ફહમિદા રિયાઝ : જેને પાકિસ્તાન ભારતની એજન્ટ ગણતું હતું

વીક એન્ડ

ફોકસ -લોકમિત્ર ગૌતમ

પોતાના રાજનૈતિક વિચારોને કારણે હંમેશાં જે પાકિસ્તાનને આંખના કણાની માફક ખૂંચતી હતી તે મહિલા કવિ-શાયર ફહમિદા રિયાઝ ભારત-પાકિસ્તાન બન્નેને એક જ માના બે પુત્ર માનતી હતી જે ૧૯૪૭માં વિખૂટા પડી ગયા. જોકે પાકિસ્તાન તેની આ ફિલોસોફીનો ક્યારેય સ્વીકાર ન કરી શક્યું. કદાચ આ જ કારણ છે કે પાકિસ્તાની હકૂમતે તેના પર ૧૦થી વધુ કેસ ચલાવ્યા હતા. ઝિયા ઉલ હકના સમયમાં તો તેને દેશનિકાલ આપવામાં આવ્યો હતો. ગમે તેટલી વિપત્તિમાં પણ તે હિંદુસ્તાન-પાકિસ્તાન બેઉને પ્રેમ કરતી રહી. એ આ બન્નેને બે અલગ દેશ માનતી જ નહોતી. આ જ કારણસર પાકિસ્તાનની જેમ હિંદુસ્તાનમાં પણ કટ્ટરપંથી પ્રવૃત્તિઓ વધતી ગઇ ત્યારે તેણે હિંદુસ્તાનને લઇને એક કટાક્ષ કાવ્ય પણ રચી કાઢ્યું એ દરેક લોકોએ વાંચવા જેવું છે.
‘તુમ બિલકુલ હમ જૈસે નિકલે, અબ તક કહાં છીપે થે ભાઇ?
વો મૂર્ખતા, વો ઘામડપન, જિસ મેં હમને સદી ગંવાઇ!
આખિર પહોંચી દ્વાર તુમ્હારે અરે બધાઇ, અરે બધાઇ,
પ્રેત ધર્મકા નાચ રહા હૈ, કાયમ હિંદુ રાજ કરોગે?
સારે ઉલટે કાજ કરોગે, અપના ચમન તારાજ કરોગે!
તુમ ભી બૈઠે કરોગે સોચા, પૂરી હૈ વૈસી તૈયારી,
કૌન હૈ હિન્દુ, કૌન નહીં હૈ, તુમ ભી કરોગે ફતવે જારી!
હોગા કઠિન વહાં ભી જીના, દાંતો આ જાયેગા પસીના,
જૈસી તૈસી કટા કરેગી, વહાં ભી સબકી સાંસ ઘૂંટેગી!
માથે પર સિંધૂર કી રેખા, કુછ ભી નહીં પડોશ સે સીખા,
ક્યા હમને દુર્દશા બનાઇ, કુછ ભી તુમ કો નઝર ન આઇ?
કલ દુખ સે સોચા કરતી થી, સોચ કે હંસી આજ આયી,
તુમ બિલકુલ હમ જૈસે નિકલે, હમ દો કોમ નહીં થે ભાઇ!
મશ્કબ કરો તુમ, આ જાયેગા, ઉલ્ટે પાંવ ચલતે જાના,
ધ્યાન ન મન મેં દૂજા આયે, બસ પીછે હી નઝર જમાના!
ભાડ મેં જાયે શિક્ષા-વિક્ષા, અબ જાહિલપન કે ગુન ગાના,
આગે ગડ્ડા હૈ યહ મત દેખો, લાઓ વાપસ ગયા જમાના!
એક જાપ સા કરતે જાઓ, બારંબાર યહી દોહરાઓ,
કૈસા વાર મહાન થા ભારત, કૈસા આલીશાન થા ભારત!
ફિર તુમ લોગ પહુંચ જાઓગે, બસ પરલોક પહુંચ જાઓગે,
હમ તો હૈં પહેલે સે વહાં પર, તુમ ભી સમય નિકાલતે રહેના,
અબ જિસ નરક મેં જાઓ વહાં સે, ચિઠ્ઠી-વિઠ્ઠી ડાલતે રહેના!’
આ કાવ્યથી ખ્યાલ આવે છે કે ફહમિદા રિયાઝ બન્ને દેશમાં લોકતંત્ર ફૂલેફાલે એવી ઇચ્છા રાખતી હતી, કારણ કે એ બન્ને દેશને પોતાના સમજતી હતી. બેઉ દેશમાં માનવ અધિકારો માટે કામ કરતી હતી.
તેમનો જન્મ ૨૮ જુલાઇ, ૧૯૪૬ના દિવસે મેરઠમાં થયો હતો. ત્યાર બાદ તેમનો પરિવાર પાકિસ્તાન જઇને વસ્યો. તેમના પિતા રિયાઝુદ્દિન મશહૂર શિક્ષણશાસ્ત્રી હતા. જે દિવસોમાં ભારતને આઝાદી મળી તે દિવસોમાં તેમની બદલી હૈદરાબાદ શહેરમાં થઇ ગઇ હતી જ્યાં તેઓ પરિવાર સહિત વસી ગયા. જોકે ફહમિદા ફક્ત ચાર વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું અવસાન થઇ ગયું હતું. તેનું પાલનપોષણ માતા હુસ્ના બેગમે કર્યું હતું. ફહમિદાને બાળપણથી જ પરિવારનો સાહિત્યિક વારસો મળ્યો જેની જબરદસ્ત અસર તેના વિચાર અને સંવેદનાઓ પર પણ પડી.
બાળપણમાં તેણે પોતાની માતાને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠતાં જોઇ હતી. આવી પરિસ્થિતિમાં લોકો કેવા ફાયદા ઉઠાવતા હતા એ પણ તેણે જોયું હતું. આ જ કારણસર એ એક નારીવાદી એક્ટિવિસ્ટના રૂપમાં મોટી થઇ. એક સમય બાદ એ માત્ર નારીવાદી નહીં, પણ માનવતાવાદી બની ગઇ. જ્યારે પાકિસ્તાનના સરમુખત્યાર ઝિયા ઉલ હકે તેમનો દેશનિકાલ કર્યો હતો ત્યારે ભારતની પ્રખ્યાત કવયિત્રી અમૃતા પ્રીતમે ભારતનાં તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે વાત કરીને તેમના માટે ભારતમાં રહેવાની વ્યવસ્થા કરાવી હતી. એ ભારતમાં પોતાના પરિવાર સાથે ૭ વર્ષ સુધી રહી. જોકે ભારતમાં રહીને પણ તે પાકિસ્તાનમાં લોકશાહીનો વિકાસ થાય એ માટે અહાલેક જગાવતી રહી, કારણ કે એને પાકિસ્તાન સાથે ઘણો પ્રેમ હતો. એ પાકિસ્તાનને કોઇ સરમુખત્યારની ચુંગાલમાં ફસાઇ જતાં નહોતી જોવા માગતી. એ જ કારણસર જેવો પાકિસ્તાન પરથી ઝિયા ઉલ હકની સરમુખત્યારીનો સિકંજો ખતમ થયો કે એ પાછી પાકિસ્તાન જતી રહી. ફહમિદા જેટલો પણ સમય ભારત રહી સતત પોતાની સાહિત્યિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય રહી. ભારતમાં એ હિન્દી ભાષા પણ શીખી અને ઘણી વાર્તાઓ પણ લખી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.