Homeઉત્સવ‘ફર્ઝી’ ફક્ત કરન્સી નોટ નથી હોતી, ‘ફર્ઝી’ તો છે સિસ્ટમનાં મૂળ!

‘ફર્ઝી’ ફક્ત કરન્સી નોટ નથી હોતી, ‘ફર્ઝી’ તો છે સિસ્ટમનાં મૂળ!

કેન્વાસ -અભિમન્યુ મોદી

મુંબઈમાં ૧૦, અમદાવાદમાં ૯, ભોપાલમાં ૮,બેગ્લોરમાં ૭ અને દિલ્હીમાં ૫, ના,ના, મેચના આંકડા નથી. ગત વર્ષે ભારતમાં આટલા કરોડની નકલી નોટ ઝડપાઇ છે. હા, આંખ ફાટી ગઈ હોય તો સાંધીને ગૂગલ કરો આશ્ર્ચર્યજનક આંકડો મળી જશે.કોઈ પણ દેશમાં ઘૂસેલી જાલી નોટ તેના અર્થતંત્રને કેવું અને કેટલું બરબાદ કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ પાકિસ્તાન અને શ્રીલંકા છે. બન્ને રાષ્ટ્રોએ દેવાળું તો ફૂંક્યું સાથે સાથે પોતાની રાષ્ટ્રીય મુદ્રાની અસ્મિતાને પણ ગુમાવી દીધી.ભારતમાં દર બીજા દિવસે નકલી નોટ બનાવતા છેલબટાઉં જુવાનિયા પકડાઈ છે. તેના માટે અર્થતંત્ર, દેશપ્રેમ જેવા શબ્દોનું મહત્ત્વ જ નથી. માત્રને માત્ર મોજ કરવા યુવાધન નકલી નોટ બનાવે એ વાત કેટલી ગંભીર છે. તેની કળા ઉત્તમ છે પરંતુ તેની પ્રવૃત્તિ ગુનાહિત છે. આ વિચારનું સચોટ નિરૂપણ એટલે ફર્ઝી.
રાજ (નિદિમોરું) અને ડીકે (ક્રિષ્ના) દર બે વર્ષે કંઈક નવું લઈને આવવા માટે ટેવાયેલા છે. મૂળ તો બન્ને ઈજનેર એટલે દરેક ઘટનામાં તલસ્પર્શી ટ્વિસ્ટ શોધવાની તેમની ખાસિયત ફર્ઝીમાં ઉડીને આંખે વળગે છે. સ્માર્ટ રાઈટિંગ અને રિયાલિસ્ટિક દૃશ્યોથી ‘ફર્ઝી’ નકલી નોટની અસલી દુનિયાની ઝાંખી કરાવે છે. સાડા સાત કલાકની વેબસિરીઝમાં નકલી નોટની દુનિયાના અંધારા-અજવાળા, નેતાથી લઈને બિલ્ડર લોબીનું આંતરરાજ્ય કૌભાંડ, ક્રિમિનલનું રિસર્ચ, માનવીય કુંઠા, મુફલિસનો આક્રોશ એ વિચારવા પર મજબૂર કરે છે નકલી નોટના સડાને નાબૂદ કરવો જોઈએ. એ પણ સોલ્યુશન સાથે સિરીઝમાં એક ‘ધનરક્ષક’ નામે સોફ્ટવેર પણ છે જે ચિપ સ્વરૂપે મોબાઇલથી માંડીને કોઈ પણ ડિવાઇસમાં ફિટ થઈ જાય. એટલે નકલી નોટ પળવારમાં પકડાઈ જાય.
બાકી કથા તો સિમ્પલ છે રાશિ ખન્ના ‘ધનરક્ષક’ની રચિયતા છે પણ માંડ માંડ તેને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના ઈન્સ્પેકટર માઈકલ (વિજય સેતુપતિ)નો સહયોગ મળે છે. બીજી તરફ એક ક્રિમિનલ પિતાનો પુત્ર અને સિદ્ધાંતવાદી પત્રકાર-ચિત્રકાર નાનાજી માધવ (અમોલ પાલેકર)નો પૌત્ર સની (શાહિદ કપૂર) ગજબનો ચિત્રકાર છે. પાંચ મિનિટ દુનિયાની કોઈ પણ ચીજને આબેહૂબ કેનવાસ પર કંડારી દે. માનવી હોય કે માખી તેની ઝીણી નજરથી બચે નહીં. નાનાજી ક્રાંતિ પત્રિકા નામક પ્રેસ ચલાવે પણ પ્રેસની હાલત કફોડી બનતા સની તેના બાળપણના મિત્ર ફિરોઝ (ભુવન અરોરા) સાથે નકલી નોટ બનાવવાનું શરૂ કરે છે. ‘ધનરક્ષક’ નકલી નોટનું માર્કેટ ક્રેશ કરે છે. વિદેશમાં રહીને નકલી નોટનું કૌભાંડ ચલાવતા મનસુર દલાલ (કે. કે. મેનન)ને ફટકો પડે છે અને સનીની કારીગરી તેની નજરે ચડે છે. સનીની બનાવેલી નોટ ’ધનરક્ષક’માં પણ ડિટેકટ થતી નથી. અને શરૂ થાય ફર્ઝી નોટની થ્રિલિંગ રાઈડ. આજકાલ વેબસિરીઝમાં આટલું બારીક રિસર્ચ, શાર્પ સ્ટોરી ટેલિંગ, દિલધડક ટ્વિસ્ટ અને કલાસિક પાત્રલેખન-અભિનયની જુગલબંદી ભાગ્યે જ જોવા મળે છે.
વિજય સેતુપતિ અને શાહિદ કપૂર બન્ને ઉમદા અભિનેતા. જે પાત્ર આપો પાણીની જેમ ઢળી જાય. મૂળ તો બન્ને વચ્ચે થતો દ્વંદ્વ જ સિરીઝનો વેન્ટેજ પોઇન્ટ છે. વિજયના પાત્રને બારીકાઇથી રજૂ કરાયું છે. પોતે સતત બ્લડપ્રેશરની ગોળીઓ ગળતો રહે છે અને સ્ટ્રેસમાં દારૂ-સિગારેટ પીતો રહે છે. એ સ્માર્ટ છે, બહાદુર છે, પણ દર વખતે એ જીતતો નથી. ક્યારેક કોઈ કોન્સ્પિરસી એની સમજમાં નથી આવતી, ક્યારેક ગુંડાલોગ એના નાક નીચેથી નીકળી જાય છે, તો ક્યારેક એને મિશનમાં સરેઆમ નિષ્ફળતા પણ મળે છે. એની પર્સનાલિટીનું એક ઈન્ટરેસ્ટિંગ પાસું છે સ્ટોરીટેલિંગ. તો સામે છેડે શાહિદ એ એકદમ ગંભીર મોઢું કરીને સામેની વ્યક્તિને ઈન્સ્ટન્ટ્લી એક ઉપજાવી કાઢેલી વાર્તા સંભળાવીને ઈમોશનલ કરીને પોતાનું કામ કઢાવી લે છે. પરંતુ આમાં પણ એને નેહલે પે દેહલા મળી જાય છે. યાને કે એ એકેય એન્ગલથી લાર્જર ધેન લાઈફ હીરો નથી, બલકે એ કોમન મેન’ છે.
રૂપકડી રાશિ ખન્નાને ફાળે પણ જબરો રોલ છે. બાપડી એક ડઝન વાર હિન્દી ફિલ્મોમાં ચમકવાની ઈચ્છા વ્યક્ત કરી ચુકી છે પરંતુ ઓટીટીમાં તેના નસીબ ચમક્યા. ‘રુદ્ર’ તો સુપર ફ્લોપ નીવડી પણ ‘ફર્ઝી’ રાશિની રાશિમાં ધ્રુવ તારો બનીને આવે તેવી શક્યતા છે. સિરીઝમાં તેને શાહિદ અને વિજય જેટલી જ સ્ક્રીન મળી છે. મતલબ હીરો જેટલી જ સ્પેસ હિરોઈનને મળી છે. આ જ રાજ અને ડીકેના લેખન-દિગ્દર્શનનું સબળ પાંસું છે. ફર્ઝી ફુલ્લી ‘બિન્જવર્ધી’ છે. બિન્જવર્ધી એટલે કે એક એપિસોડ જોયા પછી બીજો જોયા વિના ચેન ન પડે એવું સજ્જડ ‘ચેપી તત્ત્વ’ ધરાવતી સિરીઝ. આ માટે જ દરેક એપિસોડને અંતે એવો હૂક પોઈન્ટ નાખી દેવામાં આવે જેથી બીજા એપિસોડમાં તેનું શું થયું તેની ઈન્તેજારી રહે છે. ફર્ઝી નિહાળવી કે નહીં એ તો સ્વસમજનો પ્રશ્ર્ન છે પરંતુ ગજવામાં રહેલી નોટ અસલી છે કે ફર્ઝી એ નિહાળવું ચોક્કસ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular