નાસિકથી મુંબઈ આવી રહેલી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીની ખેડૂતોની કૂચ હવે સરકાર સાથેની બેઠક બાદ થાણે જિલ્લાના વાસિંદ ખાતે રોકાયેલી છે. દરમિયાન, મોરચામાં ભાગ લેનાર 58 વર્ષીય ખેડૂત પુંડલિક અંબો જાધવનું ગઈકાલે રાત્રે અવસાન થયું હતું. મોરચાના સંયોજક અને અખિલ ભારતીય કિસાન સભા (AKIS)ના નેતા અજીત નવલેના જણાવ્યા અનુસાર, પુંડલિક શરૂઆતથી જ મોરચામાં સામેલ હતા. સતત ચાલવાને કારણે તેમની તબિયત લથડી હતી.
કૃષિ પ્રધાન દાદા ભૂસેએ મીડિયાને જણાવ્યું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ખેડૂત પુંડલિક જાધવના મૃત્યુ પર શોક વ્યક્ત કરતાં તેમના પરિવારને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્ર સરકારના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે નાસિકના ડિંડોરી નજીકના એક ગામમાં રહેતા પુંડલિક અંબો જાધવને શુક્રવારે બપોરે બેચેનીની ફરિયાદ બાદ શાહપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્વસ્થ થયા બાદ જાધવ પ્રદર્શનકારીઓના કેમ્પમાં પરત ફર્યા હતા. શુક્રવારે રાત્રે લગભગ આઠ વાગ્યે રાત્રિભોજન કર્યા બાદ જાધવને ઉલ્ટી થઈ અને પછી તેઓ બેચેની અનુભવવા લાગ્યા. તેમને ફરી શાહપુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. વાસિંદ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે અને જાધવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
કિસાન મોરચામાં સામેલ ખેડૂતનું અવસાન, મુખ્યપ્રધાને પરિવારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી
RELATED ARTICLES