એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
ઉત્તર-પૂર્વમાં આવેલાં ટચૂકડા રાજ્ય મણિપુરમાં અઠવાડિયા પહેલાં ફાટી નીકળેલી હિંસા તો હાલ પૂરતી શમી ગઈ પણ હવે નવી મોકાણ મડાઈ છે. મણિપુરમાં હિંસા ફાટી નીકળી તેના મૂળમાં મેઈતેઈ સમુદાયનો અનુસૂચિત જનજાતિ (એસટી)માં સમાવેશ કરવાની પ્રક્રિયા ઝડપથી કરવાનો હાઈ કોર્ટનો આદેશ છે. આ આદેશ સામે આદિવાસી સંગઠનોએ મોરચો માંડતાં મણિપુર ભડકે બળ્યું હતું. કેન્દ્ર સરકારે લશ્કરના જવાનોને ઉતારીને હિંસાને તો દબાવી દીધી પણ હવે મણિપુરમાં આદિવાસીઓ માટે અલગ વહીવટીતંત્રની માગ ઊઠતાં નવી મોંકાણ મડાઈ છે.
મણિપુરમાં અત્યારે ભાજપની સરકાર છે અને એન. બિરેનસિંહ મુખ્યમંત્રી છે. બિરેનસિંહ સરકારના બે મંત્રી સહિત ભાજપ સાથે સંકળાયેલા ૧૦ ધારાસભ્યોએ માગ કરી છે કે, ભારતના બંધારણની મર્યાદામાં રહીને મણિપુરમાં આદિવાસીઓ માટે અલગ વહીવટીતંત્રની રચના કરવામાં આવે કે જેથી કુકી અને ઝોમી આદિવાસીઓ મણિપુરના પાડોશી તરીકે શાંતિથી રહી શકે. એક રીતે તેમણે મણિપુરમાં આદિવાસીઓ માટે અલગ રાજ્યની જ માગણી કરી નાંખી છે. આ માગણી કરનારા કુકી અને ઝોમી આદિવાસી સમાજના ૧૦ ધારાસભ્યો છે. આ પૈકી સાત ધારાસભ્યો તો ભાજપના છે જ્યારે બે ધારાસભ્યો ભાજપના સાથી પક્ષ કુકી પીપલ્સ એલાયન્સનો છે અને એક ધારાસભ્ય અપક્ષ છે. હજુ થોડા દિવસ પહેલાં જ ખ્રિસ્તી ચર્ચ તથા સંગઠનોએ મણિપુરમાં આદિવાસીઓના અધિકારોમાં ભાગ પડાવવા સામે ચીમકી આપેલી જ છે ત્યાં હવે આ નવું
કમઠાણ ઊભું થતાં મણિપુરમાં પાછી હિંસા ભડકે એવાં
એંધાણ છે.
રાષ્ટ્રીય સ્તરે મણિપુરની હિંસાની બહુ નોંધ ના લેવાઈ પણ મણિપુરની હિંસા આઘાતજનક ઘટના છે. મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં તોફાને ચડેલાં ટોળાંએ સેંકડો વાહનો અને કેટલાંય ધર્મસ્થાનો સળગાવી દેતાં આખું શહેર ભડકે બળેલું. આદિવાસી અને બિન-આદિવાસીઓ સામસામે આવી ગયેલા ને હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતરી આવેલાં લોકોને રોકવામાં પોલીસ નિષ્ફળ જતાં છેવટે મણિપુરને આર્મીને હવાલે કરવું પડયું છે.
આ હિંસામાં સત્તાવાર રીતે ૭ લોકોનાં મોત થયાં છે જ્યારે બિન સત્તાવાર રીતે મોતનો આંકડો સોથી વધારે છે. માત્ર ૨૮ લાખની વસતી ધરાવતા રાજ્યમાં હિંસામાં સો લોકો મરી જાય એ બહુ મોટી વાત કહેવાય. આર્મીએ ઈમ્ફાલમાં જ હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી દસ હજાર વધારે લોકોને બચાવેલાં. આર્મીએ લોકોને સલામત સ્થળે પહોંચાડયાં પછી હજુ પણ આ લોકો આર્મીના કેમ્પ અને સ્કૂલો સહિતની અલગ અલગ સરકારી ઑફિસોમાં લશ્કરની કડક સુરક્ષા હેઠળ જ રહે છે.
મણિપુરમાં હિંસાને રોકવા માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે અને આખા રાજ્યમાં કરફ્યુ લાદી દેવો પડેલો. ઓલિમ્પિક્સ મેડલ વિજેતા બોક્સર મેરીકોમે તો હિંસાને રોકવા નરેન્દ્ર મોદી અને અમિત શાહને અપીલ કરીને ટ્વિટ કરી હતી કે, મણિપુરમાં સ્થિતિ અત્યંત ખરાબ છે અને ગમે તે થઈ શકે છે. રાજ્યની દરેક વ્યક્તિ હિંસાથી પ્રભાવિત છે અને મારું રાજ્ય ભડકે બળી રહ્યું છે તેથી તાત્કાલિક મદદ કરો. મણિપુર આ હિંસામાંથી બહાર આવ્યું નથી ત્યાં હવે મણિપુરમાંથી અલગ રાજ્યની માગણી શરૂ થતાં મણિપુરમાં ફરી ભડકો થવાનાં એંધાણ છે.
મણિપુરમાંથી અલગ રાજ્યની માગણી સ્વીકારી શકાય તેમ નથી પણ આ માગણીએ મણિપુર સહિતનાં રાજ્યોમાં ધર્મના આધારે વધતા જતા ભેદભાવો તરફ આપણું ધ્યાન દોર્યું છે. ભારતમાં બીજે બધે હિંદુ વર્સીસ મુસ્લિમનો જંગ ચાલે છે ત્યારે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિંદુ વર્સીસ ખ્રિસ્તીનો જંગ ચાલે છે. ખ્રિસ્તી મિશનરીઝે લાલચો આપીને લોકોને વટલાવ્યા તેનો લાભ લેવા ભાજપ કૂદ્યો તેમાં વાત વણસી છે. ભાજપ અને બીજા રાજકીય પક્ષોએ પોતાના રાજકીય ફાયદા માટે આ જંગને ભડકાવ્યો છે તેમાં મણિપુર ફરી કાયમી અશાંતિમાં ધકેલાય એવાં એંધાણ છે.
મણિપુરના આદિવાસી અધિકારોના નામે લડાતી લડાઈમાં એક તકફ મેઈતેઈ સમુદાય છે તો બીજી તરફ કુકી અને નાગ સહિતના આદિવાસીઓ છે. મેઈતેઈ સમુદાયનાં બહુમતી લોકો હિંદુ ધર્મ પાળે છે. મણિપુરમાં હિંદુ અને ખ્રિસ્તીઓની વસતી સરખી જેવી જ છે. ૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે,મણિપુરની કુલ વસતીમાં ૪૨ ટકા લોકો હિંદુ હતા જ્યારે ટકા ખ્રિસ્તી ધર્મ પાળે છે. એક સમયે મણિપુરમાં માત્ર ૧૭ ટકા ખ્રિસ્તી હતા જ્યારે અત્યારે ૪૧ ટકા છે તેના પરથી જ ખ્રિસ્તીઓની વસતી કઈ હદે વધી છે તેનો અંદાજ આવી જાય. અત્યારે તો કદાચ બંને સરખા જ થઈ ગયા છે. મેઈતેઈ સમુદાય ઇમ્ફાલ વેલી વિસ્તારમાં રહે છે જ્યારે ખ્રિસ્તી ધર્મ પાળનારાંમાં આદિવાસીઓ પહાડી વિસ્તારોમાં રહે છે.
ખ્રિસ્તી ચર્ચના પાદરીઓ આ વિરોધમાં અગ્રેસર છે કેમ કે મેઈતેઈ સમુદાયને એસટી સ્ટેટસ મળે તો મેઈતેઈ સમાજનાં લોકો ઈમ્ફાલ ખીણમાંથી બહાર નીકળીને પહાડી વિસ્તારોમાં પણ આવવા માંડે. હિંદુઓ આદિવાસીઓની સાથે રહે તો ખ્રિસ્તી મિશનરીઝની જોરશોરથી ચાલતી ધર્માંતરણની પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તેથી પાદરીઓ વિરોધમાં છે અને આદિવાસીઓને ભડકાવે છે.
પાદરીઓનું કહેવું છે કે, મેઈતેઈ સમુદાયને પણ આદિવાસીઓનો દરજજો મળે તો આદિવાસીઓનાં હિતો જોખમાશે પણ અત્યારે તો મેઈતેઈ સમુદાયનું અસ્તિત્વ જ જોખમમાં છે કેમ કે આદિવાસી તરીકે માન્યતા નહી હોવાથી મેઈતેઈ સમુદાય રાજ્યના ૧૦ ટકા વિસ્તાર પૂરતો મર્યાદિત થઈ ગયો છે. વેલીમાં મણિપુરનો માત્ર ૧૦ ટકા વિસ્તાર છે જ્યારે મણિપુરની વસતીમાં ૫૩ ટકા લોકો મેઈતેઈ સમુદાયના છે. એ લોકો માટે રોજગારીથી માંડીને જમીનની ઉપલબ્ધતા સુધીના અનેક પ્રશ્ર્નો ઊભા થયા છે. આ સમસ્યાનો ઉકેલ મેઈતેઈ સમુદાયને આદિવાસી તરીકેનો દરજ્જો છે પણ તેની આદિવાસીઓએ અલગ રાજ્યની માગણી કરતાં નવો ફણગો ફૂટ્યો છે.
ભારતને આઝાદી આપવાનું નક્કી કરાયું ત્યારે મણિપુર ભારત સાથે સૌથી પહેલાં જોડાણ કરનારાં રજવાડાંમાં એક હતું. મણિપુરના રાજા બુદ્ધચંદ્રે ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ પહેલાં ભારત સાથે જોડાણના કરાર કરેલા. આ જોડાણ સામે પછીથી આદિવાસી સમુદાયના કુકી અને નાગ સમુદાયનાં કેટલાંકે વિરોધ કર્યો તેથી મણિપુરમાં આતંકવાદ ભડકેલો. છેલ્લાં કેટલાંક વરસોથી આતંકવાદ શાંત થઈ ગયો છે પણ હવે અલગ રાજ્યની માગણી ઉગ્ર બને તો આતંકવાદ ભડકે એ પણ ખતરો છે તેથી કેન્દ્ર સરકારે સતર્કતા બતાવીને આ માગને ઉગ્ર બનતાં પહેલાં જ ડામી દેવી જોઈએ.