Homeધર્મતેજઅસત્ય સત્યના વાઘા પહેરીને ચાલી રહ્યું છે અને સત્યને આકરી કસોટીમાંથી પસાર...

અસત્ય સત્યના વાઘા પહેરીને ચાલી રહ્યું છે અને સત્યને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

કોઈને સીધા કરવાની વાત
જવા દો, આપણામાં પરિવર્તન
આવ્યું તો બધું બદલાઈ જશે
ચહેરા પર ચહેરા જોયા
માણસ ઉર્ફે મહોરાં જોયાં
છે અસતને અહીંયાં રાહત
સતની ઉપર પહેરા જોયા
સીધા સાદા માણસને મેં
સાગરથી પણ ગહેરા જોયા
મૌનને મારા સમજે કોણ
કાનોવાળા બહેરા જોયા
વર્ષો પહેલાં તેં લખેલા
કાગળ આજે કોરા જોયા
ડો. ઈન્તેખાબ અન્સારીની આ રચના જીવનની વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. આ જગતમાં માણસ અનેક ચહેરા લગાવીને બેઠો છે. તેને ઓળખવાનું મુશ્કેલ છે. માણસ જેવો છે તેવો દેખાતો નથી. લોકો વાંકું પડે ત્યારે વાત વાતમાં કહેતા હોય છે ‘તમને આવા નહોતા ધાર્યા.’ વર્ષોનો સંબંધ હોવા છતાં કેટલીક વખત માણસને ઓળખી શકાતો નથી. સીધો સાદો દેખાતો માણસ પણ આટલો ઊંડો હશે તે કળી શકાતું નથી. આ જગતમાં અસત્ય સત્યના વાઘા પહેરીને ચાલી રહ્યું છે અને સત્યને આખરી કસોટીમાંથી પસાર થવું પડે છે.
આપણે શબ્દોમાં જીવીએ છીએ એટલે મૌનની, હૃદયની ભાષાને આપણે સમજી શકતા નથી. શબ્દોની ભાષા શિષ્ટાચારની ભાષા છે. હૃદયની ભાષા પ્રેમની ભાષા છે. સત્ય આજે ડરામણું બની ગયું છે. તેનો સામનો કરવો મુશ્કેલ છે. સાચું સાંભળવાનું આવે છે ત્યારે લોકો આંખ આડા કાન કરે છે. સ્વાર્થ આવે ત્યારે સત્ય, અસત્ય, સારું, નરસું, શુભ, અશુભ બધા ભેદ ભુલાઈ જાય છે. સમયની સાથે સંબંધો પણ વીસરાઈ
જાય છે.
આ જગતમાં લોકો એકબીજાને સુધારવા મથી રહ્યા છે, પરંતુ પોતાની જાતને સુધાર્યા વગર જગતને સુધારવાનું મુશ્કેલ છે. આપણા પોતાનામાં પરિવર્તન આવી જાય તો જગતમાં પરિવર્તન થયેલું જ લાગશે. આજે કોઈ પણ પ્રશ્ર્ન ઊભો થાય ત્યારે લોકો જાત જાતની સલાહ આપશે, પણ મદદ નહીં કરે. સલાહ એક એવી વસ્તુ છે જે આપવી ગમે છે, પણ લેવી ગમતી નથી. કેટલાક નજીકના લોકો આ માટે આગ્રહશીલ હોય છે. આપણે તેમની સલાહ ન સ્વીકારીએ તો તેમને માઠું લાગી જાય છે. આમાં કાંઈ આડું અવળું થઈ જાય તો તેઓ આપણને ધમકાવે છે – ‘મારી સલાહ માની હોત તો આ હાલત ન થાત.’ બીમારી આવી ગઈ, આર્થિક મુશ્કેલી પડી કે વ્યવહારનો કોઈ પ્રશ્ર્ન ઊભો થયો તો સમાજમાં રહેલા આવા કાજીઓ આપણને જાત જાતની સલાહ આપીને આપણું મગજ ખરાબ કરી નાખશે. દરેક માણસને એમ લાગે છે કે પોતે કંઈક જાણે છે, સમજે છે, બીજા કરતાં વધુ અનુભવી છે, કંઈક વિશેષ છે. આવા ભ્રમમાં એ રાચે છે. સાચું સાંભળવાનું કોઈને ગમતું નથી. વખાણ અને પ્રશંસાયુક્ત વાતો સાંભળવાનું સૌને ગમે છે. માણસ પોતાના લાભની, સ્વાર્થની વાત ધ્યાનપૂર્વક સાંભળતો હોય છે. બીજી બધી વાતો એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે.
દરેક માણસ માને છે કે પોતે કહે તે સાચું છે. સમાજમાં પોતાનો કક્કો સાચો ઠેરવવા જાત જાતના પેંતરા થતા હોય છે. કોઈ પોતાની કહેવાતી સાચી વાત ન માને ત્યારે અહં ઘવાય છે. કેટલાકને તેમાં પોતાનું અપમાન લાગે છે. મોટા ભાગનાં મનદુ:ખો આમાંથી ઊભા થતાં હોય છે. કોઈ કાંઈ સંભળાવી જાય, ઊંચા સાદે બોલી જાય, ઠપકો આપે, ટીકા કરે ત્યારે માણસનું મન ઘવાય છે. મનના ઘા જલદીથી રુઝાતા નથી. પોતાનું અપમાન કે અવહેલના થઈ હોય તેનો બદલો લેવાનો માણસ મોકો શોધતો હોય છે. કડવાં વચનો દ્વારા એકબીજાને પરાસ્ત કરવા પ્રયાસો થતા હોય છે. આ બધાના મૂળમાં એક જ વાત હોય છે – ‘હું કહું એ સાચું, બીજું બધું ખોટું.’ સંબંધો અને વ્યવહારમાં આવી નાની નાની અણગમતી વાતો ભુલાતી નથી. આવી નકામી વાતોથી પૂર્વગ્રહનાં ઝાળાંઓ ગૂથાતાં રહે છે. કોઈ પણ માણસ પ્રત્યે પૂર્વગ્રહ ઊભો થાય ત્યારે તેની કોઈ વાત સમજવા મગજ તૈયાર હોતું નથી. દરેક માણસ પોતાની રીતે બીજાને મૂલવવાનો પ્રયાસ કરે છે. માણસનું પોતાનું એક આભાસી જગત હોય છે. તેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બને છે.
માણસ પોતાના ખ્યાલો અને વિચારો મુજબ જીવે છે અને પોતાની ઊણપ અને નબળાઈ છુપાવવાનો પ્રયાસ કરે છે. એટલે તેને બહારનો દેખાવ કરવો પડે છે. માણસ દુ:ખી અને પરેશાન છે તેનું કારણ તે પોતાની રીતે જીવતો નથી. માણસને ધનનું, અહંકારનું, અભિમાનનું અને મોટાઈનું પડ વળગેલું છે. તે સુખચેનથી જીવવા દેતું નથી. આમાં જરાક ટાંકણી ભોંકાય તો ઊંડા ઘા પડી જાય છે. જે કંઈ લાયકાત મુજબ મળે છે તે ટકી રહે છે અને ખોટા દેખાવ દ્વારા જે ઊભું થાય છે તે પાણીના પરપોટા જેવું હોય છે તે લાંબો સમય ટકતું નથી. આમ છતાં માણસો કીર્તિ, પદ, પ્રતિષ્ઠા અને માનમોભો મેળવવા હવાતિયાં મારતા હોય છે. થાકી જાય પણ આ દોડ બંધ થતી નથી. આપણે દુનિયાની ચિંતા છોડી દઈએ, જેને જે કહેવું હોય તે કહે, મન પર વાત ન લાવીએ, બીજાની બાબતમાં માથું ન મારીએ અને આપણી પોતાની રીતે આગળ વધતા રહીએ તો જીવન સુખનો સાગર છે.
જીવનમાં જે કંઈ બને સુખ, દુ:ખ તે પ્રભુની પ્રસાદી ગણીને સ્વીકારી લેવાનું હોય છે. અંતરાયો અને મુશ્કેલીઓ આવવાનાં છે. આ પણ કાયમી નથી. સમયની સાથે બધું બદલાતું જાય છે. આનાથી વ્યથિત થવાની જરૂર નથી. બીજાની ચિંતા છોડો. આ જગત જેવું છે તેવું રહેવાનું છે. આ અંગે સ્વામી વિવેકાનંદની એક દષ્ટાંત કથા પ્રેરક છે.
એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો. ધન મેળવવાની તેની પ્રબળ ઈચ્છા હતી. તેણે સાંભળ્યું હતું કે ભૂતપ્રેતને વશ કરવામાં આવે તો જોઈતું બધું તે લાવી આપે. અલાઉદ્દીનના ચિરાગ જેવા જીનની શોધમાં તે નીકળ્યો અને કઠિન સાધના કરી. આ સાધનામાં એક સિદ્ધ મહાત્મા મળી ગયા. આ માણસે પોતાની ઈચ્છા દર્શાવી. મહાત્માએ પ્રથમ તો તેને ના પાડી અને કહ્યું આ લફરામાં પડવા જેવું નથી, પણ આ માણસ માનવા તૈયાર થયો નહીં અને ખૂબ આજીજી કરવા લાગ્યો કે એક વખત મારી આ મનોકામના પૂર્ણ કરો.
મહાત્માએ છેવટે કંટાળીને એક તાવીજ આપ્યું અને કહ્યું આ તાવીજ તારી પાસે રાખ અને હું કહું તે મંત્ર ત્રણ વખત બોલજે એટલે જીન તારી સમક્ષ હાજર થઈ જશે, પરંતુ એક વસ્તુ યાદ રાખજે, તેને રાત-દિવસ કામ આપ્યા કરજે, એને નવરો રહેવા દેતો નહીં, નહિતર તને ભરખી જશે.
પેલા માણસે વિચાર્યું કે મારી પાસે ઘણાં કામ છે. મારે ઘણું મેળવવાનું છે. એ નવરો ક્યાં રહેવાનો છે. તેણે મહાત્માની રજા લીધી અને ઘેર ગયો. તાવીજ હાથમાં રાખીને ત્રણ વખત મંત્રનો જાપ કર્યો અને ખરેખર જીન તેની સમક્ષ હાજર થઈ ગયો અને બોલ્યો, ‘માલિક, શી આજ્ઞા છે?’
આ માણસ જે કંઈ કામ સોંપે તેને પલકવારમાં તે કરી આપતો હતો. ધન, સંપત્તિ, મહેલાતો, આભૂષણો જે માગ્યું તે તેણે હાજર કર્યું. જે કંઈ હુકમ થતો તે થોડી વારમાં હાજર થઈ જતું હતું. આ માણસે મેળવવા જેવું બધું મેળવી લીધું. મોટાં કામો પણ તે ક્ષણવારમાં પૂરાં કરી આપતો હતો. માણસ હવે કામ આપતાં પણ થાકી ગયો. તેને નવરો બેસવા દેવાય નહીં. માણસની ચિંતા વધી ગઈ. તે ખૂબ પરેશાન થઈ ગયો. રોજ તેને શું કામ સોંપવું. તેનું જીવન મુશ્કેલ થઈ ગયું.
તે પાછો મહાત્મા પાસે આવ્યો અને કહ્યું કે ‘મને આમાંથી બચાવી લો. મારે કાંઈ જોઈતું નથી. મારી પહેલાંની જિંદગીમાં મને પાછો મૂકી દો.’
મહાત્માએ કહ્યું, ‘મેં તને પહેલાં જ કહ્યું હતું કે આમાં પડ નહીં. હવે એક ઉપાય છે. જો આ સામે કૂતરું ઊભું છે તેની પૂંછડી સીધી કરવાનું કામ તેને સોંપી દે. લાખ ઉપાય કરશે તો પણ એ સીધી નહીં થાય અને તે સતત કામમાં રહેશે.’
પેલા માણસે જીનને આ કામ સોંપી દીધું. જીને કૂતરાની પૂંછડી પકડી અને ખૂબ સાવધાનીપૂર્વક સીધી કરી, પણ તેના પરથી હાથનું દબાણ જરાક ઓછું થયું કે તે વાંકી ને વાંકી. હવે જીન પરેશાન થઈ ગયો.
હકીકતમાં આ જગત પણ કૂતરાની પૂંછડીની જેવું વિચિત્ર અને વાંકું છે. અનેક મનુષ્યો હજારો વર્ષથી તેને સીધું કરવાનો પ્રયત્ન કરતા આવ્યા છે, પણ તે વાંકું ને વાંકું રહ્યું છે. હજારો ઉપાય કરો તે સીધું થવાનું નથી અને તેને સીધું કરવાની જરૂર પણ નથી. જરૂર છે આપણે પોતે સીધા થઈ જવાની. આપણે સુધરીશું તો જગત સુધરેલું દેખાશે. આપણામાં પરિવર્તન આવ્યું તો બધું બદલાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular