Homeદેશ વિદેશખોટા સમાચાર દેશમાં તંગદિલી ફેલાવી શકે છે: મોદી

ખોટા સમાચાર દેશમાં તંગદિલી ફેલાવી શકે છે: મોદી

સમગ્ર દેશમાં પોલીસનો યુનિફોર્મ એક હોવો જોઈએ: વડા પ્રધાન

સૂરજકુંડ (હરિયાણા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા સૌથી મોટી શક્તિ છે, પરંતુ એના ઉપયોગમાં સાવચેતી રાખવી જોઈએ. ખોટા સમાચાર (ફેક ન્યૂઝ)નો નાનો ભાગ દેશભરમાં તણાવ પેદા કરી શકે છે. લોકોએ આ વિશે જાગ્રત થવાની જરૂર છે કે કંઈ પણ ફોરવર્ડ કરતા પહેલાં વિચારો. જે પણ મેસેજ તમારી પાસે આવે એને ફોરવર્ડ કરતા પહેલાં વેરિફાય જરૂર કરી લો. આ ઉપરાંત, સમગ્ર દેશમાં પોલીસનો યુનિફોર્મ એક હોવો જોઈએ. અત્યારે દરેક રાજ્યમાં પોલીસના અલગ-અલગ યુનિફોર્મ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના સૂરજકુંડમાં ગુરુવારથી ચાલી રહેલા મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાનોની ચિંતન શિબિરમાં વર્ચ્યુઅલ ભાગ લીધો હતો. ચિંતન શિબિરનો હેતુ વિઝન ૨૦૪૭નું પ્લાનિંગ કરવાનો છે. ચિંતન શિબિરમાં તમામ રાજ્યોના ગૃહ પ્રધાન, કેન્દ્રશાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ અને અધિકારીઓએ ભાગ લીધો હતો.
ચિંતન શિબિરની શરૂઆતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી ૨૫ વર્ષ અમૃત પેઢીના નિર્માણ માટે હશે. આ અમૃત પેઢીનું નિર્માણ ‘પંચ પ્રાણ’ના સંકલ્પોને આત્મસાત કરીને બનાવવામાં આવશે. આ પંચ પ્રાણ છે એક વિકસિત ભારતનું નિર્માણ, સંસ્થાનવાદી માનસિકતાથી મુક્તિ, વારસા પર ગર્વ, એકતા અને સૌથી મહત્ત્વનું નાગરિકનું કર્તવ્ય.
તેમણે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનોની ઉપર ૨૦ માળની બિલ્ડિંગનું નિર્માણ કરો. સુરક્ષા બનાવો જેથી પોલીસ સ્ટેશન આધુનિક બને અને એના પર રહેવાની વ્યવસ્થા કરવામાં આવે. દરેક શહેરમાં ૨૦-૨૫ પોલીસ સ્ટેશન હશે જેમાં સુધારો કરી શકાય છે જેથી કોઈ પોલીસકર્મીએ ૨૦-૨૫ કિમી દૂર ઘરે ન જવું પડે. કાયદો અને વ્યવસ્થા માટે વિશ્વસનીય હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્માર્ટ ટેકનોલોજીથી કાયદો અને વ્યવસ્થાને સ્માર્ટ બનાવી શકાશે. સાયબર ક્રાઈમ હોય કે ડ્રોન ટૅક્નોલૉજી દ્વારા હથિયારો પહોંચાડવા અને ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે આપણે નવી ટૅક્નોલૉજી પર કામ કરતા રહેવું પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા એક રાજ્ય સુધી સીમિત નથી. ઇન્ટર સ્ટેટ અને ઇન્ટરનેશનલ ક્રાઈમ વધી રહ્યો છે. સરહદ બહારના ગુનેગારો ટૅકનોલૉજીનો દુરુપયોગ કરી રહ્યા છે. તમામ રાજ્ય એજન્સીઓ વચ્ચે સંકલન અને કેન્દ્ર તથા રાજ્યની એજન્સીઓ વચ્ચે સંકલન જરૂરી છે.
આઝાદી પહેલાંના કાયદાઓના રિફોર્મને લઈ મોદીએ જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાક વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરે કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલા રિફોર્મ્સે સમગ્ર દેશમાં શાંતિનું વાતાવરણ બનાવવામાં મદદ કરી છે. હું રાજ્યોને અપીલ કરું છું કે તમે પણ તમારા કાયદાનું વિશ્ર્લેષણ કરો અને એમાં ફેરફાર કરો.
સૂરજકુંડ ખાતે ગૃહ મંત્રાલયની આ ચિંતન શિબિર સહકારી સંઘવાદનું ઉત્તમ ઉદાહરણ છે. આ બંધારણની ભાવના છે અને નાગરિકો પ્રત્યેની આપણી ફરજ છે. દરેક રાજ્યએ એકબીજા પાસેથી શીખવું જોઈએ અને સાથે મળીને કામ કરવું જોઈએ. (પીટીઆઇ)

RELATED ARTICLES

Most Popular