ખેડૂતના દીકરાની ૩૧મી શોધ: ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર

પુરુષ

વિશેષ – વૈભવ જોશી

મહારાષ્ટ્ર ના અહમદનગર જિલ્લાના એક નાનકડા ગામ નિંભારીનો ૨૧ વર્ષનો યુવરાજ પવાર આજકાલ અતિવ્યસ્ત છે. એટલા માટે નહીં કે કોઈ મોટો બિઝનેસ અથવા સમય માગી લેતી નોકરી કરતો હોય, પણ એટલા માટે, કેમ કે તેણે ‘જુગાડ’થી બનાવેલા વાવણીના મશીનના વીસ ઓર્ડર પૂરા
કરવાના છે.
આ શોધ પહેલાં ૨૦૨૦માં બેકાર ચીજોને વાપરીને એક અનોખી શોધમાં ઇલેક્ટ્રિક વિન્ટેજ કાર બનાવીને આખા દેશમાં છવાઈ ગયો છે. યુવરાજ કહે છે, ‘આ કાર બનાવ્યા બાદ મને એટલી લોકપ્રિયતા મળી કે ઘણા લોકોએ મને કાર બનાવવાના ઓર્ડર આપ્યા છે. અત્યારે હું આ કાર અને વાવણી મશીનના ઓર્ડર પર દિવસ-રાત કામ કરી રહ્યો છું.’
યુવરાજના પિતા ખેડૂત છે. યુવરાજ નિંભારી ગામમાં જ ઊછર્યો છે અને માધ્યમિક અભ્યાસ કર્યો છે. હવે પુણેની કાશીબાઈ નવલે કોલેજ ઓફ એન્જિનિયરિગમાં મેકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છે અને સાથે જ પોતાના ‘જુગાડ’ પર કામ કરી રહ્યો છે. તે જણાવે છે કે, ‘જ્યારે હું ચોથા ધોરણમાં હતો ત્યારે મેં શાળાની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ફ્લોર ક્લીનર મશીન બનાવ્યું હતું. મેં થર્મોકોલ અને મશીનની મદદથી આ મશીન બનાવ્યું હતું, જે બધાને ખૂબ ગમ્યું હતું.’
આટલી નાની ઉંમરમાં કરેલી પહેલી શોધ પછી તે થંભ્યો નહીં અને એક પછી એક નાની નાની ચીજો બનાવતો રહ્યો.
આ રીતે તેણે આજ સુધીમાં ૩૦ વસ્તુઓ બનાવી છે. તેની માતા ગીતાંજલિ અને પિતા જનાર્દન પવારે તેને કોઈ પ્રયોગ કરતાં ક્યારેય રોક્યો નહીં, તેનું પરિણામ છે કે યુવરાજ કંઈ ને કંઈ નવું કરવા પ્રેરિત થતો રહ્યો. પણ તેને પહેલી નામના બે વર્ષ પહેલાં મળી જ્યારે તેણે એક વિન્ટેજ કર બનાવી. યુવરાજે કોરોનાના ફાજલ સમયમાં પોતાના પિતાની જૂની બાઈકનું એન્જિન વાપરીને એક કાર બનાવવાનો નિર્ણય કર્યો, બાકીની સ્ટીલની બોડી તેણે પોતે ડિઝાઇન કરી છે.
યુવરાજ કહે છે કે તેણે આ કાર અન્ય કોઈ કારમાંથી પ્રેરણા લઈને નથી બનાવી. કોઈ પૂર્વયોજના વગર કાર બનાવવાનું શરૂ કર્યું અને મનગમતો આકાર આપ્યો.
ત્રણ મહિનાની મહેનત પછી જ્યારે કાર તૈયાર થઇ તો બધા કહેવા લાગ્યા કે આ તો એકદમ વિન્ટેજ કાર જેવી દેખાય છે. આ હોમમેડ વિન્ટેજ કારને યુવરાજ પવારે નામ આપ્યું, ‘યુવરાજ ૩.૦’.
યુવરાજની વિન્ટેજ કાર એટલી સુંદર છે કે મોટી અને મોંઘી ગાડીઓમાં ઘૂમનારા પણ એક વાર ઊભા રહીને તેની ગાડી જરૂર જુએ છે. યુવરાજ કહે છે, ‘ફુરસદના સમયમાં મેં ગાડી રોડ પર ચલાવવાનું શરૂ કર્યું ત્યારે લોકોને આ ગાડી એટલી પસંદ આવી કે બધા તેની સાથે પોતાનો ફોટો લેવા માગતા હતા. તેને કારણે હું આખા ગામમાં મશહૂર થઇ ગયો.’
થોડા દિવસમાં તેને ગામના એમએલએ પાસેથી પહેલી કારનો ઓર્ડર મળ્યો. તેણે પહેલી કાર ત્રણ લાખ રૂપિયામાં વેચી હતી.
જોકે શરૂઆતમાં તેણે ઇલેક્ટ્રિક કાર નહોતી બનાવી, પણ હવે તે બધી કાર ચાર્જિંગ સુવિધા સાથે જ બનાવે છે. અત્યારે તેની પાસે ગોવાથી લઈને છેક મધ્ય પ્રદેશથી પણ ઓર્ડર આવ્યા છે. યુવરાજે પોતાની ઇલેક્ટ્રિક કારની પેટન્ટ રજિસ્ટર કરાવી લીધી છે. યુવરાજની કામયાબીથી તેનાં માતાપિતા ખૂબ ખુશ છે.
યુવરાજ પોતાના ગામમાં જ વર્કશોપ બનાવીને કામ કરી રહ્યો છે. તે પોતાની સાથે ગામના યુવાનોને પણ કામ આપી રહ્યો છે.
યુવરાજ પવારે પોતાની કાબેલિયતથી સાબિત કર્યું કે જો તમારામાં આવડત હશે તો કામ સ્વયં તમને શોધતું આવશે. યુવાનોને યુવરાજની કહાણી કશુંક નવું વિચારવા જરૂર પ્રેરણા આપશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.