ખેડૂતોને પકવેલી ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી શકે તે માટે નાફેડે ડુંગળી ખરીદવાની શરૂઆત આજથી કરી હતી, પરંતુ રાજકોટ મા ર્કેટિંગ યાર્ડ ખાતે કંઈક અલગ માહોલ જોવા મળ્યો હતો. એક તો જાહેરાત કરવામાં ન આવતા ખેડૂતો દસ્તાવેજ સાથે ન હતા આવ્યા અને બીજુ નાફેડ કરતા ઓપન માર્કે્ટમાં વધારે ભાવ મળતા હોવાથી પણ ખેડૂતો તે તરફ વળ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી.
સરકાર દ્વારા જે માહિતી ખાતા દ્વારા જે પ્રેસ રિલીઝ કરવામાં આવી હતી તેમાં માત્ર મહુવા યાર્ડ, ગોંડલ યાર્ડ અને પોરબંદર યાર્ડનો સમાવેશ હતો. જેના કારણે સામાન્ય દિવસો કરતા ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. માંગ અને પુરવઠાનો નિયમ લાગુ પડતા સામાન્ય દિવસો કરતા આજ રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડનો કોઈ ઉલ્લેખ સરકારની જાહેરાતમાં કે માહિતી ખાતાની પ્રેસનોટમાં જોવા નહોતો મળ્યો. તેવા રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારના સાત વાગ્યાથી નાફેડ દ્વારા જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું તેમના દ્વારા ડુંગળી ખરીદ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે બપોરના 12:00 વાગ્યા સુધીમાં એકપણ ખેડૂતની ડુંગળી ખરીદ કરવામાં આવી નહોતી. જૂના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાની ડુંગળી લઈને ઓપન માર્કેટમાં વેચવા પહોંચ્યા હતા. પરંતુ નાફેડને જો તેમને ડુંગળી વેચવી હોય તે ડુંગળીના વેચાણ અર્થે તેમને સાત જેટલા કાગળિયા તેમજ ફોટાની આવશ્યકતા હોય છે. તે જાહેરાત ન હોવાના કારણે તેઓ પોતાની સાથે નહોતા લાવી શક્યા.
આ સાથે આજે ડુંગળીના માર્કેટ ભાવ અનુસાર 7.92રૂ.ની કિંમતે એક કિલો ડુંગળી ખરીદ કરવામાં આવી રહી છે. જેની ક્વોલિટી 45 એમએમની હોવી ફરજીયાત છે. ત્યારે ઓપન માર્કેટમાં આ જ ગુણવત્તાની ડુંગળીનો કિલોનો ભાવ ₹20 હોવાના કારણે ખેડૂતોએ પણ નાફેડને ડુંગળી વેચવાને બદલે ઓપન માર્કેટમાં વેચવી વધુ યોગ્ય લાગી હતી. જેના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉચ્ચ ગુણવત્તાવાળી ડુંગળીનો ભાવ 20 કિલો દીઠ રૂપિયા 176 એટલે કે 8.8 સુધીનો મળવા પાત્ર થયો છે.