(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન અબ્દુલ સત્તાર કાયમ પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે અને હવે તેેમણે ખેડૂતો બાબતે કરેલા નિવેદનને કારણે સોમવારે વિધાનસભામાં ધમાલ થઈ હતી. સત્તારે કહ્યું હતું કે ખેડૂતોની આત્મ હત્યા નવી નથી. છેલ્લા અનેક વર્ષોથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. આવા બિનસંવેદનશીલ નિવેદનનેે પગલે સોમવારે મહારાષ્ટ્ર વિધાનભવન સંકુલમાં વિપક્ષે સત્તારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
શિવસેના (ઠાકરે જૂથ)ના વિધાનસભ્ય ભાસ્કર જાધવે અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે અબ્દુલ સત્તાર આવી જ રીતે બેફામ નિવેદનો કરતા હોયછે. ખેડૂતો અંગેનો તેમનો પ્રેમ, આત્મીયતા, સહાનુભૂતિ કે ચિંતા નથી. પોતાના કામથી મહારાષ્ટ્રમાં તેમનું નામ થશે નહીં એવી તેમને ખાતરી છે અને એટલે જ ક્યારેક મહિલાઓ માટે અત્યંત હીન કક્ષાની ટિપ્પણી કરે છે તો ક્યારેક અધિકારીઓને દારૂનું સેવન કરો છો કે એમ
પૂછે છે.
ખેડૂતો પર અત્યારે મોટું સંકટ આવેલું છે, કમોસમી વરસાદ પડ્યા પછી અબ્દુલ સત્તાર ક્યાંય ખેડૂતોની વચ્ચે જોવા મળ્યા નથી. બેફામ નિવેદનો કરીને ખેડૂતોના જખમો પર મીઠું ચોળવાની પ્રવૃત્તિ તેઓ કરી રહ્યા છે એમ ભાસ્કર જાધવે સોમવારે વિધાનભવન સંકુલમાં પત્રકારોને સંબોધતાં કહ્યું હતું.
એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે પણ અબ્દુલ સત્તારના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે અબ્દુલ સત્તાર અને રાજ્ય સરકાર બિનસંવેદનશીલ છે અને તેથી જ તેઓ આવા નિવેદનો કરી રહ્યા છે. કૃષિ પ્રધાને આ પહેલાં પણ તેમની બિનસંવેદનશીલતા દેખાડી હતી. ખેડૂતો માટેની તેમની આવી ભાષા રાહત આપનારી નથી.
—
સત્તારે શું કહ્યું હતું?
ઔરંગાબાદના સિલ્લોડ વિસ્તારમાં તેમને ખેડૂતોની આત્મહત્યા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો નવો નથી. આવું છેલ્લા કેટલાય વર્ષોથી બની રહ્યું છે. મને લાગે છે કે ખેડૂતોની આત્મહત્યા મારા મતદારસંઘ સહિત આખા મહારાષ્ટ્રમાં ક્યાંય થવી ન જોઈએ. રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેક પગલાં ભર્યા છે. અમે તેમને ફક્ત એક જ રૂપિયામાં પાકવીમો આપી રહ્યા છીએ. અહીં ઉલ્લેખનીય છે કે સત્તારના મતદારસંઘ સિલ્લોડમાં ત્રીજીથી ૧૨ માર્ચ સુધીમાં ઓછામાં ઓછા બે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી.