મંદિર વિશ્ર્વ -રાજેશ યાજ્ઞિક
मंदिराणां हि निर्माणं तदाजामनुसृत्य च,
द्वियानां कियते भक्त्या सर्वकल्याणहेतुना
(તે અજ્ઞાને અનુસરીને સર્વનું કલ્યાણ થાય તે હેતુથી દિવ્ય મંદિરોનું નિર્માણ ભક્તિભાવથી કરવામાં આવે છે.)
ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા ગુજરાતી ભાષામાં રચિત “સત્સંગ દીક્ષાના સંસ્કૃત શ્ર્લોક પ્રમાણ આવર્તનમાં શ્ર્લોક ૯૦માં ભગવાન સ્વામિનારાયણના સમયથી કહેવાયેલ આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોમાં મંદિરનું મહત્વ પ્રકટ કરાયું છે.
આ આજ્ઞાને અનુસરીને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મંદિર નિર્માણને પોતાના આધ્યાત્મિક કાર્યોનો એક ભાગ બનાવ્યો હતો. બ્રહ્મસ્વરૂપ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ પરંપરા આગળ ધપાવી હતી.
વિશ્ર્વમાં સૌથી વધુ મંદિર નિર્માણ માટે ગિનેસ રેકોર્ડમાં પૂજ્યશ્રી પ્રમુખસ્વામી મહારાજનું નામ દર્જ છે. ૪૫થી વધુ વર્ષમાં પૂજ્યશ્રીએ બે અક્ષરધામ મંદિર અને પરિસરનું નિર્માણ, ૩૭ પરંપરાગત પથ્થરની કોતરણીવાળાં શિખરબદ્ધ મંદિરો, લગભગ ૧૧૦૦ હરિ મંદિરો ઉપરાંત હજારો હરિભક્તોને ઘર મંદિરની સ્થાપના માટે પ્રેરણા કરી છે.
આ કાર્યમાં વિશ્ર્વભરના લાખો હરિભક્તોને યથાશક્તિ ફાળો આપવાની પ્રેરણા પણ પૂજ્યશ્રીએ કરી છે. લોકોએ ઉમંગભેર પોતાના ધીકતા ધંધા અને નોકરીને વિરામ આપીને મંદિર નિર્માણ હોય કે મહોત્સવો, તેમાં સેવાઓ આપી છે.
ઘણા કહેવાતા આધુનિક વિચારધારાના લોકો મંદિર નિર્માણને પથ્થરો પાછળ પૈસાનો બગાડ ગણે છે અને તેને બદલે તે પૈસો સામાજિક કાર્યોમાં વાપરવાની સુફિયાણી સલાહો આપે છે, પરંતુ અફસોસ, કે એ લોકો જાણવા પ્રયત્ન નથી કરતા કે એક મંદિર અનેકોના જીવનમાં કેવો પોઝિટિવ ચેન્જ લાવે છે. પૂજ્યશ્રી પ્રમુખસ્વામી મહારાજે સ્થાપિત કરેલાં મંદિરો ધાર્મિક સ્થાન ન બની રહેતાં, આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં ધબકતા કેન્દ્રો બન્યાં છે. તેના દ્વારા અનેક વ્યક્તિઓ, પરિવારોના જીવનમાં સુખદ પરિવર્તન આવ્યા છે.
૧૯૭૧માં સાંકરીમાં પ્રથમ શિખરબદ્ધ મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી ત્યારથી પૂજ્યશ્રી પ્રમુખસ્વામી મહારાજનો આ યજ્ઞ સાડાચાર દાયકામાં કોઈ ક્રાંતિની જેમ ચાલુ રહ્યો છે. એ બધાંજ મંદિરો વિશે વાત કરવા તો આ લેખનો પનો ઘણો ટૂંકો પડે, પણ ચાલો, જાણીએ બાર મહત્ત્વનાં મંદિરો વિશે જેણે ભારત અને વિશ્ર્વમાં અમીટ અને ઐતિહાસિક છાપ
છોડી છે.
અક્ષરધામ મંદિર – ગાંધીનગર
બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની પ્રેરણા આ મંદિરની રચના પાછળ રહેલી છે. યોગીજી મહારાજની ઈચ્છાને ઑક્ટોબર ૧૯૯૨માં પ્રમુખસ્વામી મહારાજે આકાર આપીને તેમના ચરણકમળમાં સમર્પિત કર્યું. ૪૦૦૦ કરતાં વધુ હરિભક્તોએ ૮૦ લાખથી વધુ માનવ કલાકોની સેવા આ મંદિર નિર્માણ માટે આપી છે. ગાંધીનગરનું આ અક્ષરધામ ૨૪૦ ફૂટ લાંબું, ૧૩૧ ફૂટ પહોળું અને ૧૦૮ ફૂટ ઊંચું છે.
સ્વામિનારાયણ મંદિર – લંડન
૧૯૯૫માં ઇંગ્લેન્ડની ધરતી ઉપર લંડન શહેરમાં સ્થાપિત આ મંદિર અનેક રીતે ઐતિહાસિક છે. આવું ભવ્ય હિન્દુ પરંપરાનું મંદિર ભારતની બહાર બન્યું, પણ એ મંદિર ‘મેડ ઈન ઇન્ડિયા, બિલ્ટ ઈન લંડન’ છે. દરેકેદરેક પથ્થર ભારતમાં બનીને લંડન મોકલાયો છે અને ત્યાં મંદિર નિર્માણ થયું છે. કુલ ૧,૦૨,૦૧૮ વર્ગફૂટના બિલ્ટઅપ વિસ્તાર સાથે ભારતની બહાર પરંપરાગત પદ્ધતિથી બનેલા સૌથી વિશાળ મંદિર તરીકે વર્ષ ૨૦૦૦માં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. ૧૯૯૮માં રીડર્સ ડાયજેસ્ટ દ્વારા આ મંદિરને વિશ્ર્વના ૭૦ આધુનિક આશ્ર્ચર્યોમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૦૦૭માં યુકેમાં રાષ્ટ્રીય ઓપિનિયન પોલમાં લોકોએ આ મંદિરને ઇંગ્લેન્ડના “પ્રાઇડ ઓફ પ્લેસ માં માનવંતુ સ્થાન આપ્યું હતું.
સ્વામિનારાયણ મંદિર -નૈરોબી
૧૯૯૯માં ખુલ્લું મુકાયેલું આ મંદિર નૈરોબીમાં લેન્ડમાર્ક ગણાય છે. રાજસ્થાની પથ્થરો અને સીસમ, સાગ, કપૂર અને મહોગની જેવા લાકડાની અદભુત કોતરણી થી શોભતા આ મંદિર માટે ૩૫૦ ટન પથ્થરોનો વપરાશ થયો છે.
અક્ષરધામ- દિલ્હી
૨૦૦૫માં ખુલ્લું મુકાયેલું આ મંદિર પણ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ઈચ્છાનું અવતરણ છે. ખુદ નરેન્દ્ર મોદીએ જાહેરમાં કહ્યું છે કે પૂજ્યશ્રી યોગીજી મહારાજ યમુના કાંઠે અક્ષરધામ બનાવવાની ઈચ્છા ધરાવતા હતા, જેને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ચરિતાર્થ કરી બતાવી આ મંદિર ૩૫૬ ફૂટ લાંબું, ૩૧૬ ફૂટ પહોળું અને ૧૪૧.૩ ફૂટ પહોળું છે.
સ્વામિનારાયણ મંદિર – એટલાન્ટા
આ મંદિરની ભવ્યતા જોવા જેવી છે. ૨૦૦૭માં આ મંદિરનું લોકાર્પણ થયેલ. મંદિરનો પરિસર ૩૦ એકરમાં ફેલાયેલો છે. મંદિર નિર્માણમાં ભારતીય પથ્થરોની સાથે ૧,૦૬,૦૦૦ ઘનફૂટ ઇટાલિયન માર્બલનો ઉપયોગ થયો છે, જે મંદિરને અલગ આભા આપે છે. ૩૪૦૦૦ જેટલા કોતરણી કરેલા પથ્થરો ભારતથી મોકલવામાં આવ્યા હતા. આટલું ભવ્ય મંદિર માત્ર ૧૭ મહિનામાં ઊભું થઇ ગયું એવું તમને કહીએ તો વિશ્ર્વાસ ન બેસે, પણ સત્ય છે. પૂજ્યશ્રી પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી હરિભક્તોની અથાગ સેવા, અશક્ય ને શક્ય બનાવી શકે છે.
સ્વામિનારાયણ મંદિર – શિકાગો
માત્ર સોળ મહિનામાં સમગ્ર મંદિરને આકાર આપી દેવા કેટલા લોકોની, કેટલા કલાકોની એન્ડ કેટલા વર્ષોની યોજના હશે તેનું ઉદાહરણ એટલે શિકાગોનું સ્વામિનારાયણ મંદિર. આ મંદિરનું લોકાર્પણ ૨૦૦૪માં પૂજ્યશ્રીએ કર્યું હતું. ૨૭ એકરમાં ફેલાયેલા આ મંદિર પરિસરમાં ઇટાલિયન માર્બલ અને ટર્કીશ લાઇમસ્ટોનનો ઉપયોગ
થયો છે.
સ્વામિનારાયણ મંદિર – હ્યુસ્ટન
આ મંદિરનું કાર્ય વર્ષ ૨૦૦૨માં શરૂ થયું અને ૨૦૦૪માં પૂરું થયું. ૭૩ ફૂટ ઊંચું, ૧૨૫ ફૂટ લાબું અને ૯૫ ફૂટ પહોળું આ મંદિર કદાચ અન્ય મંદિરો જેટલું વિશાળકાય ન લાગે તો પણ ભવ્યતામાં જરાય ઓછું નથી. આખરે હરિભક્તોની ભક્તિ અને સેવા તેના એક એક પથ્થર ઉપર અંકિત થયેલી છે!
સ્વામિનારાયણ મંદિર – લોસ એન્જેલસ
૨૦૧૨માં જેના દ્વાર હરિ ભક્તો માટે ખૂલ્યા એ લોસ એન્જેલસનું મંદિર ૨૦ એકરના વિસ્તારમાં આકાર પામ્યું છે. આ મંદિરનું પ્રમુખ આકર્ષણ ૯૦ફૂટનું કમળ આકારનું તળાવ જે આ મંદિરના સૌંદર્યને એક અલગ ઊંચાઈ ઉપર લઇ જાય છે. આ મંદિરમાં વીજળીના પુરવઠા માટે સોલાર પાવરનો જ વપરાશ થાય છે.
સ્વામિનારાયણ મંદિર – ટોરોન્ટો
આ મંદિરને હવેલી શૈલીમાં બનાવાયું છે. હવેલીની જેમ અહીં પણ બારીક કોતરણી વાળી કમાનોથી મંદિર સુશોભિત છે. આ મંદિર ૨૦૦૪માં અધિકૃત રીતે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. ટર્કીશ લાઇમસ્ટોન, ઇટાલિયન માર્બલ અને રાજસ્થાનના ગુલાબી પથ્થરો આ મંદિર માટે ઉપયોગમાં લેવામાં આવ્યા છે.
સ્વામિનારાયણ મંદિર – ઑકલેન્ડ
ઑકલેન્ડના સ્વામિનારાયણ મંદિરની રચના જોઈએ તો અમાદવાદની પરંપરાગત હવેલીની યાદ આવ્યા વિના ન રહે. આ મંદિર ૨૦૦૮માં ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું.
સ્વામિનારાયણ મંદિર – રોબિન્સવિલે
ચાલીસ નાના-મોટા શિખર, ૨ મોટા અને ૮ નાના ધુમ્મ્ટ, ૯૮ સ્તંભ, ૬૬ મયૂરાકાર કમાન, ૫૮ સૂક્ષ્મ કોતરણીવાળી છત આ મંદિરને અનોખી ભવ્યતા બક્ષે છે. ૨૦૧૪માં આ મંદિર લોકો માટે ખુલ્લું મુકાયું. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ સંકુલમાં નૂતન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. અને અક્ષરધામ મહામંદિરનું ભૂમિતલપૂજન કર્યું.
સ્વામિનારાયણ મંદિર – સિડની
આ મંદિરનું નામ ઑસ્ટ્રેલિયન બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી મોટી એગલેસ કેક બનાવવા માટે નોંધાયું છે. આ મંદિરની સરળતા એ જ તેનું મુખ્ય આકર્ષણ છે.