મહાઠગ કિરણ પટેલ ગુજરાતના મોટા નેતાઓ અને મહત્વના સરકારી અધિકારીઓ સાથે નજીકના સંબંધ ધરવતો હોવાની ચર્ચા છે. આ કેસ ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયના વરિષ્ઠ પબ્લિક રિલેશન ઓફિસર(PRO) હિતેશ પંડ્યાના પુત્રની સંડોવણી સામે આવતા રાજકારણ ગરમાયું છે. હિતેશ પંડ્યાએ વિવાદને પગલે રાજીનામું આપી દીધું છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યાએ ઠગ કિરણ પટેલ સાથે મળીને જમ્મુ અને કાશ્મીર પ્રશાસન અને સુરક્ષા તંત્રને ઝેડ-પ્લસ સુરક્ષા, ફાઈવ સ્ટાર હોટલમાં સત્તાવાર રહેઠાણ અને અન્ય ઘણા લાભો મેળવવા માટે છેતર્યા હતા.
તમને જણાવી દઈએ કે હિતેશ પંડ્યા 2001થી ગુજરાતના મુખ્યપ્રધાન જનસંપર્ક અધિકારી (PRO) તરીકે કામ કરી રહ્યા હતા. તેમણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. પોતાના રાજીનામાના પત્રમાં હિતેશ પંડ્યાએ રીતે લખ્યું છે કે તેઓ નથી ઈચ્છતા કે વડાપ્રધાન કાર્યાલય અને ગુજરાતના મુખ્યપ્રધાન કાર્યાલયની છબી ખરડાય.
તેમને લખ્યું કે, “મારો પુત્ર નિર્દોષ છે. જો કે, હું નથી ઈચ્છતો કે CMO અને PMOની છબી કલંકિત થાય, અને તેથી હું મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.” હિતેષ પંડ્યાએ તેમને અપાયેલો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હિતેષ પંડ્યા અહીં પરિવાર સાથે રહેતા બ હતા, તેઓ શેલામાં પોતાના ખનગી બંગલોમાં રહે છે.
હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ભાજપના ઉત્તર ગુજરાતના સોશિયલ મીડિયા વિભાગના પ્રભારી હતા. ગુજરાત ભાજપે અમિત પંડ્યાને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હોવાના પણ અહેવાલ છે.
જોકે, જમ્મુ અને કાશ્મીર પોલીસે આ કેસમાં અમિત પંડ્યાનું નામ આરોપી તરીકે નોંધ્યું નથી. તેના બદલે અમિત અને તેના સાથીદાર જય સીતાપરાને કેસમાં સાક્ષી બનાવવામાં આવ્યા છે. પીએમઓના વરિષ્ઠ અધિકારી તરીકે ચાર મહિનાથી વધુ સમય સુધી સત્તાવાર પ્રોટોકોલ ભોગવ્યા બાદ ઠગ કિરણ પટેલની આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે પોલીસે અમિત અને જય સીતાપરાને છોડી મુક્યા હતા.