વિશ્ર્વ બજાર પાછળ સોનાના ભાવ ઘટતાં માગમાં સળવળાટ

વેપાર વાણિજ્ય

વૈશ્ર્વિક ભાવની તુલનામાં ડિસ્કાઉન્ટ ઘટ્યા

કોમોડિટી -રમેશ ગોહિલ

વધતા ફુગાવાને ડામવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેવી શક્યતા સાથે ગત સપ્તાહ દરમિયાન વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ સાપ્તાહિક ધોરણે ગત મે મહિનાના મધ્ય પછીનો સાપ્તાહિક ધોરણે ભાવમાં સૌથી મોટો ૩.૭ ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ગત સપ્તાહે ડૉલર સામે રૂપિયામાં ૨૮ પૈસાનું ધોવાણ થવાને કારણે સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો સાપ્તાહિક ધોરણે ૨.૬૨ ટકા સુધી મર્યાદિત રહ્યો હતો.
એકંદરે આગલા સપ્તાહે સરકારે ચાલુ ખાતાની વધતી ખાધને અંકુશમાં રાખવા માટે સોના પરની આયાત જકાતમાં પાંચ ટકાનો વધારો કર્યો હોવાથી સપ્તાહના આરંભે સ્થાનિક ઝવેરી બજારમાં થોડાઘણાં અંશે જ્વેલરી ઉત્પાદકો સહિત રિટેલ સ્તરની માગ રૂંધાઈ હતી, પરંતુ વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિકમાં પણ સોનાના ભાવ દબાણ હેઠળ આવતા માગમાં સળવળાટ જોવા મળ્યો હોવાનું એક ડીલરે જણાવતા ઉમેર્યું હતું કે માગ ખૂલવાની સાથે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ જે વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં જે આગલા સપ્તાહે ઔંસદીઠ ૪૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ૨૮ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા. જોકે, નવી દિલ્હીસ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે હાલના તબક્કે સોનાના વૈશ્ર્વિક ભાવમાં બેતરફી વધઘટ અને સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો પણ તળિયું શોધી રહ્યો હોવાથી અમુક ખરીદદારો અવઢવમાં મુકાઈ જતાં નવી ખરીદી મોકૂફ રાખી હોવાનું જણાય છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો પહેલી જુલાઈના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨,૨૧૮ના બંધ સામે સાધારણ સુધારા સાથે રૂ. ૫૨,૩૩૯ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૫૨,૪૧૧ સુધી પહોંચ્યા બાદ અંતે સપ્તાહની નીચી રૂ. ૫૦,૮૫૩ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૬૫નો અથવા તો ૨.૬૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
તાજેતરમાં વૈશ્ર્વિક સ્તરે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ઘણાં છૂટાછવાયા વિસ્તારોમાં કોવિડ-૧૯ના પ્રસારને અટકાવવા માટે લાદવામાં આવેલાં લૉકડાઉનનાં નિયંત્રણોને કારણે સોનામાં માગ નિરસ રહી હતી અને માત્ર છૂટાછવાયા હાથબદલાનાં કામકાજો થયાં હોવાનું ગ્રેટર ચાઈનાસ્થિત એમકેએસ પીએએમપીના રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતાં ઉમેર્યું હતું કે ચીનની સરકારે અર્થતંત્રમાં માગનો સંચાર પૂરવા માટે સ્ટિમ્યુલસ પેકેજમાં વધારો કરવામાં આવશે, એવું જણાવ્યું હોવા છતાં અપેક્ષિત માગનો વસવસો રહ્યો હતો. જોકે, ગત સપ્તાહે સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૦૦ ડૉલરની સપાટીની અંદર ઊતરી જતાં સિંગાપોર ખાતે રોકાણકારોની ઘટ્યા મથાળેથી લેવાલી નીકળી હોવાનું એક ડીલરે જણાવતાં ઉમેર્યું હતું કે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વિશ્ર્વ બજારની સરખામણીમાં ઔંસદીઠ ૧.૩૦થી ૧.૬૦ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા.
ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હોવાના નિર્દેશો સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સપ્તાહના અંતે સોનામાં ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યો હોવા છતાં સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા અને ભાવમાં સાપ્તાહિક ધોરણે ૩.૪ ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો અને સતત ચોથા સપ્તાહમાં ભાવ ઘટી આવ્યા હતા. જોકે, સપ્તાહના અંતે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધવાની સાથે ઈક્વિટી માર્કેટમાં સુધારો આવ્યો હતો, જ્યારે ક્રૂડતેલના ભાવમાં પુરવઠાની ચિંતા વચ્ચે ભાવ વધી આવ્યા હતા. તેમ જ અમેરિકા ખાતે સાપ્તાહિક ધોરણે બેરોજગારી ભથ્થું મેળવનારાની સંખ્યામાં અનપેક્ષિતપણે વૃદ્ધિ અને જૂન મહિનામાં રોજગારીમાંથી છૂટા કરવાની સંખ્યામાં વધારો થવાથી વ્યાજદરમાં વધારાને કારણે આર્થિક વૃદ્ધિ મંદ પડે તેવી ભીતિ સપાટી પર આવી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની સમીક્ષાની બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા છે, પરંતુ ત્યાર બાદ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડે તેવી ધારણા મુકાઈ રહી છે. આમ વ્યાજદરમાં વધારાની શક્યતા અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં અમારા મતાનુસાર આગામી સપ્તાહે સોનાના ભાવ દબાણ હેઠળ રહે તેમ જણાય છે. તેમ જ સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ માટે ઔંસદીઠ ૧૭૧૦ ડૉલર અને ૧૬૭૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ઔંસદીઠ ૧૭૭૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯,૫૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની અને રૂ. ૫૨,૦૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેમ જણાય છે.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચી સપાટીએથી પાછો ફરતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૭૪૧.૯૪ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૪૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ છતાં સાપ્તાહિક ધોરણે ૩.૭ ટકાના ઘટાડા સાથે સતત ચોથા સપ્તાહમાં ભાવ ઘટી આવ્યા હતા. એકંદરે જૂન મહિનામાં અમેરિકા ખાતે રોજગાર વૃદ્ધિ અપેક્ષા કરતાં સારી રહી હતી. તેમ જ બેરોજગારીનો દર કોવિડ-૧૯ પૂર્વેની ન્યૂનતમ સપાટી આસપાસ રહ્યો હોવાથી મહિનાના અંતની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી
રહ્યા છે.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.