ન આવ્યા. આથી પિતાએ પહેલા તો પોતાનું વર્ષોથી ધ્યાન રાખનાર મિત્રના પુત્રને આ સંપત્તિ આપવાનો નિર્ણય કર્યો, પરંતુ તે સતયુગના જીવે ના પાડી દીધી. તેથી પિતાએ તેને પાવર ઓફ એટર્ની આપી અને પોતાનો સેટેલાઈટ ખાતેનો બંગલો અને સીજી રોડ ખાતેની ઓફિસ ટ્રસ્ટના નામે કરી દીધી. થોડા દિવસો બાદ પિતાનું અવસાન થયું એટલે વસિયત પ્રમાણે તમામ સંપત્તિ ટ્રસ્ટને ગઈ અને સોનાના ઘરેણા પિતાએ જબરજસ્તી મિત્રના પુત્રને આપ્યા. આથી પુત્રોને કંઈ મળ્યું નહીં. હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આથી આ મામલે આપણે કોઈ મત બનાવી લઈએ તે યોગ્ય નથી. પણ આ કેસની હાલપૂરતી મળેલી વિગતો જોઈએ તો પિતાના આ નિર્ણયને સલામ કરવાનું મન થાય. આ સાથે મિત્રનો પુત્ર જેણે કરોડોની સંપત્તિ લેવાનો ઈનકાર કર્યો તેનો ખૂબ ખૂબ આભાર. આવા લોકો જ કળિયગમાં પણ નિસ્વાર્થ સંબંધો જીવિત છે તેની પ્રતીતિ કરાવે છે.