રોમાંચના રસિયાઓ માટે લાજવાબ દેશી પર્યટન સ્થળો

ઇન્ટરવલ

પ્રાસંગિક-અનંત મામતોરા

છેલ્લાં બે વર્ષમાં ફેલાયેલા રોગચાળાએ લોકોનું જીવન ખાસ્સું શુષ્ક બનાવી નાખ્યું હતું. પ્રવાસની વાત તો દૂર, ઘરની બહાર નીકળવાનું બંધ હતું. લોકોની હાલત પાંજરે પુરાયેલા પોપટ જેવી થઈ ગઈ હતી. હવે જેવા તબેલાનાં તાળાં તૂટ્યાં એટલે લોકોએ પ્રવાસન સ્થળોએ રીતસરનો ધસારો કર્યો છે. પછી એ ધાર્મિક યાત્રા હોય, ઐતિહાસિક સ્થળો હોય, કુદરતી સૌંદર્યનાં સ્થળો હોય કે રોમાંચક સફરો હોય.
ખાસ કરીને જે રોમાંચના રસિયાઓ છે તેમને તો ઘરમાં બેસી રહેવું કેમ ગમે? આપણા દેશમાં રોમાંચક પ્રવાસનો આનંદ માણવા માગતા પ્રવાસશોખીનો પણ જરાય નિરાશ ન થાય તેવી એકમેકથી ચઢિયાતી જગ્યાઓ છે. ટ્રેકિંગ, મોટર-બાઈક એક્સ્પીડિશન અને પર્વત પર કેમ્પિંગથી લઈને સમુદ્રમાં સ્કૂબા ડાઇવિંગ અને વાઇલ્ડલાઇફ સફારી સુધી બધું જ.
————–
સ્કીઇંગ અને સ્લેજિંગ
ગુલમર્ગની બરફાચ્છાદિત પહાડીઓમાં પ્રોફેશનલ અને નવાગંતુક બંને માટે સ્કીઇંગ અને સ્લેજિંગની ખૂબ સરસ સુવિધાઓ છે. કાશ્મીરમાં લોકોનાં મનપસંદ સ્થળોમાં ગોન્ડોલા સવારી પણ મશહૂર છે, જ્યાંથી સંપૂર્ણ ઘાટીનું સૌંદર્યદર્શન થાય છે.
—————-
ટ્રેકિંગ અને કેમ્પિંગ
જો તમે પ્રકૃતિપ્રેમી અને સાહસના શોખીન છો તો તમારી શોધ કુદરતી સૌંદર્યથી ભરપૂર કાશ્મીર ખીણની મુલાકાત લઈને સમાપ્ત થઈ શકે છે. અત્યંત ઠંડા હવામાન સાથે ઊંચાઈનો આનંદ માણવા માટે, તમે લદાખમાં ટ્રેકિંગનો અનોખો અનુભવ લઈ શકો છો. તેની આસપાસનાં સ્થળો જેમ કે ઉત્તરાખંડ, સિક્કિમ અને હિમાચલ પ્રદેશ પણ ટ્રેકિંગ માટે ખૂબ જ યોગ્ય છે. રોમાંચના રસિયાઓ આ ટેકરીઓ અને તેની સાથે સંકળાયેલા જંગલોમાં પડાવ નાખતા જોવા મળે છે.
—————
વાઈલ્ડલાઈફ સફારી
કોર્બેટ, કાઝીરંગા અને અન્ય રાષ્ટ્રીય જંગલોમાં વાઇલ્ડલાઇફ સફારી દ્વારા વાઘ, ગેંડા અને અન્ય વિદેશી પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં જોઈ શકો છો. આપણું ગીરનું જંગલ પણ એશિયાઈ સિંહો માટે જોવા જેવું. લદાખના હેમીસ નેશનલ પાર્કમાં તમને બરફીલા પ્રદેશના ચિત્તાની દુર્લભ પ્રજાતિ જોવાનો અવસર મળી શકે છે.
—————
એડવેન્ચર એક્ટિવિટી
ઉત્તરાખંડનું હૃષીકેશ ઝીપ-લાઇનિંગ, રાફ્ટિંગ અને બંજી-જમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી માટે એકદમ યોગ્ય સ્થળ છે. તે ઉપરાંત મશહૂર પર્યટન સ્થળ લદાખ-મનાલી હાઇવે પર મોટર-બાઈક એક્સ્પીડિશન થતાં રહે છે.
————-
વોટર ગેમ
જો તમને વોટર ગેમ ગમે છે તો તમે આંદામાન-નિકોબાર ટાપુઓ, ગોવા, મહારાષ્ટ્ર અને અન્ય કેટલાંક સમુદ્ર કાંઠાનાં રાજ્યો અને પ્રદેશોને ભૂલશો નહીં. પ્રમાણિત તાલીમ લીધા પછી સ્કૂબા ડાઇવિંગ એક અદ્ભુત અને રોમાંચક અનુભવ બની રહે છે, જે આ સ્થળોએ ઉપલબ્ધ છે. ત્યાં તમે જળ સપાટીની અંદર રહેલા જીવોની અદ્ભુત સૃષ્ટિ નજરે નિહાળી શકો છો. કેળા સર્ફિંગ અને ક્યાકિંગ જેવી અન્ય વોટર ગેમ્સ પણ તમારા રોમાંચમાં વધારો કરવા હાજર જ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.