છાશ ઉનાળાનું અમૃત છે અને તે પીવાથી મજા પણ આવે છે અને આરોગ્યને પણ ફાયદો થાય છે, પરંતુ આ અમૃતનો એક ગ્લાસ જો રૂ. 200નો મળતો હોય તો તે ઝેર જેવું ન લાગે ? કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી થોડે દૂર આવેલી એક જાણીતી રેસ્ટોરાંએ સાદી છાશના એક ગ્લાસના રૂ. 200 વસૂલ્યા હોવાનું બિલ વાઈરલ થયું છે. ઘણા સમય પહેલા અભિનેતા રાહુલ બોઝે ફાઈવ સ્ટાર હોટેલમાં ઈંડા અને કેળાનો ભાવ અનેકગણો વસૂલવામાં આવતો હોવાની પોસ્ટ કરી હતી, જે ઘણી વાયરલ થઈ હતી.
વળી, ગુજરાતમાં ખાસ કરીને કાઠીયાવાડમાં છાશ બારેમાસ પીવાય છે અને જેમના ઘરે દૂજાણા હોય તે મફતમાં પણ આપતા હોય છે. જાણીતી ડેરીઓની છાશ પણ 12થી 15 રૂપિયામાં અડધો લિટર આવે છે અને તે પણ લોકોને મોંઘી લાગે છે ત્યારે રૂ. 200 એક છાશના ગ્લાસના સાંભળી ગરમીમાં ઠંડી ચડી જાય તેવું છે.
ગુજરાતમાં સોશિયલ મીડિયા પર હાલ એક હોટલનું બિલ વાયરલ થયું છે. જેમાં એક ગ્રાહક પાસેથી એક છાશના ગ્લાસના 200 રૂપિયા વસૂલાયા છે.
ગ્રાહકો પાસેથી ખિસ્સા ખંખેરતા હોટલ સંચાલકો તો ઘણા છે. પરંતું જો છાશના એક ગ્લાસના 200 રૂપિયા વસૂલવામા આવે તો સો ટકા આંચકો લાગે. ગ્રાહકે હોટલમાંથી છાશના 6 ગ્લાસનો ઓર્ડર આપ્યો હતો, જેમાં માત્ર 6 છાશનું બિલ 1200 રૂપિયા બન્યું છે. તે સિવાય અન્ય વસ્તુઓના પૈસા થયા તે અલગ. ફોર સ્ટાર ગણાતી આ હોટલમાં ચીઝ ઢોસા કરતા તો છાશ મોંઘી છે. ચીઝ ઢોંસાના 300 રૂપિયા અને છાશના એક ગ્લાસના 200 રૂપિયા કેટલા વાજબી ગણાય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નેટીઝન્સ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
બિલ વાયરલ થતાં હોટેલના મેનેજરે ગુણવત્તાને આગળ ધરી છે. ફોર સ્ટાર હોટેલ હોવાથી અન્ય સુવિધાઓ પણ હોય તે સમજી શકાય, પરંતુ છાશ જેવી વસ્તુના આટલા ભાવ ગળે ઉતરતા નથી. જોકે આ એક જ હોટેલ નહીં, મોટા ભાગની હોટેલો સારા એમ્બિયસ અને ક્વોલિટી ફૂડ અને સર્વિસના નામે ખૂબ તગડા ભાવ વસૂલે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ ખાતે તમામ પ્રકારના પર્યટકો આવે છે અને તેમાંથી ઘણા માટે આ કોઈ બહુ મોટી રકમ નથી, વળી હોસ્પિટાલિટી બિઝનેસ અને ફાઈવ સ્ટાર હોટેલો લક્ઝરીમાં ગણાતી હોવાથી કોઈ ખાસ કકળાટ થતો નથી, પરંતુ રોજનું ગણી ગણીને કમાતો અને ખર્ચતો મધ્યમવર્ગ આવા ભાવ સાંભળી ચોંકી જાય તે સ્વાભાવિક છે.