ફડણવીસ VS ઉદ્ધવ: અહમ્ની લડાઈમાં આરેનું જંગલ પિસાઈ જશે કે પ્રાકૃતિક થશે!

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

મુંબઈ શહેર હંમેશાં દુનિયાથી આગળ રહ્યું છે. અહીંની હવામાં આગળ વધવાની એક અલગ જ તાજગી છે. એટલે જ ઇડીની સરકાર પણ આવતા વેંત જ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહી છે. ન સમજ્યા..? ઈ એટલે એકનાથ શિંદે અને ડી એટલે દેવેન્દ્ર ફડણવીસ. ૨૦૧૪થી મુંબઈકરો એક પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. અને એ છે.. ‘આરે મેટ્રો કાર શેડ’. નિષ્ણાંતોના મતે આ પ્રોજેક્ટ મુંબઈની તાજગી ભરી હવાને રૂંધી નાખશે.
મુંબઇના ગોરેગાંવ ઉપનગરમાં આવેલા ‘આરે’ના જંગલમાં ૩૩.૫ કિલોમીટર લાંબા અંડરગ્રાઉન્ડ કોલાબા-બાંદ્રા-સીપ્ઝ મેટ્રો પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત વર્ષ ૨૦૧૪માં દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. ત્યારથી તેનો ભરપૂર વિરોધ થયો. વર્ષ ૨૦૧૯માં તો ઉદ્ધવ સરકારે આ પ્રોજેક્ટને આરેમાંથી ખસેડીને કાંજૂરમાર્ગમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો અને પર્યાવરણવિદ્ોએ તેને બિરદાવ્યો હતો. પણ ૩૦ જૂન,૨૦૨૨ના રોજ શપથ લીધાના ૧ કલાક પછી થયેલી કેબિનેટની બેઠકમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ સંબોધી એવી જાહેરાત કરી હતી કે, આરેમાં જે જગ્યાએ મેટ્રો કાર શેડનું ૨૫ ટકા કામ થઈ ગયું છે, તે જગ્યા પર ૧૦૦ ટકા કામ થશે. તે જ મુંબઈના હિતમાં હશે, કારણ કે તેનાથી મેટ્રો ઝડપી શરૂ થઈ શકશે. અને ખુદ સીએમ એકનાથ શિંદેએ આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. અમે ભલે ત્યાં વૃક્ષોનું નિકંદન કાઢીએ તેના બદલામાં બીજા વૃક્ષોનું રોપણ પણ મુંબઈમાં થશે. આ ઘટનાના બીજે જ દિવસે ૧ જુલાઈના રોજ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ થઈને કહ્યું હતું કે, જે રીતે મારી પીઠમાં ખંજર માર્યું છે, એ રીતે મુંબઈના ફેફસા સમાન ‘આરે’ના જંગલનો કડૂસલો ન બોલાવો. મારી વિરુદ્ધનો તમારો રોષ મુંબઈકરો કેમ ભોગવે.. !
હાલ ફડણવીસ અને ઉદ્ધવના આ વિરોધાભાસી નિવેદનથી મુંબઈકરો ચિંતામાં મુકાયા છે. પરંતુ એટલું તો સ્પષ્ટ છે કે શિંદેને ગાદી આપી ભાજપ હવે શિવસેના સાથેના પોતાના જૂના રાજકીય હિસાબોને પતાવી રહી છે. પ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે આ સ્થળ પર વિરોધ કઈ વાતનો થઈ રહ્યો છે. વાત છે વર્ષ ૧૯૫૧ની જયારે વડા પ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે ‘આરે કોલોની’નો પાયો નંખાયો હતો તે વખતે ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આ કોલોની બનાવવાનું નક્કી થયું હતું. એ સમયે નહેરુ સહિત ઉપસ્થિત સૌએ વૃક્ષારોપણ કર્યું હતું. આ કોલોની આજે ૩૧૬૬ એકર વિસ્તારના જંગલમાં પરિવર્તિત થઈ ગઈ છે.
આજના પ્રદૂષણયુક્ત વાતાવરણમાં ‘આરે’ને મુંબઈના પ્રાણવાયુ તરીકે ઓળખાય છે. હાલ આ જંગલમાં ૪૫ લાખ વૃક્ષ છે. જે સમગ્ર શહેરની ૯૩ લાખની વસ્તીને શુદ્ધ હવા પૂરી પાડે છે. અહીં વનસ્પતિઓ અને જીવોની ૩૦૦થી વધુ પ્રજાતિઓ છે. પતંગિયાની ૮૬, કરોળિયાની ૯૦ અને સરીસૃપ જીવોની ૪૬ સ્પીશીઝ અહીં વસવાટ કરે છે. આરેમાં ૧૦ હજાર આદિવાસીઓનાં ઘર છે. હવે તો આરે ‘પિકનિક સ્પોટ’ તરીકે પોપ્યુલર થતાં વીકએન્ડમાં અહી લોકોનો મેળો ભરાય છે.
આ સ્થળ બસ પિકનિક સ્પોટ તરીકે જ જાણીતું હતું. પણ ૮ વર્ષ પહેલા આરેના જંગલ પર મેટ્રો કાર શેડ નામે વિવાદ શરૂ થયો હતો. ૨૦૧૪માં મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાના ગઠબંધન વાળી સરકાર હતી. દેવેન્દ્ર ફડણવીસ સીએમ હતા. ફડણવીસે ‘આરે’માં ૩૩.૫ કિલોમીટર અન્ડગ્રાઉન્ડ કોલાબા-બ્રાંદ્રા-સિપેઝ મેટ્રો પ્રોજેક્ટ માટે કાર શેડ બનાવવાના પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત આરેમાં ૨૭૦૦થી વધુ ઝાડ કાપવાના હતા.
આ જાહેરાતની થતાની સાથે જ પર્યાવરણ એક્ટિવિસ્ટ્સ અને વિદ્યાર્થીઓએ તેનો વિરોધ શરૂ કર્યો હતો. પર્યાવરણવિદ્ોએ આ કાર શેડને બીજી જગ્યાએ શિફ્ટ કરવાની માગ કરી હતી. તેમણે એવી શક્યતા વ્યક્ત કરી કે આ કાર શેડથી બાયોડાયવર્સિટી, એટલે કે જૈવ-વિવિધતા નષ્ટ થશે. પણ સરકારે બહુ ધ્યાન ન દીધૂ. પરંતુ ફડણવીસને ત્યારે ઝટકો લાગ્યો જ્યારે તેની જ સહયોગી શિવસેનાએ આ પ્રોજેક્ટની સામે વિરોધનો વાવટો ફરકાવ્યો. તેની આગેવાની શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેના લીડર આદિત્ય ઠાકરે કરી રહ્યાં હતા.
૨૦૧૯માં પર્યાવરણ એક્ટિવિસ્ટ અને આરેના સ્થાનિક લોકોએ ઝાડ કાપવાની પરવાનગી આપવાના બીએમસી ટ્રી ઓથોરિટીના નિર્ણયને બોમ્બે હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. ઝાડને કાપવાને લઈને એક્ટિવિસ્ટથી લઈને બોલિવૂડ એક્ટર સુધીના લોકો સેવ આરે કેમ્પેન માટે રસ્તા પર ઊતરી આવ્યા હતા. જેમાં દિવંગત લતા મંગેશકર, શ્રદ્ધા કપૂર, રવિના ટંડન જેવા બોલીવૂડના સ્ટાર્સ પણ વૃક્ષો નહી કાપવા માગ કરી રહ્યા હતા. ફડણવીસ સરકારે આ પરિસ્થિતિને જોતા આરેમાં ૧૪૪ની કલમ લાગુ કરી દીધી હતી. એ સમયે ત્યાં ૫૦૦ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસે દેખાવો કરી રહેલા ૨૯ આંદોલનકારીઓની ધરપકડ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટના આદેશ પછી તેમને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા.
વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેએ પણ આરેમાં ઝાડ કાપવાનો વિરોધ કર્યો હતો. તેમણે વાયદો કર્યો હતો કે જો તે સત્તામાં બીજી વખત આવશે તો આ માટે જવાબદાર લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરશે. ત્યારબાદ ચૂંટણી આવી એટલે બધુ શાંત થઈ ગયું. જેવા ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા એ સાથે જ તેમણે આરેના મેટ્રો કાર શેડને કાંજૂરમાર્ગ પર શિફ્ટ કરી દીધો.
પણ કેન્દ્રની ભાજપ સરકારે તેનો વિરોધ કર્યો હતો. અને કેન્દ્ર સરકાર બોમ્બે હાઈ કોર્ટમાં પહોંચી. ૧૬ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ હાઈકોર્ટે ઉદ્ધવ સરકારને ઝટકો આપતા આ પ્રોજેક્ટ પર સ્ટે આપ્યો. સમયે-સમયે આ સ્ટે વધતો ગયો પણ અચાનક મહારાષ્ટ્રની સતામાં પરિવર્તન આવ્યું અને હવે આ પ્રોજેક્ટ ફરી ધમધમતો થયો છે.
અહીં એક વાત વિચારવા જેવી છે કે એકનાથ શિંદે કોઈ મોટા સેલિબ્રિટી નથી. તેમની પોતાની કોઈ આગવી ઓળખ નથી. શિંદે આખા મહારાષ્ટ્રમાં સ્વીકૃત નેતા જ નથી. શિંદે ભાજપની મહેરબાનીથી મુખ્યમંત્રી બન્યા છે. તેથી હવે તે ભાજપના ઈશારે જ કામ કરશે એ સ્વાભાવિક છે. એટલે ભાજપ અને શિવસેનાનો અહમ્ જે પ્રોજેક્ટના કારણે ઘવાયો હતો તેને ભાજપે સત્તામાં આવતા જ શરૂ કરી દીધો છે.
હવે શિંદેને હાથો બનાવીને ભાજપ ઠાકરે પરિવારનું શિવસેના પરથી વર્ચસ્વ ખતમ કરી રહી છે. મજાની વાત એ છે કે, ઠાકરે પરિવારનો પ્રભાવ ખતમ કરવા બાળાસાહેબના નામનો જ ઉપયોગ થઈ રહ્યો છે. શિંદેએ પોતે બાળાસાહેબના રસ્તે ચાલી રહ્યા હોવાનો દાવો કર્યો છે. કેન્દ્રીય એજન્સીઓ તો શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓ પાછળ હાથ ધોઈને પડી જ છે.
હવે મહારાષ્ટ્ર સરકારની એજન્સીઓ પણ મહાવિકાસ આઘાડી અને ઠાકરે પરિવારની પાછળ પડી ગઈ છે. ઠાકરે પરિવાર સામે ભ્રષ્ટાચારના ઘણા આક્ષેપો થયેલા જ છે. મુંબઈના પોલીસ કમિશનર પરમબિર સિંહે દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવાનો આદેશ તત્કાલિન ગૃહ મંત્રી અનિલ દેશમુખે આપેલો એવો આક્ષેપ કરેલો. સુશાંતસિંહ રાજપૂત કેસમાં આદિત્ય ઠાકરેનું નામ ચગેલું હતું. ઉધ્ધવનાં પત્ની રશ્મિ ઠાકરે સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની ઈડી તપાસ કરી રહી છે. સંજય રાઉત તથા તેમના પરિવારની પણ ઈડી તપાસ કરી જ રહી છે.
આ તો થોડાંક ઉદાહરણ આપ્યાં પણ બીજાં ઘણા આવા કેસ છે જે સમય આવ્યો બહાર આવી શકે છે. પણ આ અહમ્ના યુદ્ધમાં જંગલનો ભોગ લેવાશે તો મુંબઈની સ્વચ્છ આબોહવાનું શું થશે એ વિચારવા જેવું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.