કેટલાક લોકો કોંકણનો વિકાસ નથી ઇચ્છતા. તેઓ કોંકણને પછાત રાખવા માગે છે, જેથી અહીંના લોકોની લાગણીઓને ઉશ્કેરીને રાજનીતિ કરી શકાય, પરંતુ અમે કોંકણનો વિકાસ કરવા માગીએ છીએ અને અમે કોંકણમાં રિફાઇનરી બનાવીને જ રહીશું, એમ રાજ્યના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુંબઇમાં આયોજિક કોંકણ મહોત્સવમાં જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે કેટલાક લોકો રિફાઇનરી વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે. કોંકણમાં રિફાઇનરીને કારણે એક લાખ લોકોને સીધી રોજગારી મળશે અને નાણા પ્રધાન તરીકે તેઓ હંમેશા કોંકણની પડખે રહેશે. દેવેન્દ્ર ફડણવીસે એમ પણ કહ્યું હતું કે તેઓ કોંકણી લોકોને રોજગાર આપશે અને કોંકણમાં પર્યટનનો વધુ વિકાસ પણ કરશે.
આ સમયે દેવેન્દ્ર ફડણવીસે પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પર પણ આડકતરી રીતે પ્રહારો કર્યા હતા. અગાઉની ગઠબંધન સરકાર દરમિયાન જ્યારે હું મુખ્ય પ્રધાન હતો ત્યારે કોંકણ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે, છેલ્લા અઢી વર્ષમાં મહા વિકાસ આઘાડી સરકારે આ તમામ યોજનાઓ બંધ કરી દીધી હતી. એ કમનસીબી છે કે સૌથી વધુ અન્યાય કોંકણને જ કરવામાં આવ્યો જ્યારે કોંકણને હંમેશા આશીર્વાદ આપનારાઓ રાજ્યના નેતાઓ હતા, પરંતુ હવે એકનાથ શિંદે રાજ્યના મુખ્ય પ્રધાન છે જેમની કર્મભૂમિ કોંકણ છે. તેમજ નાણા પ્રધાન તરીકે હું પણ કોંકણની પડખે ઉભો છું. કોંકણવાસીઓએ હવે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કોંકણ માટે અગાઉ બંધ કરાયેલી યોજનાઓ ફરી શરૂ કરવામાં આવશે. કોંકણમાં કાજુ, સોપારી અને નાળિયેર ઉત્પાદકોના વિકાસ અને પ્રવાસન માટે વધુ સારી યોજનાઓ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર આ કામને આગળના તબક્કામાં લઈ જશે.
કોંકણની સંસ્કૃતિ મારી સામે છે. ક્યારેક મને ખબર નથી પડતી કે કોંકણની કેરી મીઠી છે કે કોંકણી માણસ વધારે મીઠો અને મધુરો છે. કોંકણી માણસ ખૂબ જ સીધો અને શુદ્ધ હોય છે, પણ તમે જો એને સારાઇને લલકારો અને એની સાથે પંગો લેવાની કોશઇશ કરો તો તમારી ચાર પેઢી સુધી તમને એ નહીં છોડે, એમ પણ ફડણવીસે જણાવ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોંકણમાં બારસુ-સોલગાંવ રિફાઈનરી કોઈપણ સંજોગોમાં બનશે. અગાઉ, જ્યારે અમે કોંકણમાં રિફાઈનરી લાવવાનું નક્કી કર્યું ત્યારે તે ગ્રીન રિફાઈનરી હશે, એમ નક્કી કર્યું હતું. આ રિફાઈનરી માટેની ટેકનોલોજી નવી છે, તેમાં શૂન્ય ઉત્સર્જન હશે. તેની સાથે અમે એ પણ શરત રાખી છે કે 5000 એકર માત્ર હરિયાળી હોવી જોઈએ. આ રિફાઇનરીથી કોંકણમાં 1 લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર અને 5 લાખ લોકોને પરોક્ષ રોજગાર મળશે. જોકે, કેટલાક લોકો રિફાઇનરી વિશે ખોટી વાતો ફેલાવે છે. એવુી વાતો ફેલાવવામાં આવી રહી છે કે જો રિફાઇનરી આવશે તો કોંકણમાં કેરી નહીં મળે. ગુજરાતમાં જામનગર ખાતે દેશની સૌથી મહત્વપૂર્ણ રિફાઈનરીઓ પૈકીની એક છે. આ વિસ્તાર કોંકણ પછી બીજા ક્રમે વિદેશમાં સૌથી વધુ કેરીની નિકાસ કરે છે. જોકે, કેટલાક લોકો કોંકણને પાછું રાખવા માગે છે. આથી આ લોકો રિફાઈનરીનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ, અમારી સરકાર અહીં રિફાઇનરી સ્થાપશે જ.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં કેટલાક મોટા પ્રોજેક્ટ રાજ્યમાંથી અન્ય રાજ્યોમાં જઈ રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકાર કોંકણમાં રિફાઈનરી પ્રોજેક્ટને લઈને મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. રાજ્ય સરકાર આગામી સપ્તાહે આ પ્રોજેક્ટની જાહેરાત કરે તેવી શક્યતા છે.
અમે કોંકણમાં રિફાયનરી બનાવીને જ રહીશું, કોંકણ મહોત્સવમાં ડેપ્યુટી સીએમનો હુંકાર
RELATED ARTICLES