સરમાની વાત વાહિયાત, શિક્ષણને રાજધાની સાથે શું લેવાદેવા?

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓ ક્યારેક એવી વાત કરી નાંખે છે કે જે સાંભળીને ગધેડાને પણ તાવ આવી જાય. કોઈ મોં-માથા વિનાની ને જેને માત્ર તુક્કો કહેવાય એવી વાતો કરનારા રાજકારણીનું બૌદ્ધિક સ્તર પણ છતું થઈ જતું હોય છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ પણ આવી જ વાત કરીને દેશમાં પાંચ રાજધાની બનાવવાનો તુક્કો રમતો મૂકી દીધો છે.
સરમાને લાંબા સમયથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ટ્વિટર વોર ચાલે છે. આ ટ્વિટર વોરમાં કેજરીવાલને પહોંચી ના વળતાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ટ્વીટ કરીને માગણી કરી નાંખી કે દેશમાં ચારથી પાંચ રાષ્ટ્રીય રાજધાની બનાવવી જોઈએ કે જેથી અસમાનતા દૂર કરી શકાય.
સરમાએ કરેલી ટ્વીટને સમજવા માટે પહેલાં તો કેજરીવાલ અને સરમા વચ્ચે છેલ્લે છેડાયેલા ટ્વિટર વોરની વાત કરવી જરૂરી છે. કેજરીવાલ રાષ્ટ્રીય નેતા બનવા થનગની રહ્યા છે. તેના ભાગરૂપે દિલ્હી મોડલનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. દિલ્હી મોડલમાં સરકારી શાળાઓની સુવિધામાં કરાયેલો વધારો અને લોકોને રાહત દરે દવા આપવાં મોહલ્લા ક્લિનિક કેન્દ્રસ્થાને છે તેથી કેજરીવાલ આ બંને મુદ્દે મચી પડ્યા છે. ભાજપ શાસિત રાજ્યોમાં શિક્ષણ ને સ્વાસ્થ્ય બંનેની સુવિધા સાવ ખાડે ગઈ છે એવો પ્રચાર કર્યા કરે છે.
કેજરીવાલનું ધ્યાન હમણાં ગુજરાતની વિધાનસભા ચૂંટણી પર હોવાથી ગુજરાતમાં શિક્ષણ ને સ્વાસ્થ્ય બંનેની સુવિધા સાવ ખાડે ગઈ છે એ મુદ્દા પર તેમણે મારો ચલાવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના હોવાથી તેમને સારું લગાડવા ભાજપના નેતા ગુજરાતમાં બધું જોરદાર છે એવો બચાવ કરીને કેજરીવાલને ભાંડવા કૂદી પડે છે. સરમા પણ એ રીતે કૂદી પડેલા ને તેમાં કેજરીવાલની ઝપટે ચડી ગયા.
સરમાના ગુજરાત સરકારના બચાવ સામે કેજરીવાલે આસામની સરકારી શાળાઓ બંધ થઈ રહી છે એ તરફ વાતને વાળી દીધી. આસામમાં સરમાની સરકારે નિર્ણય લીધો છે કે જે શાળાઓમાં ધોરણ-૧૦મા વિદ્યાર્થી નાપાસ થાય તે શાળા આસામની સરકાર બંધ કરાવી દેશે.
અરવિંદ કેજરીવાલે આ સમાચાર શેર કરીને લખ્યું હતું કે, શાળાઓ બંધ કરવી એ સમાધાન નથી કેમ કે તેનાથી તો વિદ્યાર્થીઓને નુકસાન થશે. શાળાઓ બંધ કરવાની નહીં પણ તેમના સ્તરમાં સુધારો કરવાની જરૂર છે, વધુ ને વધુ શાળાઓ ખોલવાની જરૂર છે. કેજરીવાલની આ ટ્વિટ બાદ ભડકો થઈ ગયો. સરમા તથા કેજરીવાલ વચ્ચે લાંબી ટ્વિટર વોર છેડાઈ ગઈ ને સરમા કેજરીવાલને પહોંચી ના વળ્યા તેથી કેજરીવાલ બીજાં રાજ્યોની મજાક ઉડાવે છે એવી વાહિયાત વાત કરીને દેશમાં ચારથી પાંચ રાષ્ટ્રીય રાજધાની બનાવીને અસમાનતા દૂર કરી શકાય એવો મમરો મૂકી દીધો.
સરમાએ પહેલાં દલીલ કરેલી કે, દિલ્હીના મુખ્યમંત્રી તેમની શાળાઓની સરખામણી આસામની શાળાઓ સાથે કેમ કરે છે? જો સરખામણી કરવી હોય તો તેમણે ન્યૂયોર્ક અને ટોક્યો સાથે કરવી જોઈએ કારણ કે દિલ્હી દેશની રાજધાની છે અને તેની પાસે વધારે સવલતો તથા સંસાધનો છે. કેજરીવાલે વળતો જવાબ આપેલો કે, વાત સરખામણી કે સંસાધનોની નથી પણ સ્કૂલો બંધ કરવાની છે. સ્કૂલો કેમ બંધ કરાય છે એ જ સમજાતું નથી કેમ કે સ્કૂલો હશે તો વિદ્યાર્થી ભણવા આવશે.
સરમાએ ટ્વિટ કરી કે, હું છેલ્લા ઘણા સમયથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે દલીલ કરી રહ્યો છું કેમ કે તેમને બીજાં રાજ્યોની મજાક ઉડાવવાની આદત પડી ગઈ છે. હું ઇચ્છું છું કે ગરીબ રાજ્યોની મજાક ઉડાવવાને બદલે, અસમાનતાની આ બિમારીને દૂર કરવા માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. આપણે દેશમાં ચારથી પાંચ રાષ્ટ્રીય રાજધાની બનાવી શકીએ છીએ? દેશના દરેક ઝોનમાં એક રાષ્ટ્રીય રાજધાની બને તો અસમાનતા સામે લડી શકાય.
સરમાએ નરેન્દ્ર મોદીની સરકારે ઉત્તર-પૂર્વનાં રાજ્યોના વિકાસ માટે શું કર્યું તેની ગાથા પણ ગાઈ છે. એ બધી વાતો ચાપલૂસીભરી છે તેથી તેમની વાત કરવાનો મતલબ નથી પણ સરમાએ દેશની રાજધાની પાસે સારાં સંસાધનો છે ને બીજાં પાસે નથી એ મુદ્દો ઉઠાવ્યો તેની ચર્ચા કરવી જરૂરી છે કેમ કે આ વાત વાહિયાત છે અને લોકોમાં અસંતોષની લાગણી પ્રેરનારી છે.
સારી સ્કૂલો માટે સારી સવલતો અને સંસાધનો જરૂરી છે તેમાં બેમત નથી પણ કોઈ પણ રાજ્યમાં કે શહેરમાં દેશની રાજધાની હોય તો જ આ સવલતો કે સંસાધનો ઊભાં કરી શકાય એ વાત વાહિયાત છે. શાસકોમાં દમ હોય તો ગમે તે રીતે સારી સવલતો અને સંસાધનો ઊભાં કરી જ શકે, શિક્ષણને શ્રેષ્ઠ બનાવી જ શકે.
કેજરીવાલ સત્તામાં આવ્યા એ પહેલાં પણ દિલ્હી દેશની રાજધાની હતી જ પણ એ વખતે શિક્ષણની શું હાલત હતી એ નજર સામે છે. દિલ્હીની ખાનગી સ્કૂલોમાં એડમિશન લેવા લાખો રૂપિયા ડોનેશન આપવું પડતું ને ગરીબોની વાત તો છોડો પણ મધ્યમ વર્ગનાં લોકોને પણ એ ના પરવડે એવી સ્થિતિ હતી. કેજરીવાલે સરકારી સ્કૂલોની હાલત સુધારી તેમાં દેશની રાજધાની હોવાનું કોઈ યોગદાન નથી.
બીજું એ કે, દિલ્હી દેશની રાજધાની છે પણ દેશમાં તેનું શિક્ષણ શ્રેષ્ઠ નથી. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે રાજ્યો શિક્ષણના સ્તરમાં દિલ્હી કરતાં આગળ છે જ. આ રાજ્યો પાસે કંઈ રાષ્ટ્રીય રાજધાની નથી ને છતાં શિક્ષણમાં આગળ છે કેમ કે ત્યાંની સરકારોએ મહેનત કરીને શિક્ષણને સારું બનાવ્યું છે.
સરમાએ પણ બીજા બધા વાંધાવચકા કાઢવાના બદલે આસામના શિક્ષણને સુધારવા વિશે વિચારવું જોઈએ. સ્કૂલો બંધ કરવાના બદલે કઈ રીતે સ્કૂલો વધારી શકાય, શિક્ષણનો વ્યાપ વધારી શકાય એ વિચારવું જોઈએ. પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે વાહિયાત કારણો રજૂ કરવાથી દૂર રહેવું જોઈએ. સરમા પોતે મુખ્યમંત્રી છે ને ધારે તો આસામમાં શિક્ષણને શ્રેષ્ઠ બનાવી શકે પણ તેના માટે જે વિઝન જોઈએ એ તેમનામાં નથી. ભાજપના મોટા ભાગના નેતાઓની આ હાલત છે. એટલે જ તેમણે વાહિયાત કારણો રજૂ કરવાં પડે છે.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.