એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારમાં નંબર ટુ મનાતા એકનાથ શિંદેએ કરેલા બળવાના કારણે રાજકીય ગરમીનો માહોલ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને ઉથલાવવા માટે ભાજપ લાંબા સમયથી મથતો હતો પણ ફાવતો નહોતો. સોમવારે વિધાન પરિષદની ચૂંટણી પછી અચાનક એકનાથ શિંદેએ તલવાર તાણીને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ગુજરાતના સુરતમાં ધામા નાખી દીધા. તેના કારણે ઉદ્ધવ ઠાકરે સરકાર ઘરભેગી થશે તેની ઘડીઓ ગણાવા માંડી હોવાની વાતો પણ ચાલી રહી છે.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારમાં લાંબા સમયથી કશું સખળડખળ નહોતું થતું તેથી સ્થિર મનાતી હતી. હવે અચાનક બળવો થતાં મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર હાલકડોલક થઈ ગઈ છે અને શિવસેનાના ધારાસભ્યોના બળવાના કારણે શિવસેના પર રાજકીય જોખમ તોળાઈ રહ્યું છે એવી વાતો જોરશોરથી ચાલી રહી છે. ભાજપના નેતા પણ એવા દાવા કરી રહ્યા છે. ટીવી ચેનલો પાસે કશું હતું નહીં તેથી તેમણે પણ આ મુદ્દાને ચગાવ્યો તેના કારણે મંગળવારનો દિવસ મહારાષ્ટ્રની રાજકીય કટોકટીને સમર્પિત રહ્યો.
અલબત્ત, ટીવી ચેનલો ભલે અતિ ઉત્સાહમાં આવી ગઈ હોય અને ઉદ્ધવ ઠાકરે સરકારના પતનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોવાની વાતો કરી રહી હોય પણ અત્યારે કોઈ રીતે એવું સ્પષ્ટ ચિત્ર ઉપસતું નથી. ટીવી ચેનલો ભલે કહે કે, ઉદ્ધવ સરકારનો ખેલ ખતમ થઈ ગયો છે. પણ ટીવી ચેનલોના કહેવાથી ખેલ ખતમ થવાનો નથી. શિવસેનાના કેટલા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરે સાથે છે ને કેટલા એકનાથ શિંદે સાથે છે એ વિશે કોઈ સ્પષ્ટતા નથી પણ મીડિયાના રીપોર્ટને જ સાચા માનીએ તો પણ ઉદ્ધવ ઠાકરે સરકાર પર જોખમ ટળી જાય એવી પૂરી શક્યતા છે.
ઉદ્ધવ ઠાકરે સરકારના દિગ્ગજ મંત્રી એકનાથ શિંદેએ બગાવત કરી તેના સમાચાર સૌથી પહેલાં આવ્યા ત્યારે એવી વાતો ચાલેલી કે, શિવસેનાના ૩૦ ધારાસભ્યોએ બળવો કર્યો છે પણ હવે ટીવી ચેનલો જ કહી રહી છે કે, શિવસેનાનાં ૧૫ ધારાસભ્યો છે. જે ૩૦ ધારાસભ્યોમાં છે તેમાં એક એનસીપીનો અને ૧૪ અપક્ષ ધારાસભ્યો છે. પહેલાં એવી વાતો હતી કે, શિવસેનાના ૩૦ ધારાસભ્યોએ સુરતમાં ધામા નાંખ્યા છે અને શિંદે ઉપરાંત આ બાગીઓમાં અન્ય ૩ મંત્રીઓ પણ છે, પણ આ વાત ફૂસ્સ થઈ ગઈ છે.
હવે શિવસેનાના ૧૫ જ ધારાસભ્યો હોય તો એકનાથ શિંદે કઈ ના કરી શકે. વિધાનસભામાં અત્યારે શિવસેના પાસે ૫૫ ધારાસભ્યો છે એ જોતાં શિંદેએ પક્ષમાં ભંગાણ પાડવું હોય તો ઓછામાં ઓછા ત્રીજા ભાગના એટલે કે ૧૯ ધારાસભ્યો જોઈએ. પક્ષપલટા ધારા હેઠળ કોઈ પણ પક્ષના નવા જૂથને તો જ માન્યતા મળે કે જ્યારે ઓછામાં ઓછા ત્રીજા ભાગના ધારાસભ્યો અલગ થતા હોય.
ટીવી ચેનલોના અહેવાલ પ્રમાણે શિવસેનાનાં ૧૫ ધારાસભ્યો શિંદે સાથે હોય તો આ ધારાસભ્યો આપોઆપ પક્ષપલટા ધારા હેઠળ ગેરલાયક ઠરે. શિંદે કે ભાજપના નેતાઓએ આંબાઆંબલી બતાવ્યાં હોય તેના કારણે ઘારાસભ્યો મોટા પાયે બળવો થવાનો છે એવું માનીને દોડી આવ્યા હોય, પણ હવે શિવસેનાના ૧૫ ધારાસભ્યો જ છે એવી ખબર પડતાં આ ધારાસભ્યો ગેરલાયક ઠરવાનું જોખમ ના જ ઉઠાવે.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હજુ અઢી વર્ષ બાકી છે એ જોતાં આ ધારાસભ્યોએ સાવ નવરા બનીને બેસી જવું પડે. ગદ્દારનું લેબલ લાગે એ વધારામાં ને તેના કારણે શિવસૈનિકો જીવવનું હરામ કરી નાખે એ ખતરો તો ખરો જ. ગેરલાયક ઠરવાના ને શિવસૈનિકોના ડરે ધારાસભ્યો પાછા ઉદ્ધવ કેમ્પમાં આવી જાય એ ખતરો છે જ. તેના કારણે બળવાની હવા જ નિકળી જાય એવી શક્યતા પૂરેપૂરી છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં ૨૮૮ બેઠકો છે તેથી સરકાર રચવા માટે કોઈ પણ પક્ષને ૧૪૫ ધારાસભ્યોનું સમર્થન જોઈએ. ૨૦૧૯માં થયેલી ચૂંટણીમાં ૧૦૫ બેઠકો જીત્યા છતાં ભાજપ સરકાર નહોતો રચી શક્યો. શિવસેનાને ૫૭, એનસીપીને ૫૩ અને કૉંગ્રેસને ૪૪ બેઠકો મળી હતી. આ ત્રણેય પક્ષના થઈને ૧૫૪ ધારાસભ્યો થયા હતા. આ સિવાય અન્ય નાના નાના પક્ષો પક્ષ અને અપક્ષના ધારાસભ્યો સાથે મળીને કુલ ૧૬૯ ધારાસભ્યોનું ઉદ્ધવને સમર્થન હતું. અત્યારે જે સ્થિતિ છે તેમાં આ નાના પક્ષો અને અપક્ષો ખસ્યા હોય એવું લાગે છે, જ્યારે શિવસેનામાં મોટું ગાબડું નથી.
જો કે ઉદ્ધવ સરકાર ટકી જાય તો પણ આ બળવાએ શિવસેનામાં ઓલ ઈઝ વેલ નથી એ સ્પષ્ટ કરી દીધું છે. આ નારાજગી માટે આદિત્ય ઠાકરેની સરકારમાં વધતી દખલગીરી પણ જવાબદાર મનાય છે. એકનાથ શિંદેની ગણતરી શિવસેનાના દિગ્ગજ નેતાઓમાં થાય છે અને ઉદ્ધવ ઠાકરેની અત્યંત નજીકના નેતા મનાતા હતા. શિંદેને મુંબઈને અડકીને આવેલા થાણેના મોટા નેતા માનવામાં આવે છે અને બાળાસાહેબ ઠાકરેના સમયથી પાર્ટીમાં જોડાયેલા છે. ૨૦૧૯માં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી ત્યારે શિવસેનાએ શિંદેને વિધાનસભાના નેતા બનાવ્યા હતા.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી બાદ ભારે રાજકીય ડ્રામા જોવા મળ્યો હતો. ભાજપને મુખ્યમંત્રીપદ આપવા સામે ઉધ્ધવે વાંધો લીધો પછી ભાજપે એનસીપીમાં ભંગાણ પાડીને અજીત પવારને નાયબ મુખ્યમંત્રીપદ આપીને દેવેન્દ્ર ફડણવિસના નેતૃત્વમાં સરકાર રચી હતી. શરદ પવારની મુત્સદીગીરીના કારણે ૨૪ કલાકમાં આ સરકાર ઘરભેગી થઈ ગઈ ને ભાજપે હથિયાર હેઠાં મૂકી દીધાં પછી ઉદ્ધવ ઠાકરે નવેમ્બર ૨૦૧૯માં મુખ્યમંત્રી બન્યા હતા, એનસીપી અને કૉંગ્રેસનું સમર્થન હતું.
ઉદ્ધવ અચાનક મુખ્યમંત્રી બનેલા ને એ પહેલાં એવું જ મનાતું હતું કે શિંદે ગાદી પર બેસશે પણ પવારે શિંદેને બદલે ઉદ્ધવને ગાદી પર બેસાડી દીધા હતા. શિંદે એ વખતથી નારાજ હતા પણ શિવસેનાની વફાદારીના કારણે કશું ના કર્યું. સરકારમાં તેમને નંબર ટુ બનાવાયા તેથી નારાજગી ઘટી હતી પણ આદિત્ય ઠાકરેની દખલગીરીના કારણે એ નારાજ હતા ને આ નારાજગી બળવામાં પરિણમી હોવાનું કહેવાય છે. આ વાત સાચી છે કે નહીં એ ખબર નથી પણ ભાજપે તેનો બરાબર લાભ લીધો છે.